• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

આઝાદીના 78મા વર્ષે

આજે આઝાદીના 78મા વર્ષનો શુભારંભ થાય છે. ત્રીજી વખત જનાદેશ મેળવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી ધ્વજવંદન કરીને રાષ્ટ્રને સંબોધન કરશે તેના ઉપર સમસ્ત દેશ ઉપરાંત દુનિયાના તમામ દેશોના કાન પણ મંડાયેલા હશે. સ્વાતંત્ર્યના વીતેલા વર્ષના ઉત્તરાર્ધમાં સંવિધાન અને લોકતંત્રના નામે - અથવા બહાને ઘણો કુપ્રચાર થયો પણ આખરે લોકતંત્ર અને સંવિધાન સલામત છે એવો ‘ચુકાદોજનતાની અદાલતે આપ્યો છે. લોકતંત્રમાં વિપક્ષ અનિવાર્ય છે, પણ જવાબદાર હોય તે જરૂરી છે. દેશહિતમાં સત્તાર્થી રાજકારણનું ગ્રહણ નહીં હોવું જોઈએ. આજે તો હર ઘર તિરંગા અભિયાનનો રાજકીય વિરોધ થઈ રહ્યો છે!

સ્વાતંત્ર્યના 78મા જન્મદિવસે ભારત પરિવર્તનના ઉંબરે ઊભું છે. પ્રશ્નો-સમસ્યાઓ પારાવાર છે. એક તરફ આર્થિક મોરચે ઝડપી વિકાસના પ્રયાસ થાય છે, બીજી તરફ દેશના આંતરિક અને બાહ્ય પડકારો પ્રગતિમાં રુકાવટ બની રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે નેતાઓ વાણી-િવલાસમાં છે. ઉગ્રવાદ અને આતંકવાદ પડકાર કરી રહ્યો છે. સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવવાના ઉધામા વધી રહ્યા છે. રાજકીય સ્વાર્થ માટે રાજનીતિનું સ્તર નીચે ઊતરી રહ્યું છે. આગામી સમયમાં રાજકીય કટુતા અને સામાજિક વિખવાદ ફેલાવવાના પ્રયાસ વધવાની શક્યતા છે.

સ્વાતંત્ર્ય દિવસ આપણી આઝાદીનો ઉત્સવ છે. રાષ્ટ્રીય પર્વ છે - તેની ઉજવણીમાં ઉમંગ અને ઉત્સાહને આશાવાદ - આત્મવિશ્વાસનું પ્રેરકબળ મળવું જોઈએ. રાષ્ટ્રીય ઉત્સવના આનંદમાં અપવાદને સ્થાન હોય જ નહીં, વિવાદનો વિષય હોય નહીં. રાષ્ટ્રીય એકાત્મતાની ભાવના આપોઆપ પ્રગટ થવી જોઈએ. સંભવિત સમસ્યાઓ અને પડકારોને પહોંચી વળવાની પ્રતિબદ્ધતા જાગવી જોઈએ. આવી જાગૃતિ પ્રેરવાની શક્તિ વડા પ્રધાનમાં છે. તેના પરિણામે નાગરિકોનો આત્મવિશ્વાસ અને દેશભક્તિ દૃઢ બને છે.

સ્વાતંત્ર્યના આગામી વર્ષે નવા પડકારો ડોકાઈ રહ્યા છે, ઊભા થયા છે - દેશમાં અને દુનિયામાં - અતિવૃષ્ટિથી પારાવાર નુકસાન થયું છે. કુદરતી કોપના કારણે જાનહાનિ થઈ છે. ત્યારે માનવ સર્જિત - લડાઈ યુક્રેન - રશિયા અને ઇઝરાયલ - હમાસ વચ્ચે નિર્ણાયક - સંહારક તબક્કામાં પહોંચી રહી છે. ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. ધર્મના નામે અધર્મ યુદ્ધ થઈ રહ્યું છે - યુરોપ અને અમેરિકામાં પણ વિદેશી વસાહતીઓ સામે ઉગ્ર દેખાવો શરૂ થયા છે. પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ તો આક્રમક વસાહતીઓને પાછા ધકેલવાની ધમકી આપી રહ્યા છે તે આગમનાં એંધાણ છે.

યુદ્ધના ઓળા વચ્ચે આપણા પાડોશી દેશોમાં સત્તાપલટા કરાવીને ભારતને ઘેરવાના પ્રયાસ થઈ રહ્યા છે. ચીન અને પાકિસ્તાનના હાથ ઉપરાંત અમેરિકા સામે પણ શંકાની આંગળી છે.

ભારત આજે વિકાસનો ધબકાર ઝીલતો દેશ બની ગયો છે. તમામ મોરચે જબ્બર પરિવર્તન આવ્યું છે. આર્થિક મોરચે આપણે મહાસત્તા બનવા તૈયારી કરીએ છીએ. ભારતના અવાજ અને મતને અમેરિકા સહિતના કોઈ રાષ્ટ્રો ઉવેખી નથી શક્તા. વડા પ્રધાન મોદી અમેરિકાની પરવા કર્યા વિના રશિયામાં પુતિન સાથે મંત્રણા અને કરાર કરે છે. રૂસી ભૂમિ પરથી યુદ્ધને નામંજૂર કરવાની હિંમત માત્ર ભારત જ દાખવી શકે અને પુતિનને ભારે પડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીત કરનાર છે. આ આપણી દૂરંદેશી અને કૂટનીતિની સફળતા છે.

વિશ્વના ઘણા અશાંત દેશોમાંથી ભારતીયોને સલામત સ્વદેશ પહોંચાડવાનું ભગીરથ કાર્ય ભારત સરકારે પાર પાડયું છે. ભારત સામે થતાં કાવતરાંમાં આપણે સ્વદેશી-િવપક્ષી નેતાઓ જોડાય ત્યારે શું કહેવું? આવા નેતાઓ વિદેશીઓના ‘હાથમાં રમે છે અને ખોળામાં બેઠા છે! માત્ર સરકાર નહીં-જનતાની પણ સાવધ રહેવાની અને રાષ્ટ્રવિરોધી તત્ત્વોની માયાજાળ તોડવાની જવાબદારી છે. ઘરઆંગણે રાજકીય અસ્થિરતા અને અરાજકતા સર્જવાના પ્રયાસ થાય છે. ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે રાજકીય મોરચા મંડાયા છે.

ભારત સરકાર સાવધાન છે. દેશી-િવદેશી કાવતરાં નિષ્ફળ બનાવશે એવો વિશ્વાસ જનતાને છે અને આજે લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રને સંદેશ આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સંવિધાન અને લોકતંત્ર-સલામત અને સક્રિય હોવાનું જણાવીને 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવાનો વિશ્વાસ આપશે.

ગત વર્ષે સ્વાતંત્ર્ય દિને કહ્યું હતું : ‘આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસનાં હશે, વર્ષ 2047નું સોનેરી સ્વપ્ન સાકાર કરવામાં મહત્ત્વના ઠરશે અને આવતા વર્ષે આ દિવસે, આ સ્થળેથી હું આપણી દેશની સિદ્ધિઓ, આપ સૌની શક્તિ, આપ સૌએ સાધેલા વિકાસ અને વધુ આત્મવિશ્વાસથી મેળવેલી સફળતા જણાવીશ.’

જળ જીવન મિશનજે અૉગસ્ટ 2019માં શરૂ થયું હતું તે અત્યારસુધીમાં 78 ટકા પૂર્ણ થયું છે અને ગ્રામીણ વિસ્તારોમાં 15 કરોડ પરિવારોને પાઈપ-નળ દ્વારા જળ પહોંચે છે. પંદર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 90 ટકા કાર્ય પૂર્ણ છે.

કૃષિક્ષેત્રમાં તેલીબિયાં અને કઠોળની આયાતની જરૂર રહે નહીં તેટલું ઉત્પાદન વધારવાનું અભિયાન શરૂ થશે. પ્રતિવર્ષ બે લાખ કરોડ રૂપિયા આયાત પાછળ ખર્ચાય છે તે બચી જશે.

પ્રધાન મંત્રી જનધન યોજનાને દસ વર્ષ પૂરાં થયાં છે તેના લાભાર્થીની સંખ્યા 53 કરોડ છે અને $ 228 લાખ કરોડ બૅન્ક ખાતાઓમાં જમા થયા છે. એકસાથે આવી વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ હોય એવી વિશ્વમાં આ એકમાત્ર યોજના છે.

મુખ્ય સમસ્યા ભાવવધારાની અને રોજગારીની છે. આ માટે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં જોગવાઈ થઈ છે. વિશ્વભરમાં આજે રોજગારીની સમસ્યા છે. ભારતમાં યુવા વર્ગની સંખ્યા વધુ છે-તે આપણી શક્તિ છે. વર્ષ 2030 સુધી દર વર્ષે 78 કરોડ નવી રોજગારી-કૃષિક્ષેત્ર સિવાય - જરૂરી છે તેથી બજેટમાં ખાનગી ક્ષેત્રને આહ્વાન અપાયું છે. ભારત પોતાની સુરક્ષા માટે સક્ષમ છે. આજે એક-એક ભારતીયના ચહેરા પર સ્વાભિમાન છલકી રહ્યું છે. 78મા આઝાદી દિવસની સૌને શુભેચ્છા!

ઇ-પેપરના નવા શુલ્ક