• ગુરુવાર, 19 જૂન, 2025

ટેસ્ટ ક્રિકેટમાંથી ‘િવરાટ’ વિકેટ

ક્રિકેટ મેચમાં ક્યારેક એવું બને કે ઉપરાઉપરી બે-ત્રણ વિકેટ પડી જાય. જેમની રમત આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈને, રોમાંચપૂર્વક માણી રહ્યું હોય તે જ ખેલાડી આઉટ થાય અને આવું ટૂંકા ગાળામાં બને તો ક્રિકેટરસિકોને આઘાત લાગે. થોડા દિવસો પૂર્વે રોહિત શર્માએ ભારતીય ટેસ્ટ ક્રિકેટને આવજો કહ્યા પછી હવે વિશ્વ વિખ્યાત ખેલાડી, ભારતીય ક્રિકેટના અણમોલ રત્ન પૈકીના એક એવા વિરાટ કોહલીએ પણ અચાનક જ ટેસ્ટ ક્રિકેટની પીચ છોડી દીધી છે. ‘ટેસ્ટકેપ નં.269’ના ઉલ્લેખ સાથે તેમણે ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે ક્રિકેટપ્રેમીઓ- કોહલી પ્રેમીઓની આંખના ખૂણા ભીંજાઈ જવા સ્વાભાવિક હતા. સાતત્યપૂર્ણ સાફલ્યનો જીવંત દૃષ્ટાંત વિરાટ બની રહ્યો.

મેદાનમાં બેટ લઈને ઊભો હોય ત્યારે તેની ચિત્તા જેવી ચપળતા, તેજોમય આંખો, સામેના બોલરને ભરી પીવાની બોડી લેંગ્વેજ તો લાખો દર્શકોએ નિહાળી છે. સાથે જ વિરાટ ક્યારેક ગુસ્સો પણ કરે, ક્યારેક ઉગ્ર થઈને પણ વર્તે તે સૌએ જોયું છે. ભારતીય ક્રિકેટને સમયાંતરે નિવડેલા ક્રિકેટર્સ દરેક પેઢીમાં મળ્યા તેમાં સુનીલ ગાવસ્કર, સચીન તેંડુલકર, રાહુલ દ્રવીડ પછી ચોથા ક્રમે વિરાટનું નામ આવી જાય. ટેસ્ટમાં 46.85 રનની સરેરાશ, 9230 રન તેના સરવૈયાંમાં છે. કારકિર્દી દરમિયાન સાત બેવડી સદી કરવાની સિદ્ધિ વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ ખેલાડી પાસે નથી. વિરાટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તે પછી તેનાથી વધારે બેવડી સદી વિશ્વસ્તરે અન્ય કોઈ ખેલાડીએ લગાવી નથી. 68 ટેસ્ટ મેચમાં તેઓ ટીમના કેપ્ટન હતા તેમાંથી 40 મેચમાં વિજય પ્રાપ્ત થયો. ટેસ્ટ કેપ્ટન તરીકે પણ તેમનો સ્કોર સૌથી વધારે રહ્યો.

આ તમામ સિદ્ધિઓ તો ચાહકોને કંઠસ્થ છે. સૌથી અગત્યની વાત એ છે કે વન-ડે ક્રિકેટ પછી ટી-20 કે આઈપીએલ જેવાં નવાં સ્વરુપો ક્રિકેટે ધારણ કર્યાં ત્યાર બાદ પણ ટેસ્ટ ક્રિકેટમાં કોહલી પરોવાયેલા રહ્યા અને તેમણે ત્યાં કિર્તીમાન સ્થાપ્યા. વિશ્વસ્તરે પ્રતિભાશાળી ક્રિકેટર્સ દીર્ઘકાલીન ક્રિકેટ છોડીને ઓછા સમયમાં વધારે પ્રસિદ્ધિ -સિદ્ધિ મેળવવા તરફ દોટ લગાવતા રહ્યા ત્યારે વિરાટે તે સાબિત કર્યું કે પ્રબળ ઈચ્છાશક્તિ હોય, રમતના કોઈ પણ ક્ષેત્રમાં સફળતાની ટોચ પર પહોંચી શકાય. પીચ-મેદાન ઉપર તેમનું સામર્થ્ય સૌએ નિહાળ્યું પરંતુ પેવેલિયનમાં, કોરીડોરમાં પણ તેમના વલણને, અભિપ્રાયને અગત્યના અવાજ તરીકે લેવાયું.

ટેસ્ટ મેચમાં પણ જેમની કૌશલ્યપૂર્ણ રમત જોવા માટે આ ઝડપી સમયમાં ભીડ એકત્ર થતી તેવા એક ઊર્જાસભર વ્યક્તિની ટેસ્ટ મેચ ક્ષેત્રથી વિદાય નોંધપાત્ર ઘટના છે. સચીન તેંડુલકરની ખોટ વર્ષો સુધી તેણે ભારતીય ક્રિકેટને સાલવા દીધી નહીં. કોઈને કોઈ નવી પ્રતિભા અલબત્ત ઉભરી આવશે પરંતુ કોહલીની ઊર્જા, ઉત્સાહ લાંબા સમય સુધી સ્મરણમાં રહેશે. રોહિત શર્માની જેમ જો કે વિરાટ કોહલી પણ વન-ડે મેચના મેદાનમાં તો જોવા મળશે તે હાશકારો છે.

ઇ-પેપરના નવા શુલ્ક