પોલીસની
સજ્જતા, સમાજની જાગૃતિ સંદર્ભે અનેક પ્રશ્ન જાગે અને ઘણા વિચાર શરૂ થાય તેવા કિસ્સા
સૌરાષ્ટ્રમાં વધી રહ્યા છે. દુષ્કર્મ તો અહીં
હવે રોજિંદી ઘટના બની ગઈ છે. આમાં પણ જો આરોપી તરીકે અન્ય ધર્મના માણસોના નામ ખૂલે
તો મુદ્દો વધારે સંવેદનશીલ બની જાય છે. જો કે દુષ્કર્મ આખરે દુષ્કર્મ છે. ગુનો આખરે
ગુનો છે. કોઈ પણ બાળા, યુવતી કે ત્રી ઉપર દુષ્કર્મ ન થાય તે અગત્યનું છે ત્યાં આ કૃત્ય
કરનાર ગૌણ છે. આતંકવાદીને ધર્મ હોતો નથી તેવા આદર્શને વળગી રહીએ. ગુનેગારનો કોઈ ધર્મ
નથી છતાં કેટલાક ગુનામાં અમુક ધર્મના લોકો વધારે છે તેવી પ્રતિદલીલ ન કરીએ અને ફક્ત
બનાવો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો પણ રાજકોટ અને વેરાવળની બે ઘટના ઘણી મહત્વની છે.
ગુરુવારે
વેરાવળમાં બનેલો બનાવ ચોંકાવનારો છે. હિન્દુ નામ ધારણ કરીને એક યુવકે વારંવાર યુવતી
ઉપર દુષ્કર્મ કર્યું, ફરિયાદ થઈ અને પોલીસે તેને પકડયો તો તેણે પોલીસને ચકમો આપીને
એસિડ પીને આત્મહત્યા કરી લીધી. બે દિવસ પહેલાં રાજકોટમાં સ્કૂલવેન ચાલકે વિદ્યાર્થિની
ઉપર દુષ્કર્મ કર્યું. પહેલા બનાવની તો હજી તપાસ ચાલુ છે ત્યાં ચર્ચા એવી થઈ રહી છે
કે યુવકે આમ આત્મહત્યા કરી લીધી તે પસ્તાવાને લીધે કે પછી કોઈ ગેંગ કોઈ ષડયંત્રનો તે
હિસ્સો હશે ? વેરાવળ પોલીસ હવે તપાસ કરે તો પણ કોને પૂછીને આગળ વધે ?
રાજકોટનો
બનાવ પણ ગંભીર છે. એક તો તેમાં ભોગ બનનાર સગીર છે, વિદ્યાર્થિની છે. દુષ્કર્મ રોકવા
માટે અનેક વાતો થઈ રહી છે. શાળાઓમાં સ્વરક્ષણની તાલીમ આપવાનું શરૂ થયું છે. પોલીસતંત્ર
પણ અનેક દાવા કરી રહ્યું છે. જો ખરેખર તાલીમ અપાતી હોય તો પછી યુવતીઓ- બાળાઓ શા માટે
આવા વાસનાંધ લોકોની માનસિકતાનો ભોગ બને છે ? કોઈ પણ પ્રકારના અપરાધોને સમાજમાં સ્થાન
ન હોય પરંતુ દુષ્કર્મના બનાવને અલગ દૃષ્ટિ અને વલણથી પોલીસે જોવા જોઈએ.
સ્કુલવેનમાં
જ્યારે બાળકને મોકલવામાં આવે તે પહેલાં તેની પૂરી તપાસ કરી લેવામાં આવે તો સારું. પોલીસ
વિવિધ પ્રકારની હેલ્પલાઈન ચલાવે છે, સંસ્થાઓ સ્વરક્ષણ માટે કરાટે વગેરેની તાલીમ આપે
છે છતાં આવા તત્વો પર નિયંત્રણ નથી. દુષ્કર્મ જેવી ઘટનાઓ અંગે વધારે ગંભીર વલણ બતાવવું
જરુરી છે. સોશિયલ મીડિયા, ફિલ્મો વગેરેને દોષ દઈ દેવાથી સમાજ કે પોલીસ જવાબદારીમાંથી
છટકી શકે નહીં.