સૈન્ય
કાર્યવાહી હજી સ્થગિત છે, પૂર્ણ નથી થઈ, લોહી અને પાણી સાથે ન વહી શકે, હવે વાત થશે
તો ફક્ત પીઓકે મુદ્દે. પરમાણુ ધમકીથી ક્યારેય ડરવાના નથી એવા સજ્જડ, સંગીન સંદેશા વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીએ સોમવારે સાંજે આઠ વાગ્યે પાકિસ્તાનને અને સમગ્ર વિશ્વને આપી દીધા.
ઓપરેશન સિંદૂર ભારતના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે તેવું કહીને વડાપ્રધાને
પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું કે તમારે પણ જો બચવું હશે તો આ આતંકી માળખાને તોડવું પડશે.
મંગળવારે વડાપ્રધાને પાકિસ્તાનને વધુ એક સંદેશ આપ્યો, પાકિસ્તાનના અસત્ય ઉપર, અફવા
ઉપર તેમણે સર્જીકલ સ્ટ્રાઈક કરી.
પાકિસ્તાન
જે ડ્રોન ઊડાવે છે તે તો ભારતમાં પહોંચતાં પહેલાં જ તણખલાની જેમ તૂટી જાય છે પરંતુ
પાકિસ્તાને ઊડાડેલી અફવાને પણ ભારતના વડાપ્રધાને આજે ચકનાચુર કરી નાંખી હતી. દેશના
બીજા ક્રમના મોટા એરબેઈઝ- લશ્કરી હવાઈપટ્ટી અદમપુરની મુલાકાત વડાપ્રધાને લીધી હતી.
સાતમી મે થી દસમી મે સુધી જે આક્રમક પ્રહારો થયા તેમાં પાકિસ્તાનને અને તેના આતંકવાદ
પ્રત્યેના પ્રેમાળ અભિગમને ભારે નુકસાન થયું છે. વ્યક્તિ પડી ગયા પછી પણ ટંગડી ઊંચી
રાખવાની કહેવત પાકિસ્તાને સાર્થક કરી અને ભારતના વિવિધ વિસ્તારમાં તેના સૈનિકોએ ભારે
નુકસાન કર્યું હોવાના તદ્દન પોકળ-પાયાવગરના દાવા કર્યા હતા. નુકસાન તો તેને પોતાને
થયું હતું છતાં ભારતને નુકસાન પહોંચ્યાની વાતો પાકિસ્તાને કરી હતી.
યુદ્ધવિરામ
અને રાષ્ટ્રજોગ સંદેશ પછી વડાપ્રધાન મોદી અદમપુર ગયા તેની પાછળ સ્પષ્ટ સંદેશ છે. પાકિસ્તાને
કરેલા પોકળ દાવામાં એક દાવો એ હતો કે તેણે અદમપુર એરબેઈઝને ભારે નુકસાન કર્યું છે.
સુખોઈ વિમાન, એસ-400 ડિફેન્સ સિસ્ટમ તોડી પાડી હોવાનું શત્રુપડોશીએ જાહેર કર્યું હતું.
ભારતની તીવ્ર લશ્કરી ક્ષમતા સામે કશું કરી ન શકનાર પાકિસ્તાને ફક્ત ખોટી વાતો કરી તેમાં
એવું કહ્યું કે રડારને નુકસાન થયું છે. મોદીએ કે સેનાએ આવી અફવાનો કોઈ જવાબ તો આપ્યો
નહીં પરંતુ આજે તેઓ અદમપુર ગયા. દુનિયાને ખબર પડી કે આ એરબેઈઝ તો સંપૂર્ણ સલામત છે.
તેમની તસવીરમાં પાછળ સુખોઈ વિમાન પણ દેખાય છે. જે સૈનિકો પાકિસ્તાન ઉપરની સ્ટ્રાઇકમાં
સામેલ હતા તેમની સાથે વડાપ્રધાન મોદીએ વાત પણ કરી.
પાકિસ્તાન
છૂપાઈને હિંસા જ કરાવી શકે છે, પ્રત્યક્ષ લડાઈમાં તેનું ગજું નથી તેવું તો સાતમી મે
એ સવારે સાબિત થઈ ગયું હતું પરંતુ પોતાની અને વિશ્વની પ્રજાને પણ તે કેટલી હદે મૂર્ખ
બનાવે છે તેનું ઉદાહરણ આ અદમપુરવાળો કિસ્સો છે. વડાપ્રધાનની અદમપુર મુલાકાત એક સાંકેતિક
છે અને સ્પષ્ટ પણ છે. પાકિસ્તાનના અસત્ય ઉપરની એ સ્ટ્રાઈક છે.