પંદર
મહિના સુધી ચાલેલા યુદ્ધ અને ખાનાખરાબી પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી
હવે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના શપથવિધિની પૂર્વસંધ્યાને
ઇઝરાયલના પ્રધાનમંડળની મંજૂરી પછી આ યુદ્ધવિરામ અને સમજૂતીનો માર્ગ ખૂલ્યો છે. આ સમજૂતી
પછી બન્ને તરફથી બંધકો અને કેદીઓના છુટકારા સાથે પીડિત લોકોની રાહત અને પુનર્વસવાટનો
માર્ગ પણ ખૂલી શકશે જેની હાલના સમયે જરૂર છે.
અૉક્ટોબર
2023માં હમાસ દ્વારા ઇઝરાયલમાં મચાવવામાં આવેલી કત્લ-એ-આમ પછી શરૂ થયેલી લડાઈમાં ભારે
સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો ઘરબાર ગુમાવી ચૂક્યા છે. એ ભૂલવું નહીં
જોઈએ કે ગયા વર્ષે મે મહિનામાં જૉ બાયડન દ્વારા રજૂ કરવામાં આવેલી સમજૂતીનો ઇઝરાયલ
અને હમાસ બન્નેએ અસ્વીકાર કર્યો હતો. ડૉનાલ્ડ ટ્રમ્પના સીધા હસ્તક્ષેપ પછી એમણે હમાસને
‘જોઈ લેવાની’ અને નેતન્યાહૂને પણ ઘેરવાના સંકેત આપ્યા તેના પરિણામે બન્ને પક્ષો પર
સમજૂતી સ્વીકારવાના દબાણને સમજી શકાય છે. છતાં આ સ્થાયી શાંતિ નથી, યુદ્ધવિરામની સમજૂતી
છે. જ્યારે બન્ને પક્ષો ખુલ્લા દિલથી સમજૂતીની શરતોનો સ્વીકાર કરે તો જ અમલ થાય. નેતન્યાહૂના
પ્રધાનમંડળ દ્વારા મંજૂરી આપવા માટે કરવામાં આવેલો વિલંબ અને પછી હમાસ દ્વારા બંધકોનાં
નામ જણાવવામાં થયેલો વિલંબ આગળની મુશ્કેલીનો સંકેત આપે છે. આ સમજૂતી હમાસની જીતનો સંકેત
ગણાય એવી શક્યતા અને શંકા નિરર્થક છે, કારણ કે હમાસ ખુદ ઇરાન અને હિઝબુલ્લાને નબળા
પડયા પછી લડાઈમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યું હતું.
બન્નેના
સંબંધોની જટિલતાને જોતાં બધા બંધકોની વાપસી, પેલેસ્ટાઈનના કેદીઓનો છુટકારો અને છ અઠવાડિયાં
પછી યુદ્ધવિરામને સ્થાયી શાંતિમાં બદલવું નથી.
ઇઝરાઈલ-હમાસ
અને બીજી બાજુ રશિયા-યુક્રેન, આ બે યુદ્ધોએ વિશ્વને ઘણું નુકસાન કર્યું છે. ગાઝા પટ્ટીના
લગભગ બે તૃતીયાંશ બાંધકામો, બિલ્ડિંગો જમીનદોસ્ત થયાં છે જેને પૂર્વવત્ બાંધવા યુદ્ધ
સ્તરે પણ કામ થાય તો દસ વર્ષ લાગશે. 17 હજાર આતંકવાદીઓને મારી નાખ્યાનો દાવો ઇઝરાયલ
કરતું હોવા છતાં આ યુદ્ધ નિર્ણાયક રીતે જિતાયું નથી. બન્ને બાજુના સેંકડો નિર્દોષ માર્યા
ગયા છે. યુદ્ધના કારણે ઇઝરાયલના અર્થતંત્રને 10 ટકા નુકસાન પહોંચ્યું છે. 56 બિલિયન
ડૉલર આ યુદ્ધોની કિંમતનો અંદાજ ઉપરછલ્લો છે. પેલેસ્ટાઈનના નાગરિકોને કામ-લાઈસન્સ આપવાનું
ઇઝરાયલે બંધ કર્યું હતું પછી તે ભારતીય હોય કે શ્રીલંકા શ્રમિકોની ભરતી શરૂ થઈ હતી,
જે ભારતનાં હિતની હોવા છતાં ખર્ચાળ હતી.