• મંગળવાર, 14 એપ્રિલ, 2026

ઇતિહાસમાં કાળો દિવસ: પણ આશાનાં કિરણ

તાતા ગ્રુપના અધ્યક્ષ એન. ચન્દ્રશેખરનએ ઍર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું છે કે ‘તાતા ગ્રુપના  ઇતિહાસમાં આ સૌથી વધુ અંધકારમય - કાળી ઘટના છે.’ એમની વેદના સમજી શકાય છે. ભારતના ઇતિહાસમાં પણ આ દુર્ઘટનાની નોંધ કાળા અક્ષરોમાં લખાશે. કારણોની તપાસ અને અહેવાલ આવે ત્યાં સુધી અટકળો ચાલુ રહેશે પણ વિમાનની ખામી માટે તાતા ગ્રુપની જવાબદારી ગણાય નહીં. જો પાઇલોટની ભૂલ હોય તો પણ માનવીય ભૂલ તરીકે સ્વીકારવી રહી છતાં વિમાન ઊપડવા પહેલાં એન્જિન અને સિસ્ટમની ચકાસણી બરાબર થઈ હતી કે નહીં તે મહત્ત્વનું છે. અહેવાલ આવ્યા પછી વિમાન મથકોએ અને વિમાનની અંદર તમામ સિસ્ટમની સઘન તપાસ પછી જ ઉડ્ડયનની મંજૂરી મળવી જોઈએ.

ભૂતકાળમાં તાતા ગ્રુપે દુર્ઘટનાના પ્રહાર સહન કર્યા છે. આસામમાં ચાના બગીચાઓ ઉપર આતંકવાદી હુમલાઓમાં કર્મચારીઓએ જાન ગુમાવ્યા છે અને મુંબઈની તાજ પેલેસ હૉટેલ ઉપરનો આતંકી હુમલો હજી ભુલાયો નથી ત્યારે અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના હૃદયદ્રાવક છે.

ભારત સરકારે ઍર ઇન્ડિયાનું નામ અને કામ સુધારવા માટે તાતા ગ્રુપની પસંદગી કરી તેને સાર્વત્રિક આવકાર મળ્યો હતો પણ સરકારી કંપનીને સુધારવામાં ખાનગી ક્ષેત્રના પગે-પસીનો ઉતરે છે- અને આંખમાંથી પાણી નીતરે છે!

તાતાનું નામ - ભરોસાનું પર્યાય છે : અને તે જાળવી રાખવાની જવાબદારી મોટી છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોને એક કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત થઈ છે તે સહાનુભૂતિનું પ્રતીક છે. એક કન્યા જો કહેતી હોય કે - મારા પિતા મને પાછા આપો - અમે તમને બે કરોડ આપીશું. તો તેમાં તાતા ગ્રુપે દાખવેલી સહાનુભૂતિનો અનાદર નથી - માત્ર પિતા ગુમાવ્યાની વ્યથા છે. તાતા ગ્રુપે વિનાવિલંબે સહાનુભૂતિ દાખવીને જાહેરાત કરી છે તેમાં માનવતાનો ધર્મ છે - કાનૂની ફરજ નથી. વીમા કંપનીઓએ પણ કાનૂની જાળમાં વિલંબ થાય નહીં તેની ખાતરી આપી છે તેની નોંધ લેવી જોઈએ.

વિમાન દુર્ઘટનાનો ભોગ મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પણ બન્યા છે તેમને પણ આવું વળતર આપવાની માગણી થઈ છે તે વાજબી છે. ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને તાતા ગ્રુપને નમ્ર વિનંતી કરી છે.

દરમિયાન, આવી દુર્ઘટનામાં માનવતાનો ધર્મ જાગે છે અને સાદ ઊઠે છે તે મોટી રાહત છે. વિમાન મથકની આસપાસ રહેતા લોકો, યુવાનો અને વ્યાપારીઓ રાહતકાર્યમાં જોડાયા. મદરસા ચલાવતા મુસ્લિમ બંધુ અને હજ હાઉસના સંચાલકો દોડતા આવ્યા અને બેઘર પરિવારોને આશ્રય આપ્યો - ધર્મનો કોઈ ભેદભાવ નહીં. માનવધર્મ સર્વોપરી-ની ભાવના મોટી રાહત છે - અંધકારમય દિવસમાં આ આશાનું કિરણ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક