એપ્રિલ અને મે માસ યુદ્ધગ્રસ્ત રહ્યા. 26મી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકી હુમલો થયા પછી ભારતે ઓપરેશન સિંદૂર કર્યું 7મી મેએ. તે આખો સમય પ્રહાર-પ્રતિપ્રહાર ચાલુ રહ્યા. જૂન માસના બીજા સપ્તાહથી અકસ્માતોનો સમય શરૂ થયો છે. હજી સુધી ચાલુ છે અને ત્યાં જ ફરી એકવાર યુદ્ધના પણ મંડાણ થયા છે. ઈઝરાયલ-ઈરાન વચ્ચેના આ યુદ્ધનો અંત સહેલાઈથી આવે તેવી સંભાવના ઓછી લાગી રહી છે, નિષ્ણાતોને વિશ્વયુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે.
12મી
જૂને અમદાવાદથી લંડન ઊડેલું એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડયું, 280થી વધારે માણસોના કમકમાટીભર્યાં
મૃત્યુ થયાં. આ ઘટનાના પડઘા હજી સંભળાઈ રહ્યા છે. કરુણાન્તિકાની પરાકાષ્ટા સમાન આ બનાવ
હતો. વૈશ્વિક સ્તરે તેની અસર છે. વિમાની સેવા આપતી કંપનીઓ ઉપરથી પ્રવાસીઓનો વિશ્વાસ
ડગી ગયો છે. જેને સાધારણ કહેવાય છે તેવી ક્ષતિ પણ ધ્યાનમાં આવે તો વિમાનની ઊડાન રોકી
દેવામાં આવે છે. દિલ્હી આવતું વિમાન તાંત્રિક ક્ષતિ સર્જાતાં સોમવારે હોંગકોંગ પરત
ફર્યું હતું. તો મુંબઈથી અમદાવાદ જતી એર ઈન્ડિયાની ઉડાન પણ મોડી થઈ હતી. મુસાફરોએ જ
વિરોધ કર્યો કે જો વિમાનમાં કોઈ મુશ્કેલી હોય તો અમારે તેમાં મુસાફરી કરવી નથી.
વિમાન
દુર્ઘટનાની ગંભીર અસર હજી ચાલુ છે ત્યાં મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ઈન્દ્રાયણી નદી
ઉપરનો પુલ તૂટી પડતાં અનેક લોકો તણાયાં જેમાં 6ના મૃત્યુ થયા. મથુરામાં ખડક તૂટીને મકાનો ઉપર પડયો જે કેટલાક લોકો
માટે જીવલેણ નિવડયો. કેદારનાથના પાવન ક્ષેત્રમાં પુન: યાત્રીઓની ચીસ ગાજી. દર્શનાર્થીઓને
લઈને જતું હેલિકોપ્ટર તૂટી પડયું, સાત વ્યક્તિના મૃત્યુ થયાં. જો કે આ પ્રથમ બનાવ નથી.
આવું ઉત્તરાખંડમાં કેદારનાથમાં અગાઉ બન્યું છે, અન્ય પર્યટન સ્થળે પણ થયું છે. વિશેષત: હેલિકોપ્ટર દુર્ઘટનાની વૈજ્ઞાનિક અને તાંત્રિક
દૃષ્ટિકોણથી તપાસ થવી જરૂરી છે. શા માટે ત્યાં જ હેલિકોપ્ટર પડે છે? શું પર્વતના ખડકો-પથ્થરોનું
ગુરુત્વાકર્ષણ હશે કે બીજું કંઈ? તે અંગે તજજ્ઞોને કામે લગાડવા જોઈએ.
ચારધામ
યાત્રા પરાકાષ્ટાએ જ છે ત્યારે જ આ દુર્ઘટના બની છે. ઉત્તરાખંડ સરકારે હેલિકોપ્ટર સેવા
સ્થગિત કરીને સમીક્ષા હાથ ધરી છે પરંતુ અત્યાર સુધી આવું ચાલ્યું શા માટે? અને કેવી
રીતે? તેનો ઉત્તર કોની પાસે માગવો? 40 દિવસમાં આ પાંચમી હેલિકોપ્ટર દુર્ઘટના છે તે
જ બતાવે છે કે અનેક બેદરકારી તેમાં છે. 8મી મેએ ગંગોત્રી જતું ચોપર ઉત્તરકાશીમાં દુર્ઘટના
ગ્રસ્ત બન્યું હતું જેમાં બેઠેલા 6 યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. 7મી જૂને કેદારનાથ જતું
હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત થતાં આકસ્મિક ઉતરાણ કરવું પડયું હતું જેને લીધે પાયલટને ઈજા
થઈ હતી. કેદારનાથ અને આસપાસના સ્થળો માટેની હેલિકોપ્ટર સેવા ઉપર કોઈ કડક નિયંત્રણ નથી.
કોઈ
હિલસ્ટેશનની તળેટીએ ટેક્સીઓ ઊભી હોય તેમ હવે હેલિકોપ્ટર્સ પણ હોય છે. જાણકારો કહે છે
કે એક એન્જિનવાળાં હેલિકોપ્ટર્સ ત્યાં ઊડે છે. હવામાનની અનિશ્ચિતતાની વચ્ચે આ વ્યવસાય
ચાલી રહ્યો છે. હવે નિયમોની રચના અને તેનું પાલન અત્યંત આવશ્યક છે.