• બુધવાર, 10 જૂન, 2026

હેલમેટ કાયદાનું યુ.પી. મોડેલ કેટલું કારગત ?

દ્વિચક્રી વાહનના ચાલકો માટે હેલમેટ પહેરવાનું 8મી સપ્ટેમ્બરથી ફરજિયાત થશે. ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસ તેનો ચુસ્ત અમલ કરાવવાની તૈયારી કરી રહ્યાં છે. સામે પ્રજામાં તેના માટે અસંતોષ અને વિરોધ છે જ. વિવિધ પ્રકારે આ લાગણી અત્યારે ધીમા સાદે વ્યક્ત થઈ રહી છે. ભવિષ્યમાં ઘર્ષણ થશે તે દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે હેલમેટ નહીં તો પેટ્રોલ નહીંનું અભિયાન શરૂ કર્યું છે. કોઈ પણ સરકાર કાનૂનનું પાલન કરાવે તે સમજી શકાય તે સરકારનો સ્વધર્મ છે પરંતુ આ રીતે લોકોની સવલત છીનવીને તે કરાવી શકાય કે નહીં, ઉત્તર પ્રદેશ સરકારનું આ અભિયાન 1 સપ્ટેમ્બરથી શરૂ થશે, લોકો તેનું કેવું પાલન કરે છે તે જોવાનું રહે.

હેલમેટનો કાયદો લોકોની સુરક્ષા માટે છે તેવું દરેક સરકાર કહે છે. રસ્તા ઉપર થતા અકસ્માતો પૈકી 30 ટકા કિસ્સામાં ભોગ દ્વિચક્રી વાહનચાલકો જ બને છે. હેલમેટ પહેરીને જ વાહન ચલાવવું તેવું દેશની સર્વોચ્ચ અદાલત કહી ચૂકી છે. કાયદો તો અસ્તિત્વમાં છે જ. સવાલ તેના અમલનો છે. ચંડીગઢ, દિલ્હી જેવા મહાનગરોમાં આ કાયદાનો અમલ વર્ષોથી થાય છે. પરંતુ ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં સરકારો આવે અને જાય, પોલીસ પ્રશાસન ઊંધા માથે થાય તો પણ સ્થિતિ બદલાતી નથી. લોકો હેલમેટ ન પહેરે તો દંડ વસુલવાને બદલે તેમને પેટ્રોલ ન આપવું તેવો રસ્તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે અપનાવ્યો છે.

પ્રજા આ નિયમનું પાલન કરે તેવી શક્યતા ઓછી છે. ક્યારેક કોઈને તાત્કાલિક ધોરણે પેટ્રોલ જોઈતું હોય, ક્યારેક કોઈ અન્ય કારણે હેલમેટ ન હોય એટલે હેલમેટ ઈરાદાપૂર્વક નથી પહેરી તેવું સાબિત થઈ શકે નહીં. આ નિયમ પાછળ સરકારનો ઈરાદો તો હેલમેટ માટેની જાગૃતિ વધે તે જ છે. દંડ વસુલવાથી સમસ્યા ઉકેલાતી નથી તે પણ વાસ્તવ છે પરંતુ આ ઉકેલ કેટલો કારગત નિવડે તે પ્રશ્ન છે. ગુજરાતમાં પણ તૈયારી શરૂ થઈ છે. સૌ પ્રથમ પોલીસ માટે હેલમેટ ફરજિયાત બનાવાઈ છે પરંતુ હજી સુધી બધા જ પોલીસ કર્મચારીઓ હેલમેટ પહેરતા હોય તેવું નથી. પોલીસે વકીલો સહિતના વિવિધ વ્યવસાયીઓને હેલમેટ આપી હતી, હેલમેટ જાગૃતિ માટે રેલીનું પણ આયોજન કર્યું હતું.

જો કે યુપીમાં જેમ ‘નો હેલમેટ નો પેટ્રોલ’ સરકાર કરવા જઈ રહી છે તેમ ગુજરાતમાં ‘નો રોડ, નો ટોલ’ના નારા પણ ગૂંજે છે. પ્રજાની દલીલ એ છે કે શહેરી વિસ્તારમાં રસ્તા જ એવા સારા નથી કે વાહન ગતિથી ચાલી શકે. પહેલાં રસ્તા સારા બને પછી સરકારે હેલમેટ માટે કહેવું જોઈએ. અહીં જો કે પેટ્રોલ નહીં મળે તેવું સરકાર પણ હજી તો કહેતી નથી. પોલીસ રોકે સમય બગડે, દંડનો ડર વગેરે કારણે કેટલાક લોકો હેલમેટ માથાં ઉપર ગ્રહણ કરશે પરંતુ વિરોધ તો છે અને રહેશે. શહેરી વિસ્તારમાં હેલમેટ  ફરજિયાત બનાવવા માટે હજી પુન:વિચાર જરૂરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક