• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

નાણાનીતિનો પાયો સંગીન છે

રિઝર્વ બેન્કે નાણાનીતિના વર્તમાન માળખા વિષે એક વિમર્શપત્ર બહાર પાડીને કેટલાક મુદ્દાઓ વિષે હિતધારકોના અભિપ્રાયો માગ્યા છે. હાલમાં ભારતની નાણાનીતિ ગ્રાહક ભાવાંકનો ફુગાવો ચાર ટકા (વત્તાઓછા બે ટકા) રાખવાના લક્ષ્યાંકને આધારે ઘડવામાં આવે છે. રિઝર્વ બેન્ક તેનાથી સંતુષ્ટ છે, પરંતુ કાનૂની જરૂરિયાત પ્રમાણે સરકારે દર પાંચ વર્ષે રિઝર્વ બેન્ક સાથે મસલત કરીને તેની સમીક્ષા કરવાની હોય છે. આ વિમર્શપત્ર તેની તૈયારી છે.

રિઝર્વ બેન્કે ચાર સવાલો પૂછ્યા છે. એક, નાણાનીતિનો આધાર ગ્રાહક ભાવાંકનો ફુગાવો હોવો જોઈએ કે હાર્દરૂપ (ખોરાક અને બળતણ સિવાયનો) ફુગાવો? હાર્દરૂપ ફુગાવો વધુ સ્થિર હોય છે અને નાણાકીય પગલાં પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. પરંતુ ભારતમાં આજે પણ પરિવારોની 46 ટકા આવક ખોરાક પર ખર્ચાય છે ત્યારે ગ્રાહક ભાવાંકનો ફુગાવો જીવન નિર્વાહ ખર્ચની વધઘટનો વધુ સારો ખ્યાલ આપી શકે છે. આંતરરાષ્ટ્રીય પ્રથા પણ ગ્રાહક ભાવાંકને અનુસરવાની છે (યુગાન્ડા સિવાય). હાલમાં સરકાર 2023-24ના પારિવારિક વપરાશી ખર્ચ સર્વેક્ષણના આધારે ગ્રાહક ભાવાંકની પુનર્રચના કરી રહી છે. એ પછી તેમાં ખોરાકનું વજન ઘટશે અને તે જીવનનિર્વાહ ખર્ચનું વધુ સારું  પ્રતાબિંબ પાડી શકશે. બીજો પ્રશ્ન. ચાર ટકા ફુગાવાનો લક્ષ્યાંક જાળવી રાખવો જોઈએ કે બદલવો જોઈએ? રિઝર્વ બેન્કને આ લક્ષ્યાંક યોગ્ય લાગે છે કેમ કે તે આપણને ઉપયોગી નીવડ્યો છે. છેલ્લાં નવ વર્ષમાં અનેક આસમાની  સુલતાની વચ્ચે પણ ફુગાવાની ઝડપ ઘટીને 4.9 ટકા રહી છે જે અગાઉનાં વર્ષોમાં 6.8 ટકા હતી. કોઈ દેશે ફુગાવાનો લક્ષ્યાંક વધાર્યો નથી કેમ કે તેનાથી બજારને એવો સંકેત જાય કે સરકારની ભાવવધારા વિશેની શિસ્ત ઢીલી પડી રહી છે.

ત્રીજો પ્રશ્ન. બે ટકાની વધઘટની જે છૂટ રખાઈ છે તે વધારવાની કે ઘટાડવાની જરૂર છે? બે ટકાની વધઘટની છૂટને કારણે નાણાનીતિને એક પ્રકારની લવચીકતા પ્રાપ્ત થઇ છે. પરિસ્થિતિ પ્રમાણે તે મોંઘવારી કે વિકાસ પર નિશાન સાધી શકે છે. યુદ્ધ કે મહામારીના સમયમાં આવશ્યક ચીજોની તંગીને કારણે ભાવ વધે ત્યારે નાણાનીતિ સમતોલ રહી શકે છે. ફુગાવો છ ટકાથી વધી  જાય તો વિકાસ માટે આપત્તિ રૂપ બની જાય એટલે એ લક્ષ્મણરેખા જરૂરી છે. બે ટકાની છૂટ ઘટાડવી જરૂરી નથી. કેટલાક દેશોએ એવું કર્યું છે. પરંતુ આપણે ત્યાં ખાસ કરીને ખોરાકના ભાવમાં જે ચંચળતા જોવા મળે છે તે જોતાં એ મર્યાદા ઘટાડવી યોગ્ય નથી. છેલ્લે, નાણાનીતિએ ફુગાવાના કોઈ ચોક્કસ (ચાર  ટકાના) દરને લક્ષ્યાંક બનાવવો  જોઈએ કે ફુગાવાને અમુક  મર્યાદામાં (બેથી છ ટકાની વચ્ચે) રાખવાથી સંતોષ માનવો જોઈએ? ચોક્કસ ટકાના લક્ષ્યાંકને દૂરકરવામાં આવે તો રિઝર્વ બેન્કનું કામ આસાન બને, પણ બજારોને મળતા સંકેત ધૂંધળા બને. રિઝર્વ બેન્કની વિશ્વાસપાત્રતા ટકાવવા અને વધારવા માટે ચોક્કસ લક્ષ્ય જરૂરી છે.

એકંદરે નાણાનીતિનું હાલનું માળખું સંગીન છે અને તેમાં ફેરફાર કરવાની જરૂર નથી એવું રિઝર્વ બેન્કનું મંતવ્ય યથાર્થ છે. માત્ર બે અવલોકનો કરવા જેવાં છે. એક, નાણાનીતિ અને પ્રવાહિતા પ્રત્યેના અભિગમ વચ્ચે એકરૂપતા જરૂરી છે. રેપો રેટ વધારવામાં આવે અને બજારમાં વધુ રોકડ દાખલ કરવામાં આવે ત્યારે દરવધારાની અસર ઓછી થઇ જતી હોય છે. વળી, સતત પાંચ ત્રિમાસિક  સુધી ફુગાવો નિશ્ચિત મર્યાદાથી વધુ રહે તો રિઝર્વ બેન્કે સરકારનો લેખિત ખુલાસો આપવો પડે છે. આ ખુલાસો જાહેર થવો જોઈએ. પારદર્શકતા મધ્યસ્થ બેન્કની વિશ્વાસપાત્રતાને દ્રઢ બનાવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક