• ગુરુવાર, 19 જૂન, 2025

મધ્યસ્થીનો વિવાદ કૉંગ્રેસ ચગાવે છે...

ભારતે વારંવાર અમેરિકાની મધ્યસ્થીનો સાફ ઈનકાર ર્ક્યો, રદિયો આપ્યો હોવા છતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યા કરે છે કે એમના દબાણના પરિણામે અણુયુદ્ધ ટાળી શકાયું અને ‘કરોડો લોકોના જાન બચી ગયા.’ ટ્રમ્પ તો કહે પણ કૉંગ્રેસના નેતાઓને હવે વિવાદનો મુદ્દો મળ્યો છે. ચસ્કો લાગ્યો છે. જયરામ રમેશે વડા પ્રધાન અને વિદેશપ્રધાનના ખુલાસાની માગણી કરી છે. ગમે તેમ પણ ભારતના વિજયની ખુશીને બદલે જનતાના મનમાં શંકા જગાવવાના પ્રયાસ થાય છે!

પ્રશ્ન એ છે કે ટ્રમ્પ શા માટે મધ્યસ્થીનો દાવો કરે છે? ભારત-પાક. વચ્ચે જ્યારે સંવાદ થાય ત્યારે મધ્યસ્થીનો પ્રશ્ન હોય અને તે પણ જગજાહેર હોય. આવી મધ્યસ્થીની શક્યતા નથી. અત્યારે વિવાદ માત્ર યુદ્ધવિરામ માટે આપણે તૈયાર થયા કેમ? તે બાબત છે. જો આપણે યુદ્ધવિરામ માટે સહમત થયા હોત નહીં અને લડાઈ ચાલુ રાખી હોત તો પાકિસ્તાનની વહારે ચીન આવે એવી શક્યતા ગંભીર હતી. અમેરિકાને પણ આવી શંકા હતી એટલે પાકિસ્તાનને સલાહ આપી કે ભારત સાથે વાત કરો અને આપણે યુદ્ધવિરામનો ઈનકાર ર્ક્યો હોત તો તેનો અંત ક્યારે આવત? આપણી સંરક્ષણ અને આક્રમક શક્તિ પાકિસ્તાન કરતાં ઘણી વધુ છે પણ આખરે લડાઈ એટલે લડાઈ, તે મોંઘી જ પડે. આ કાંઈ બૉલીવૂડની ફિલ્મનું શૂટિંગ નથી - એવી ટીકા પણ સાચી છે.

આપણે શક્તિનો પરચો બતાવી દીધા પછી યુદ્ધવિરામમાં જ ડહાપણ છે.

રમેશ જયરામ કહે છે ભારતની સલામતીને સરકારે જોખમમાં મૂકી છે, ગિરવે મૂકી છે! ટ્રમ્પના નિવેદનથી જયરામ રમેશના મોઢામાં જાણે પતાસું પડયું છે! પણ જયરામ અથવા ટ્રમ્પ પુરાવા-સાબિતી આપવા તૈયાર છે? કૉંગ્રેસ હંમેશાં સેના અને સરકાર પાસે પુરાવા માગે છે! હવે આક્ષેપ પુરવાર કરી શકશે?

ટ્રમ્પ માટે હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે અને એમણે જ બનાવ્યો છે. ભારત અને પાક. સાથે વ્યાપાર બંધ કરવાની ધમકી આપી એમ કહે છે પણ વ્યાપારની વાત ક્યારેય આવી જ નથી એમ ભારત સાફ કહે છે. છતાં સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા ટ્રમ્પે કહ્યું કે મને લડાઈ ગમતી જ નથી. હું તો શાંતિપ્રિય (ગૌતમ બુદ્ધ?) માણસ છું! સમાધાન અને એકતામાં માનું છું. ભારત-પાકિસ્તાનના મામલામાં વચ્ચે પડીને અમે યુદ્ધ વિસ્તરતું-વકરતું રોકયું અને આ માટે મેં વ્યાપારનો ઉપયોગ શત્ર તરીકે ર્ક્યો!

ટ્રમ્પને યશ ખાટવાની ચિંતા અને ઉતાવળ છે યુક્રેન-રશિયાની લડાઈ બંધ કરાવી શક્તા નથી. બેઠક બોલાવી તો પુતિન આવવા તૈયાર નથી અને ઝેલેન્સ્કીને ઉમળકો નથી. ટ્રમ્પે ક્યાં, કંઈ લડાઈ બંધ કરાવી? ચાર દિવસ પહેલાં જ બોલ્યા હતા કે લડાઈ બંધ કરાવવાનું કામ મુશ્કેલ છે! આ સંજોગોમાં - પાકિસ્તાનની આજીજી આવી અને ભારતે લડાઈ “સ્થગિત’’ કરી છે. બંધ નથી કરી. કૉંગ્રેસને તો ભાજપના કારણે ભારત દ્વેષ છે તે હવે દ્રોહ બની રહ્યો છે. સંસદમાં આ વિષયમાં ઊહાપોહ કરવો છે અને મોદી સરકાર વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવો છે.

દરમિયાન - વડા પ્રધાને ફરીથી ચેતવણી આપી છે કે આતંકી હુમલો થશે તો તે પાકિસ્તાની આક્રમણ ગણીને જવાબ આપવામાં આવશે. શક્ય છે કે હવે પછી કાશ્મીરી પ્રદેશ પાછો મેળવવા માટે જ ભારત આક્રમણ કરશે.

ભારતે નરમ વલણ લીધી નથી એમ બતાવવા વડા પ્રધાને સાફ-સખત શબ્દો વાપર્યો છે ત્યારે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના એક અધિકારી ભારતમાં જાસૂસી કરતા હોવાથી તેની હકાલપટ્ટી કરી છે. પંજાબની પોલીસે પાકિસ્તાની જાસૂસી કાવતરામાં જોડાયેલા બે શખસોને પકડયા પછી કાવતરું પકડાયું અને ભારત સરકારના વિદેશી વિભાગે સંબંધિત મોહમ્મદ એહેસાન ઉર રહીમને ચોવીસ કલાકમાં ભારત છોડવાની તાકીદ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક