• ગુરુવાર, 19 જૂન, 2025

મંત્રી થઇને આવું બોલો છો ? ‘સુપ્રીમ’ સવાલ

દેશ આખો પાકિસ્તાન સામે આપણાં સશત્ર દળોની કાર્યવાહી અને ફોજની જાંબાઝીથી મંત્રમુગ્ધ છે ત્યારે મધ્યપ્રદેશના ભાજપ સરકારના એક મંત્રીએ કર્નલ સોફિયા કુરેશી વિશે કોમવાદી ટિપ્પણી કરીને રોષ વહોરી લીધો છે. મ. પ્રદેશ સરકારમાં આદિવાસી બાબતોના મંત્રી વિજય શાહની ટિપ્પણી ન માત્ર મહિલા શક્તિના અનાદર સમાન છે બલ્કે કોમવાદી-કટ્ટર માનસિકતાયુક્ત છે.

પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં સેનાની ત્રણે પાંખની સંયુક્ત કાર્યવાહી અંતર્ગત રાત વચ્ચે આતંકવાદીઓના નવ અડ્ડા ફૂંકી માર્યા એ વીરગાથાને લગતી પત્રકાર પરિષદમાં વિદેશ?સચિવ સાથે બે મહિલા અધિકારીઓની માહિતી આપવા ઉપસ્થિતિ હતી. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે દેશ-દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતની મહિલા શક્તિના સામર્થ્યનું આ પ્રમાણ છે અને પહેલગામ હુમલાના સમર્થક પાકિસ્તાનને કડક સંદેશ હતો કે, આતંકવાદીઓએ અનેક મહિલાઓના સેંથાનું સિંદૂર ઉજાડયું પણ એનો હિસાબ ચૂકતે કરતી કાર્યવાહીનો ઘટસ્ફોટ ભારતની બે વીરાંગનાઓ જ કરી રહી છે.

દેશ આખો સરકારની - સૈન્યની રણનીતિ પર આફરીન હતો, ત્યારે બેફામ બોલનારા મંત્રીએ એવું કહ્યું કે, ભારતની કડક કાર્યવાહીની જાહેરાત આતંકવાદીઓને એમની બહેન મારફત જ થઇ રહી છે. સોશિયલ મીડિયા મારફત વિજય શાહની ટિપ્પણી ચોમેર ફરી વળી અને તેમના પર ફીટકાર વરસવા લાગ્યો. ગંભીર ચૂક થયાનું ભાન થતાં મંત્રીએ વાત વાળવાનો પ્રયાસ કર્યો, માફી માગી, ખોટું અર્થઘટન થવાનોય દાવો કર્યો... પણ વછૂટી ગયેલું જબાની તીર કદી પાછું વાળી શકાતું નથી. મધ્યપ્રદેશ વડી અદાલતે મંત્રી સામે તાત્કાલિક એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો. વિજય શાહે એ આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો, પણ સુપ્રીમ કોર્ટે રાહતની વાત તો દૂર આકરી ફટકાર લગાવી.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઇએ સી.જે.આઇ. તરીકેનો કાર્યભાર સંભાળ્યાનો પહેલો જ દિવસ બુધવારે હતો. તેમણે વિજય શાહની અરજી હાથ પર લેતાં સવાલ કર્યો ‘તમે આવાં નિવેદન કઇ?રીતે આપી શકો ? બંધારણીય પદ સંભાળનારી વ્યક્તિ પાસે એક નિશ્ચિત સ્તરની મર્યાદાની અપેક્ષા રાખવામાં આવતી હોય છે. દેશ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે એક-એક શબ્દ પૂરી જવાબદારી સાથે બોલાવો જોઇએ...’ આ કેસમાં વધુ સુનાવણી શુક્રવારે થશે.

મધ્યપ્રદેશના મંત્રી ગંભીર ભૂલ બદલ પોતાની ખુરશી ગુમાવે એવી શક્યતા છે. ભારતભરમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ બની છે. પાકિસ્તાનને ચાર દિવસમાં ઘૂંટણિયે લાવી દીધાનો જુસ્સો બુલંદ છે, દરેક નાગરિક જવાનો અને સૈન્યનાં શૌર્ય પર અભિમાન લઇ રહ્યા છે ત્યારે એક ઉચ્ચ દરજ્જાના મહિલા લશ્કરી અધિકારીને ધર્મના આધારે ઉતારી પાડવાનું કૃત્ય નિંદનીય છે. વિજય શાહ સામે નોંધાયેલી એફ.આઇ.આર.માં આકરી કલમો લગાવવામાં આવી છે. વિજય શાહ ખંડવા જિલ્લાની હરસૂદ વિધાનસભા બેઠક પરથી પાંચમી વાર ચૂંટાયા છે. મધ્યપ્રદેશ સરકારમાં વરિષ્ઠ મંત્રી છે. અલબત્ત, તેમની જીભ અગાઉ પણ લપસી ચૂકી છે. 2013માં રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે રહીને તેમનાં પત્ની સાધનાસિંહ ચૌહાણ?પ્રચાર કરી રહ્યાં હતાં. વિજયસિંહે કહ્યું હતું... કભી દેવરજી કે સાથ ભી આયા કરો... એ પછી તેમણે રાજીનામું આપવું પડયું હતું. 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી બેઠા હતા. મુખ્ય ન્યાયમૂર્તિની ટિપ્પણી એકદમ સત્ય છે. પ્રધાન કે મંત્રીની વિશેષ જવાબદારી હોય છે. શિસ્તની મર્યાદા જાળવવાની હોય છે. તેમના પાસે આવી સસ્તી ટિપ્પણી, ગરિમાને ઠેંસ પહોંચે એવા નિમ્ન વ્યવહારની અપેક્ષા ન હોય. મંત્રીએ ભૂલ બદલ રાજીનામું આપી દેવું જોઇએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક