• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

મણિપુરમાં શાંતિની શોધ ક્યારે ?

મણિપુરમાં હિંસાની આગ શાંત થવાનું નામ લેતી નથી.  આમ તો આ અશાંત રાજ્યમાં વિવિધ સંગઠનો વચ્ચે વાટાઘાટો યોજાય છે ખરી, પણ તેમાં જો કોઇ  સમજૂતી સધાય છે તે કાયમી બની રહેતી નથી. હિંસા ફાટી નીકળી તેને એક વર્ષ કરતાં વધુ સમયગાળો થઇ ગયો હોવા છતાં ત્યાં શાંતિ હજી વાસ્તવિક બની શકી નથી, એ માત્ર રાજ્ય સરકાર જ નહીં, પણ રાજકીય પક્ષો તથા ધાર્મિક અને સામાજિક સંગઠનોની ચિંતાજનક વિફળતા દર્શાવે છે.  

એક નાનાં એવાં રાજ્યમાં હિંસાનો પડકાર ગંભીર છે. શાંતિ માટેના પ્રયાસ સફળ થાય અને થોડા દિવસમાં સધાયેલી સમજૂતી તૂટી જાય અને જૈસે થે જેવી હાલતમાં ઉકેલ શોધવાનું પણ મુશ્કેલ બની રહ્યંy છે. ખુદ રાજ્ય સરકાર સત્તાવાર રીતે સ્વીકારે છે કે, હાલત સારી નથી,  પણ તેમાં સુધારો કરવા માટે કોઇ સંકલિત પહેલ નજરે પડતી નથી.  હિંસક બનાવો બનતા રહે છે અને બેઘર લોકોની સંખ્યા વધતી જાય છે. રાજ્ય સરકારે આ જાતીય હિંસાના વિનાશના આંકડા જાહેર કર્યા છે. વિધાનસભામાં મુખ્યમંત્રીએ માહિતી આપી કે, હિંસામાં અત્યાર સુધી આઠ હજાર જેટલા લોકો વિસ્થાપિત બન્યા છે. રાજ્યમાં આગચંપીના બનાવોમાં અગિયાર હજારથી વધુ મકાન ખાખ થયાં છે.  

વક્રતા એ છે કે, મુખ્યમંત્રી બીરેનાસિંહે હિંસામાં વિનાશના આંકડા વિધાનસભામાં આપ્યા, ત્યારે તેમણે હિંસા રોકવાની પોતાની જવાબદારી પણ વ્યક્ત કરવાની તસ્દી લીધી ન હતી. એ સમજી શકાય તેમ નથી કે, છેલ્લાં એક વર્ષથી મૈતેઇ સમુદાયને અનામત આપવાની અદાલતની સૂચનાના અમલ સાથે ફાટી નીકળેલી હિંસાને ત્યારે કાબૂમાં લેવાની જરૂરત હતી, પણ મુખ્યમંત્રી બિરેનાસિંહની સરકારમાં દૂરંદેશીનો અભાવ  ત્યારે પણ હતો અને અત્યારે પણ વર્તાઇ રહ્યો છે.  વાત એટલી વધી ગઇ છે કે, મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે વિશ્વાસને પુનસ્થાપિત કરીને સંવાદ સાધવાની શક્યતા દિવસો દિવસ ધૂંધળી બની રહી છે. થોડા સમય અગાઉ જીરીબાન જિલ્લામાં હમાર અને મૈતેઇ પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી પર સહિ થયાના 24 કલાકની અંદર ફરી હિંસાનો દોર શરૂ થઇ ગયો હતો.

આમ તો આ અગાઉ રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા મણિપુરમાં વધુ દળો તૈનાત કરવાથી માંડીને શાંતિ સમિતિઓની રચના કરવાની જાહેરાતો થઇ ચૂકી છે, પણ આવી કોઇ કાર્યવાહીનાં હકારાત્મક પરિણામ સામે આવી શક્યાં ન હોવાને લીધે સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. રાજ્ય સરકારે ઉપરછલ્લા પ્રયાસોને બાદ કરતાં નીતિ વિષયક સુધારા પર કોઇ નક્કર પગલાં લીધાં નથી. રાજ્ય સરકારના આવા વલણને લીધે હિંસા રોકાતી નથી અને સમસ્યાનો ઉકેલ મળતો નથી.  સરકારે વધુ એક વખત સંબંધિત પક્ષો સાથે સીધો સંવાદ કરીને ઉકેલની ખોજને નિર્ણાયક સ્તરે પહોંચાડવી જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક