ફિલ્મી
અભિનેતા, નવાબઝાદા સૈફ અલી ખાન ઉપર તેમના જ ઘરમાં થયેલા હુમલાની અનેક પ્રકારે ચર્ચા
થઈ અને થઈ રહી છે. માનસિક પ્રદૂષણ ફેલવવાનો પ્રયાસ પણ આ મુદ્દે થયો પરંતુ આખરે તે હુમલાના
કિસ્સામાં એક બાંગ્લાદેશી વ્યક્તિની ધરપકડ મુંબઈ પોલીસે કરી છે. ઘૂસણખોરીનો પ્રશ્ન
તો દાયકાઓ જૂનો છે હવે તેનો સીધો સંબંધ ગુનાખોરી સાથે ખૂલ્યો છે. આ ઘટના મુંબઈમાં બની
છે પરંતુ સમસ્યા મુંબઈ પૂરતી સિમિત નથી. બાંગ્લાદેશીઓ ગેરકાયદે અહીં રહે છે, જ્યાં
સુધી તેઓ કોઈ ને કોઈ વ્યવસાયમાં હોય ત્યાં સુધી સમસ્યા નિયંત્રિત છે પરંતુ ગુનાખોરી
કે દેશ વિરોધી પ્રવૃત્તિમાં તેમની સંખ્યા વધે તે લાલબત્તી છે.
મુંબઈ
પોલીસે ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 18મી જાન્યુઆરીથી
અત્યાર સુધીમાં 20 બાંગ્લાદેશીને પોલીસ પકડી શકી છે. આ દિશામાં પહેલેથી જ પોલીસનું
વલણ શિથિલ છે. બે દાયકાનો હિસાબ માંડીએ તો આવા 138 બાંગ્લાદેશી પકડાયા છે. સૈફ અલી
વાળી ઘટના પછી પોલીસ આંખ ચોળતી બેઠી થઈ છે. દરેક પોલીસ સ્ટેશનને એવી સૂચના અપાઈ છે
કે ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય.જો કે ઝૂંપડપટ્ટી કે અન્ય ગીચ
વિસ્તારમાં વસતા બાંગ્લાદેશીઓ ગેરકાયદે આધારકાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજ બનાવીને
રહેતા હોય તેવા પણ અનેક કિસ્સા છે. ભદ્ર વિસ્તારમાં વસતા આવા લોકો સુધી પહોંચવું પોલીસ
માટે સરળ નથી. અનેક વ્યવસાય-વેપારમાં પણ આ બાંગ્લાદેશીઓ કામ કરે છે.ઓછા વળતરની અપેક્ષાએ
કામ કરતા આ બાંગ્લાદેશીઓ મૂળ ક્યાંના છે, કોણ છે તેનો અહીં વસવાટ કાયદેસર છે કે નહીં
તેવી વિગતોમાં તેમને કામે રાખનારા લોકો પડતા નથી.
આ
સ્થિતિ મુંબઈની જ નથી, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પણ આભૂષણો બનાવવાના કામમાં બાંગ્લાદેશી
યુવાનો મોટી સંખ્યામાં સંકળાયેલા છે. અનેક વખત તેઓ મોટી રકમ લઈને નાસી જતા હોવાના બનાવ
પણ બને છે. જો બાંગ્લાદેશીઓ અહીં વ્યવસાય માટે આવ્યા હોય, તેમનું અહીં વસવું કાનુની
હોય તો તો પણ તેઓ ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં સંડોવાય નહીં તે તો જોવું જ રહ્યું અને
જો અહીં રહેવાનું પણ ગેરકાનુની હોય, તો તો સખ્ત કાર્યવાહી થવી જ જોઈએ. સૈફ અલી ખાન
તો સેલિબ્રિટી છે તેમના ઘરમાં બનેલી ઘટના તરત દેશભરના માધ્યમમાં છવાઈ ગઈ. પરંતુ દેશના
વિભિન્ન હિસ્સામાં ક્યાં ક્યાં આવું ચાલતું હશે તેનો તો અંદાજ પણ આવી શકે નહીં.
પોલીસ
અને સંબંધિત એજન્સીઓએ આવા કિસ્સામાં કાર્યવાહી કરવી જ રહી.