યુદ્ધવિરામ જાહેર થયા પછી કૉંગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી અને ઉદ્ધવ ઠાકરે સેનાના નેતા સંજય રાઉતે તરત સમર્થન કરીને તાત્કાલિક બેઠક મળવી જોઇએ એવી માગણી કરી છે. પહલગામમાં આતંકીઓએ હિન્દુ પર્યટકોની હત્યા કરી ત્યાંથી અૉપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ સુધીની તમામ ઘટનાની વિગતવાર ચર્ચા કરીને મોદી સરકારને ઘેરવાની એમની ઇચ્છા અને ઉતાવળ છે. ભારતીય સેનાના પરાક્રમ બદલ અભિનંદન આપ્યા પછી મોદી સરકારની ટીકા પણ કરવી છે.
આવી
માગણી પાછળ રાજકારણ છે ત્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા - શરદ પવારે કહ્યું છે કે,
સંસદના વિશેષ સત્ર સામે મને વાંધો નથી, પણ રાષ્ટ્રની સલામતીને લગતી ગંભીર ગુપ્ત માહિતીની
જાહેરમાં ચર્ચા કરાય નહીં. સર્વપક્ષી બેઠક બોલાવાય અને ચર્ચા ગુપ્ત રખાય તે વધુ યોગ્ય
છે. શરદ પવારે ભૂતકાળમાં સંરક્ષણ પ્રધાન હતા તેથી ભારતીય સેનાની કાર્યવાહીની જાહેર
ચર્ચા કરી શકાય નહીં - એમ અનુભવથી કહી રહ્યા છે. અમે પણ ઘણા ઓછા લોકો સાથે આવા વિષયની
ચર્ચાવિચારણા કરતા હતા. વિશેષ સત્રમાં દરેક સભ્ય કાંઈને કાંઈ પૂછવા માગે અને પરિણામે
આપણા ગુપ્ત અહેવાલ જાહેરમાં આવે તે રાષ્ટ્રહિતમાં હોય નહીં. શરદ પવારે યુદ્ધવિરામમાં
અમેરિકાની દખલ - દરમિયાનગીરીનો વિરોધ કર્યો છે. 1972માં ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના
પ્રમુખ ભુત્તો વચ્ચે થયેલા શિમલા કરાર મુજબ ત્રીજા પક્ષની દરમિયાનગીરી સ્વીકાર્ય નથી.
શરદ પવારે રાજકારણથી બહાર - રાષ્ટ્રહિતની વાત અને તરફેણ કરી છે તે યોગ્ય છે. કૉંગ્રેસ
અને અન્ય વિપક્ષી નેતાઓએ સંસદના વિશેષ સત્રનો આગ્રહ છોડીને સર્વપક્ષી બેઠકમાં માત્ર
આમંત્રિત - મર્યાદિત નેતાઓની બેઠક સ્વીકારવી જોઇએ.
રાષ્ટ્રહિતની
ગંભીર માહિતી કઈ હોઈ શકે? ડોનાલ્ડ ટ્રમ્પે અણુયુદ્ધ રોકવાનો દાવો કર્યો છે - તો શું
ભારતે પાકિસ્તાનના અણુમથકોને નુકસાન કર્યું છે? રેડીએશન પ્રસરવાની શક્યતા - નકારવામાં
આવી છે અને ભારતે પણ સાફ ઇન્કાર કરીને રદિયો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાક યુદ્ધ
રોકવાનો યશ લેવા માગતા હોવાથી એમણે ઉતાવળે જાહેરાત કરી. હજુ રેડીએશનની તપાસ થઈ હતી
એવા અહેવાલ પણ આવશે. આ વિષયમાં ભારત સરકારે રદિયો આપ્યા પછી જાહેરમાં વધુ ચર્ચા નહીં
થવી જોઇએ.
વડા
પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગા સંદેશમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, અણુબૉમ્બનો
ભય-હાઉ બતાવીને પાકિસ્તાન જીતી નહીં શકે - આતંકીઓ જેના ભરોસે બેઠા છે ત્યાં સુધી અમે
પહોંચી શકીએ છીએ - આ બતાવી પણ દીધું છે. આ નિવેદનનો ગર્ભિત અર્થ સમજવો જોઇએ. શરદ પવાર
બરાબર સમજે છે.
અમેરિકાની
દખલનો સવાલ - આક્ષેપ છે પણ ભારતે દખલ સ્વીકારી નથી. ટ્રમ્પનો આભાર માન્યો નથી. હકીકતમાં
પાકિસ્તાનનાં વિમાનમથકો અને આતંકી અડ્ડા ખેદાનમેદાન થયાં પછી પાકિસ્તાને અમેરિકા તથા
અન્ય દેશોને આજીજી કરી કે, અમને બચાવો. અમેરિકાએ ચીનની વધતી વગ રોકવા તક ઝડપી લીધી,
પણ પાકિસ્તાનને સલાહ આપી કે ભારતની સેનાના સંબંધિત અફસરનો સંપર્ક સાધો. ટ્રમ્પના વિદેશ
પ્રધાને આપણા વિદેશ પ્રધાનને કહ્યું કે, પાકિસ્તાન યુદ્ધવિરામ ઇચ્છે છે - પાકિસ્તાન
ઘૂંટણીએ પડે તો શા માટે ના પાડવી? અલબત્ત, આપણે યુદ્ધવિરામ માટે શરતો મૂકી છે - જે
સ્વીકારાઈ છે. ત્રીજા પક્ષની દખલગીરીનો પ્રશ્ન જ નથી. સંવાદ માત્ર આતંક અને કાશ્મીરી
પ્રદેશ - વિષે થાય ત્યારે અમેરિકાની હાજરી નહીં જ હોય!