વિધાનસભા
ચૂંટણીનું પરિણામ અનપેક્ષિત અને અકલ્પનીય હોવાના પ્રત્યાઘાત ઉદ્ધવ સેનાના અધ્યક્ષ ઉદ્ધવ
ઠાકરેએ આપ્યા છે. મહાયુતિએ એવું તે શું ભવ્ય કર્યું કે તેને લઈ તેને આટલી ભારે પ્રમાણમાં
સફળતા મળી એવો સવાલ તેમણે કર્યો છે. આ પરિણામ આમજનતાને પણ ગળે ઊતર્યું નથી એ પણ એક
મહત્ત્વનો પ્રશ્ન છે. આ લોકોએ મહાયુતિને શા માટે મતો આપ્યા એ સમજાતું નથી. ઈવીએમ પર
શંકા વ્યક્ત કરી અને ક્યાંક ઘાલમેલ થવાની શંકા પણ વ્યક્ત કરી છે. જ્યારે સંજય રાઉતે
તો હાર માટે ભારતના નિવૃત્ત ચીફ જસ્ટિસ ચંદ્રચૂડને જવાબદાર લેખાવ્યા છે. વિધાનસભ્યોને
અપાત્ર ઠરાવવાના કેસનો તેમણે સમયસર ચુકાદો આપ્યો હોત તો આ પરિણામ ન આવ્યું હોત.
મહાયુતિની
સરકારને અઢી વર્ષ પૂર્ણ થયાં અને વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં મહાયુતિને પ્રચંડ જનાદેશ
મળ્યો, તે નકારવાનું બાલિશપણું રાજ્યમાં વિરોધીઓ, ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે દ્વારા દાખવવામાં
આવી રહ્યું છે. મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિના પલડામાં અઢળક મતો નાખ્યા હોવા છતાં આ
પરિણામ માન્ય નહીં રાખવાનું ઠાકરે દ્વારા કહેવામાં આવે તે જનાદેશનો અનાદર છે. લોકસભાની
ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો અને મહાવિકાસ આઘાડીને અઢળક મતો તેમ જ ઘણી બેઠકો મળી ત્યારે
ભાજપ અને મુખ્ય પ્રધાન શિંદેએ આવી રીતે નારાજગી વ્યક્ત નહોતી કરી. પરાજય સ્વીકારીને
બન્ને પક્ષોએ આત્મચિંતન કર્યું હતું. તેમાંથી શીખ લઈને થયેલી ભૂલો દુરસ્ત કરી પછી મહાયુતિ
વિધાનસભાની ચૂંટણીમાં ઊતરી હતી.
આજે
એમના જે 20 વિધાનસભ્યો ચૂંટાઈ આવ્યા છે, તેમાં આદિત્ય ઠાકરે અને વરુણ સરદેસાઈ બાદ કરતાં
18 વિધાનસભ્યો સંપૂર્ણ પાંચ વર્ષ સાથે રહેશે કે નહીં તેનો વિચાર ઉદ્ધવે કરવો જોઈએ.
ઉભરાયેલા દૂધ પર રડવાને બદલે ચૂંટણી પ્રચારમાં જે આક્રમકપણે ઉદ્ધવ ટીકા કરી રહ્યા હતા,
હવે જનાદેશ નમ્રપણે સ્વીકારવાનું ઔદાર્ય દાખવવું જોઈએ. ચૂંટણીનું પરિણામ આવતાં પ્રવક્તા
જે પ્રત્યાઘાત આપતા હતા તે લોકશાહી પર અને બંધારણ પર તેઓનો વિશ્વાસ નહીં હોવાનું પ્રતીત
થાય છે.
આ સંદર્ભમાં
ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ નિરર્થક હતી. અતિશય બાલિશપણે તેઓ મુદ્દા રજૂ કરી રહ્યા
હતા. રાજ્યની જનતાએ કોલ આપ્યો તેનો સ્વીકાર કરતા, ક્યાં ભૂલો થઈ, તેનો અમે વિચાર કરીશું,
તેને દુરસ્ત કરવાનો પ્રયાસ કરીશું એમ કહીને મહાયુતિનું અભિવાદન કર્યું હોત તો ઉદ્ધવ
ઠાકરેના મનનું મોટાપણું દેખાયું હોત. તેઓ સારી રાજકીય પરિપક્વતા ધરાવે છે, એ પણ રાજ્યની
જનતાને દેખાયું હોત. ઉદ્ધવ ઠાકરે ખુદને મરદ માણસ તરીકે ઓળખાવે છે, તે મરદપણું પણ દેખાયું
હોત પણ આવું કંઈ નહીં કરતાં તેમણે ‘દુ:ખે છે પેટ અને કૂટે છે માથું’ જેવો ઘાટ ઘડયો
છે. ઉદ્ધવ ઠાકરેએ હવે જે રહ્યોસહ્યો પક્ષ તેમની પાસે છે તેને અકબંધ રાખવાના પ્રયાસ
કરવા જોઈએ.