ગુજરાત અને મધ્યપ્રદેશ સરકારના મંત્રીઓ વિવાદમાં છે. ભાજપની સરકાર અને સંગઠન પાંખનું આ બાબતે મૌન, વિપક્ષને બોલવાની તક પૂરી પાડે છે.પ્રજાના મનમાં તેની છાપ ખરડાઈ રહી છે. ભૂલ થઈ છે તો તે સ્વીકારીને કે સમજીને કાર્યવાહી થાય તો ભાજપનું જ સારું લાગે પરંતુ ઘણા લાંબા સમયથી ભાજપમાં આ પરંપરાનો લોપ થયો છે. રાષ્ટ્રહિત અને આર્થિક ભ્રષ્ટાચારને વર્ષોથી પોતાના મુદ્દા બનાવનાર ભાજપ અત્યારે આ બન્ને મુદ્દે જ અગ્નિપરીક્ષા જેવી સ્થિતિમાં છે.
ગુજરાતના
દાહોદ વિસ્તારમાં મનરેગા યોજનામાં મોટું આર્થિક કૌભાંડ થયું તેમાં પંચાયતી બાબતોના
મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો બળવંત અને કિરણની વિરુદ્ધ ગંભીર આક્ષેપો છે. કોઈ રાજકીય
પક્ષ-વિરોધીએ કરેલા આક્ષેપ નથી પરંતુ તેમની ધરપકડ પોલીસે કરી છે. બન્ને પુત્રોના નામ
પોલીસ ચોપડે ચડયાં છે. નૈતિક રીતે તો બચુભાઈએ પોતે જ આ કિસ્સામાં રાજીનામું આપી દેવું
જોઈએ પરંતુ એટલી હદે નીતિમત્તા અને સિદ્ધાંતની આજના સમયમાં કોઈ પણ પક્ષના નેતા-મંત્રી
પાસે અપેક્ષા રાખવી વધુ પડતું છે. પરંતુ ભાજપ તરફથી પણ બચુભાઈના મંત્રીપદ વિશે કોઈ
નિવેદન આવ્યું નથી. કોઈ નક્કર પગલાં લેવાય તો લોકોમાં પણ ભાજપની જે પારદર્શકતાની છાપ
છે તે સાચી પડી શકે.
છેલ્લા
બે- અઢી વર્ષનો ભૂતકાળ જોઈએ તો મોરબી ઝૂલતાપુલની ઘટના, વડોદરા હરણી બોટ પ્રકરણ, રાજકોટ
ટીઆરપી અગ્નિકાંડ , સિટિબસને લીધે થયેલો અકસ્માત સહિતના અનેક બનાવમાં કોઈ નક્કર પગલાં
સ્થાનિક તંત્ર કે રાજ્યસ્તરેથી લઈ શકાયાં નથી-લેવાયા નથી. હવે આ મનરેગામાં કરોડો રુપિયાનું
કૌભાંડ બહાર આવ્યું છે. વર્તમાન મંત્રીના બે પુત્રોની સંડોવણીની શંકા છે. પોલીસ કાર્યવાહી
થઈ છે. હજી સુધી બચુભાઈનું મંત્રીપદ યથાવત છે.
મધ્યપ્રદેશનો
કિસ્સો તો દેશમાં ગાજ્યો છે. મંત્રી વિજય શાહે લશ્કરના ઓફિસર સોફિયા કુરેશી વિરુદ્ધ
અયોગ્ય ઉચ્ચારણ કર્યાં છે. આખા દેશમાં તેમના માટે નારાજગી છે. સર્વોચ્ચ અદાલતે પણ તેમની
માફીનો અસ્વીકાર કરીને પ્રકરણ માટે વિશેષ તપાસ ટૂકડી રચી આપી છે. ભાજપ પ્રત્યે કૂણું
વલણ રાખતા લોકો કહે છે, આ ‘એસઆઈટી’ની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમની વિરુદ્ધ કાર્યવાહી
ન થાય તો ચાલે. જોકે તપાસમાં તેઓ નિર્દોષ જાહેર થાય તો તેમને મંત્રીપદે પુન: લેવા,
ત્યાં સુધી તો તેમનું રાજીનામું લઈ લેવું તેવો નિર્ણય જાહેર થાય તો સરકાર અને પક્ષની
ગરિમા વધી જાય.
મહિલા
કુસ્તીકર્મીઓનું પ્રકરણ પણ આમ જ ચગ્યું હતું અને બ્રિજભૂષણ સામેની કાર્યવાહીમાં થયેલા
વિલંબનો વિવાદ હતો. આ વખતે તો રાષ્ટ્રહિતનો પ્રશ્ન છે. વિપક્ષની બોલતી બંધ કરવી હોય
તો ભાજપે વિજય શાહ વિરુદ્ધ તાત્કાલીક પગલાં લેવા રહ્યાં.