• બુધવાર, 21 મે, 2025

સોનું પહોંચથી બહાર

વિશ્વભરમાં ઝડપભેર પલટાતાં રહેલાં આર્થિક સમીકરણોમાં સોનાના ભાવો સતત વધી રહ્યા છે. અગાઉના અંદાજ મુજબ સોનાના ભાવ એક લાખને આંબી ગયા છે. ચોતરફ મોંઘવારીનું દબાણ અનુભવી રહેલા ભારતીય પરિવારો માટે આ કિંમતી ધાતુ જીવનમાં આબાદ રીતે વણાઈ ગઈ છે, ત્યારે આ ભાવવધારો ભારે મુશ્કેલી સર્જી રહ્યો છે. એક તરફ દુનિયામાં સોનાની માગ વધી રહી છે તેના પ્રમાણમાં તેના ખનનમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાને લીધે ભાવો ઊંચકાઈ રહ્યા છે. જોકે, અમેરિકાની નવી ટેરિફનીતિથી સર્જાઈ રહેલી આર્થિક અનિશ્ચિતાને લીધે સોનાના ભાવ વધી રહ્યા છે. વળી મોંઘવારીને નાથવા માટે વિશ્વભરમાં બૅન્કના વ્યાજદરો ઘટી રહ્યા છે. વ્યાજ ઘટવાને લીધે રોકાણકારો હવે વધુ ફાયદા માટે સોનાની ખરીદી સતત વધારી રહ્યા છે.

છેલ્લા લગભગ સાડા ત્રણ મહિના દરમિયાન સોનાના ભાવમાં લગભગ 26 ટકા જેટલો ભારે ઉછાળો નોંધાયો છે. હાલના કારણ હજી યથાવત્ રહે એવી પૂરી શક્યતા હોવાથી 10 ગ્રામ સોનાના ભાવ સવા લાખને આંબી શકે એમ નિષ્ણાતો માની રહ્યા છે. ખાસ તો વિશ્વમાં ડૉલરની કિંમત ઘટી રહી હોવાને લીધે વિદેશી રોકાણકારો માટે સોનામાં રોકાણ વધુ આકર્ષક જણાઈ રહ્યંy છે. તેની સાથોસાથ દુનિયામાં ચાલતા વિવિધ સંઘર્ષોને લીધે બૅન્કો આર્થિક સલામતી માટે સોનાનો સંગ્રહ વધારી રહી છે. આ બધાં કારણોને લીધે સોનાના ભાવોમાં આગ ઝરતી તેજી અનુભવાઈ રહી છે.

સોનાના ભાવમાં સતત વધારાના લીધે રોકાણકારોને મોટો ફાયદો થઈ રહ્યો છે, પણ ભારતમાં લગ્ન પ્રસંગોએ સોનું ખરીદતો મોટો વર્ગ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. ભારતના અર્થતંત્ર પર સોનાના ભાવમાં ઉછાળાની અવળી અસર પડી રહી છે. બે વર્ષ અગાઉ સોનું ગિરવે મૂકીને લોન લેનારાની સંખ્યા સતત વધી રહી છે. સોનાના ભાવનો વધારો આ લેવડ-દેવડને જોખમમાં મૂકી રહ્યો છે. આવનારા સમયમાં સોનાની ખરીદી ચોક્કસ વર્ગ પૂરતી મર્યાદિત થઈ જાય એવા મુશ્કેલ સંજોગો આકાર લઈ ચૂક્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક