• ગુરુવાર, 19 જૂન, 2025

કૉંગ્રેસને ભારે પડશે હવનમાં હાડકાં નાખવાની ચેષ્ટા

કૉંગ્રેસના સિનિયર નેતા પી. ચિદમ્બરમે તાજેતરમાં કૉંગ્રેસના ઇન્ડિ મોરચાના અસ્તિત્વ અને ભવિષ્ય અંગે પ્રશ્ન-વાસ્તવમાં શંકા વ્યક્ત કરી હતી તે સમયોચિત નીવડી છે! વિશ્વના તખતા ઉપર પાકિસ્તાની આતંકવાદનો પર્દાફાશ કરવા અને ભારતના અૉપરેશન સિંદૂરની અનિવાર્યતાથી માહિતગાર કરવા માટે સર્વપક્ષી પ્રતિનિધિમંડળો મોકલવાના ભારતના નિર્ણયને બિરદાવવાને બદલે ‘હવનમાં હાડકાં’ નાખવાની ચેષ્ટા કરીને રાહુલ ગાંધીનો કૉંગ્રેસ પક્ષ હવે મોરચાથી અલગ થલગ થઈ ગયો છે! કૉંગ્રેસના તમામ સાથી - ભાગીદાર પક્ષોએ રાષ્ટ્રહિતને સર્વોપરી ગણીને ભારત સરકારના નિર્ણયને આવકાર્યો, સ્વીકાર્યો છે ત્યારે કૉંગ્રેસે - જૂની આદત મુજબ વાંધા - વચકા કાઢીને મોદી વિરોધ સાથે ભારત-દ્રોહ દર્શાવ્યો છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની સ્વીકારી છે તેથી કૉંગ્રેસના નેતાઓ ગિન્નાયા છે. રાષ્ટ્રકારણમાં રાજકારણ કરી રહ્યા છે. કૉંગ્રેસને શશી થરૂરની પસંદગી થઈ તે સામે વિરોધ છે. ભારત સરકારે કૉંગ્રેસ પ્રમુખ મલ્લાકાર્જુન ખડગે પાસે નામ માગ્યા ત્યારે જે નામ મળ્યાં તેમાં શશી થરૂરનું નામ ન હતું અને ગૌરવ ગોગોઈ, સૈયદ નાસીર હુસૈન અને રાજા વારીંગના અને આનંદ શર્માનાં નામ આપ્યાં. સરકારે એકમાત્ર આનંદ શર્માની પસંદગી કરી. અન્ય નામો અયોગ્ય હતાં. અન્ય કૉંગ્રેસીઓની પસંદગી થઈ તેમાં સલમાન ખુરશીદ, મનીષ તિવારી અને ફતેહગઢના સંસદસભ્ય અમરસિંહ છે.

હવે કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશ કહે છે કે શશી થરૂરની પસંદગી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ - રાજકીય ગણતરીથી કરી છે: અમને પૂછવું જોઈએ. એમની ફરિયાદ સાચી હોય તો પણ કૉંગ્રેસે શા માટે થરૂરનું નામ આપ્યું નહીં? આ પ્રશ્ન વધુ મહત્ત્વનો છે.

શશી થરૂર યુનાઇટેડ નેશન્સમાં સેવા આપી ચૂકેલા સિનિયર ડિપ્લોમેટ છે. વિદેશી બાબતોને લગતી સંસદીય સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ છે. પહલગામમાં પાકિસ્તાની આતંકી હત્યાકાંડનો વિરોધ કરનારા પ્રથમ કૉંગ્રેસી નેતા છે - સલમાન ખુરશીદ પણ પૂર્વ નાયબ વિદેશપ્રધાન હોવાથી અનુભવી છે તેથી એમની પણ પસંદગી થઈ છે. વિદેશોમાં જનારાં સાત પ્રતિનિધિમંડળોમાંના એકનું નેતૃત્વ શશી થરૂર કરશે. એમની સાથે લોકશક્તિ પાર્ટીના સંસદસભ્ય શંભવી ચૌધરી, ઝારખંડ મુક્તિ મોરચાના સરફરાઝ અહમદ, તેલુગુ દેશમ પાર્ટીના હરીશ બાલયોગી તથા ભાજપના શશાંક ત્રિપાઠી અને તેજસ્વી સૂર્યા, શિવસેનાના મિલિંદ દેવરા વગેરે છે. અમેરિકા, ગુથાના, કોલંબિયા, પનામા અને બ્રાઝિલમાં ભારતની રજૂઆત કરશે.

કૉંગ્રેસને શશી થરૂર સામે વિરોધ શા માટે છે? મુખ્ય તો કૉંગ્રેસને ડર છે કે ભાજપ શશી થરૂરને આંચકી - ઉઠાવી લેશે અને કેરળ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમાં કૉંગ્રેસને મોટો ફટકો પડશે. કૉંગ્રેસે થરૂરના નામનો વિરોધ ગજાવવાને બદલે એમની પસંદગી ખુશીથી સ્વીકારવી જોઈતી હતી પણ આવી ખેલદિલી અને દૂરદૃષ્ટિ ક્યાં છે? પહલગામ અને અૉપરેશન સિંદૂર વખતે ભારત સરકારના નિર્ણયનો સમર્થન કરનાર થરૂર સામે અણગમો વધી રહ્યો હતો. અમદાવાદમાં કૉંગ્રેસ મહાસમિતિની બેઠકમાં થરૂરે મોદી સરકારનો દરેક બાબતમાં વિરોધ કરવાની નકારાત્મક નીતિ છોડીને - સમસ્યાઓના નિરાકરણની હકારાત્મક નીતિ રાખવી જોઈએ. આ વાત વરિષ્ઠ નેતાઓને રુચિ નહીં. શશી થરૂરે એક વખત કૉંગ્રેસ પ્રમુખપદની જવાબદારી સ્વીકારવાની તૈયારી બતાવી હતી - ત્યારથી દાઢમાં હતા!

કૉંગ્રેસે એમના નામનો વિરોધ કર્યો તેનો જવાબ પણ યોગ્ય ભાષામાં આપ્યો છે. ‘રાષ્ટ્રહિતમાં સેવા આપવાની ખુશી છે. ભારત સરકારે મને આમંત્રણ આપ્યું તેનું ગૌરવ છે - જ્યાં રાષ્ટ્રહિતનો સવાલ હોય ત્યાં - અને મારી સેવાની જરૂર હોય ત્યાં હું જરા પણ કચાશ નહીં રાખું: જયહિંદ.’

રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં સુપ્રિયા સુળે અને ડીએમકેનાં કનીમોઝીએ પણ આવી દેશભક્તિ બદલ ગૌરવ વ્યક્ત કરીને સરકારનો આભાર માન્યો છે. શિવસેનાના શ્રીકાંત શિંદે પણ એક પ્રતિનિધિમંડળના નેતા છે. મુસ્લિમ લીગ, બિજુ જનતા દળ, નેશનલ કૉન્ફરન્સના મિયાં અલ્તાફ, રાષ્ટ્રીય જનતા દળ, આમ આદમી પાર્ટીના સભ્ય તથા ગુલામ અલી ખતાના, ઉદ્ધવ સેનાના પ્રિયંકા ચતુર્વેદી, એમ. જે. અકબર, અૉલ ઇન્ડિયા મજલિસ મુસલમીનના નેતા અસદુદ્દીન ઓવૈસી, ગુલામ નબી આઝાદનો પણ સમાવેશ થાય છે.

કૉંગ્રેસે જે નામ આપ્યાં હતાં તેમાં લોકસભામાં કૉંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈનો સમાવેશ હતો - જે લાંબા સમય સુધી પાકિસ્તાનમાં રહ્યા હોવાનો તથા એમનાં પત્ની ભારતમાં હોવા છતાં પાકિસ્તાની એનજીઓના પગારદાર હોવાના આક્ષેપનો ખુલાસો કર્યો નથી! આવા જ બીજા એક સભ્ય સૈયદ નાસીર હુસેન વિધાનસભામાં ચૂંટાયા ત્યારે વિધાનસભામાં એમના ટેકેદારોએ પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્ર પોકાર્યા હતા - આ નેતાઓ વિદેશ જઈને ભારતની એકતાનાં સૂત્ર પોકારે?

કૉંગ્રેસ સર્વપક્ષી બેઠકમાં વડા પ્રધાન હાજર રહે અને સંસદની વિશેષ બેઠક બોલાવવાની માગણી કરે છે - ભારતની સલામતીના પ્રશ્ન પૂછવા માગે છે - પણ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવારે આવી માગણી રાષ્ટ્રહિતમાં નહીં હોવાનું જણાવ્યું છે.

આ સંદર્ભમાં રાહુલ ગાંધીએ ભારત સરકાર ઉપર બેજવાબદાર આક્ષેપ કર્યો કે સાતમી તારીખે ભારત આતંકી અડ્ડાઓ ઉપર હુમલા કરનાર છે એવી આગોતરી માહિતી પાકિસ્તાનને આપવામાં આવી હતી! - આક્ષેપના ટેકામાં વિદેશપ્રધાન એસ. જયશંકરનું નામ લેવામાં આવ્યું હતું! હકીકતમાં વિદેશપ્રધાને પાકિસ્તાનને ચેવતણી આપી હતી પણ આક્ષેપમાં એમનું નામ સંડોવવામાં આવ્યું. વિદેશ વિભાગે વિગતવાર રદિયો આપ્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં એવો પ્રશ્ન કર્યો હતો કે આવી માહિતી પાકિસ્તાનને કોણે આપી? જય શંકરે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અૉપરેશન સિંદૂર શરૂ કરવા પહેલાં એમ કહ્યું હતું કે અમે પાકિસ્તાનને જણાવ્યું હતું કે આતંકી અડ્ડાઓ ઉપર હુમલા કરીએ છીએ પણ તમારી સેના અને મથકો ઉપર હુમલા નથી - તેથી તમારા લશ્કરને બાજુએ રાખજો - દખલ કરે નહીં - પણ પાકિસ્તાને આપણી સલાહ માની નહીં.

રાહુલ ગાંધી મારી મચકોડીને જાહેરમાં આવા આક્ષેપ કરે ત્યારે શું કહેવું?

 

ઇ-પેપરના નવા શુલ્ક