વિશ્વની
સામેના ગંભીર પડકારોમાં જળવાયુ પરિવર્તનથી ઊભા થઇ
રહેલાં જોખમોનો પડકાર દિવસો દિવસ મુશ્કેલ બની રહ્યો છે. પ્રદૂષણને નાથવાના સંકલિત અને પ્રામાણિક પ્રયાસોના અભાવમાં આ પડકાર
હવે બેકાબૂ બની ગયો છે. આમ તો જળવાયુ પરિવર્તન અંગે વિશ્વ સ્તરે સંમેલનો નિયમિત રીતે
યોજાતા રહે છે, પણ કમનસીબે આ બેઠકોમાં કોઇ નક્કર પરિણામ સામે આવી શક્તું નથી. આવી જ
હાલત તાજેતરમાં આઝરબૈઝાનના બાકુમાં યોજાયેલા વર્ષ 2024ના જળવાયુ સંમેલનમાં સામે આવી
હતી. આ સમસ્યાની ગંભીરતા, તેનાં કારણો અને ઉકેલ અંગે મંથન ઉપયોગી રહ્યંy, પણ વાસ્તવમાં
વિકસિત દેશો અને વિકસતા દેશો વચ્ચેના મતભેદને લીધે કોઇ નક્કર કાર્યયોજના ઘડી શકાઇ ન
હતી.
પર્યાવરણના
ભોગે વિકાસ સાધીને સમૃદ્ધ બનેલા દેશો હવે પૃથ્વી તરફની તેમની જવાબદારી અદા કરવા માટે
ઉત્સુક જણાતા નથી. આવી માનસિક્તાને લીધે જળવાયુ પરિવર્તનની સામે નક્કર વ્યૂહરચના અમલી
બની શકતી નથી. ખાસ તો પ્રદૂષણ માટે જવાબદાર ઝેરી વાયુના ઉત્સર્જનને રોકવા માટેનાં પગલાં
ઉપરાંત હાલનાં પયાવરણને સ્વચ્છ બનાવવા માટે અનિવાર્ય એવાં પગલાં લેવાની અનિવાર્યતા
છે. આ માટે સ્વચ્છ ઊર્જાની સાથોસાથ હરિત પૃથ્વીનાં પગલાં લેવા પડે તેમ છે. આ માટે વિકસિત
દેશોને તેમના ઉદ્યોગો પર લગામ લગાવવાની સાથોસાથ જળવાયુ પરિવર્તનની સામે વૈશ્વિક ભંડોળ
ઊભું કરવા પર ધ્યાન આપવાની જરૂરત રહે છે, પણ સીઓપી 24ના સંમેલનમાં કોઇ સંમતિ સાધી શકાઇ
ન હતી. ખાસ તો વિકસતા દેશોએ આ મુદ્દે રજૂ કરેલા મુસદ્દા અંગે વિકસિત દેશો મગનું નામ
મરી પાડવાથી અળગા રહ્યા હતા. ખાસ તો વિકસતા દેશો 2025 સુધી જળવાયુ પરિવર્તનનો ઉકેલ
આણી શકે એ માટે કેટલો આર્થિક સહયોગ આપવો તે મુદ્દે વિકસિત દેશોએ કોઇ ફોડ પાડયો ન હતો.
ઉલ્લેખનીય છે કે, વિકસતા દેશોએ સતત એ વાત ઉપર ભાર મૂક્યો હતો કે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં
કાપ મૂકવા માટે અને જળવાયુને સ્વચ્છ બનાવવા માટે તેમને ઓછામાં ઓછા 130 અબજ ડોલરની આવશ્યક્તા
રહેશે. આમ તો બાકુના સંમેલનમાં સુધારેલા મુસદ્દામાં વિકસિત દેશોના આર્થિક સહયોગની જરૂરતનો
સ્વીકાર તો કરાયો, પણ કોઇ નક્કર સહમતી સાધી શકાઇ ન હતી. આ સંદર્ભમાં ભારતે પણ સ્પષ્ટ
મત વ્યક્ત કર્યો કે, વિકસતા દેશો માટે જળવાયુના પડકારને પહોંચી વળવા માટે આર્થિક વ્યવસ્થાને
બદલે ઉત્સર્જનમાં કાપ મૂકવાના મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવાના વિકસિત દેશોના પ્રયાસોનો
કોઇ પણ સંજોગોમાં સ્વીકાર થશે નહીં.
ખરેખર
તો આજે આખી દુનિયા જળવાયુ પરિવર્તનનાં જોખમો અંગે ચિંતિત છે, ત્યારે વિકસિત દેશોએ આ
વૈશ્વિક સમસ્યાની જવાબદારી વિકસતા દેશો પર ઢોળીને હાથ ઊંચા કરી દેવાની માનસિક્તા છોડવાની
ખાસ જરૂરત છે. આજે વિશ્વને જવાબદારીની ફેંકાફેંકને બદલે આ પડકાર સામે અસરકારક પગલાં
લેવાય તેની તાતી જરૂરત છે.