• શનિવાર, 14 માર્ચ, 2026

ચીન ભારતની દોસ્તી અને ભાગીદારી સ્વીકારે છે

વડા પ્રધાન મોદીની ચીનયાત્રાનો કાર્યક્રમ જાહેર થયો તે પહેલાં જ અમેરિકામાં આંતરરાષ્ટ્રીય સંબંધના નિષ્ણાતોએ ટ્રમ્પની ટીકા કરી હતી કે ભારત ઉપર ટેરિફ આક્રમણ કરીને તમે ભારતને ચીન તરફ ધકેલી રહ્યા છો! અને ચીને પણ અમેરિકી ટેરિફ સામે ભારતનું સમર્થન કર્યું છે. ભારતે ઝૂકવાની જરૂર નથી - એમ કહીને મોદીના વ્યૂહને આવકાર આપ્યો છે. મોદીએ ચાણક્ય નીતિ અપનાવી - શત્રુનો શત્રુ આપણો મિત્ર. ટ્રમ્પે ચીનના આર્થિક - વ્યાપારી આક્રમણ સામે લાલ આંખ બતાવી પછી ભારત-ચીનની દોસ્તી તોડવા ચીન ઉપર વહાલ વરસાવીને ભારતને એકલું પાડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. આખરે ભારત-ચીન અને રશિયા એક મંચ ઉપર આવ્યા છે અને નવેસરથી સંબંધ સુધારવાની દિશામાં પ્રગતિ થઈ રહી છે.

ચીન ઉપર ભરોસો રખાય કે નહીં? એવો પ્રશ્ન અત્યારે ચર્ચાઈ રહ્યો છે અને કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે તો મોદી સરકારની સખત ટીકા કરી છે કે ચીનના આક્રમક વલણ સામે ‘કરોડરજજુ’ વિનાના નવી દિલ્હીએ (ભારત) નમતું જોખ્યું છે! ભારત ચીનના સંબંધોના અગાઉના અનુભવો એવા છે જેને લીધે સંશય થાય. ગલવાન ખીણ તો તાજેતરની ઘટના છે. યુદ્ધ વખતે ચીન ગયેલા ડો.કોટનિસની વાત હોય કે દલાઈલામા પ્રકરણ હોય. ભારત-ચીન વચ્ચેના સંબંધો ચર્ચામાં રહ્યા છે. 20 ઓક્ટોબર 1962ના દિવસે ચીને ભારત ઉપર હુમલો કર્યો તે પછી સંબંધોમાં ઉતાર ચઢાવ રહ્યા છે. જો કે આ સ્થિતિ અલગ છે એટલે આશા જુદી છે. હવે ચીનને પણ અમેરિકાની મુરાદ સમજાઈ છે. આ વખતનું હસ્તધૂનન પરિણામદાયી હશે.

જયરામ રમેશે એવી ટીકા કરી છે કે ગલવાનમાં ચીનાઓએ આપણા સૈનિકોના જીવ લીધા અને હવે મોદીએ ચીને પડાવેલી આપણી ભૂમિને જવા દીધી છે! અૉપરેશન સિંદૂર વખતે ચીને પાકિસ્તાનને શસ્રો આપ્યાં હતાં તે કેમ ભૂલી શકાય? પણ જયરામ રમેશે સ્વીકારવું જોઈએ કે હવે ભારતે અમેરિકા અને પાકિસ્તાન - બન્નેને સંદેશો આપ્યો છે કે ચીન ભારત સાથે હાથ મિલાવે : હાથી અને ડ્રેગન ભેટી રહ્યા છે!

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષે ચીનના શી જિનપિંગને મળ્યા અને વાટાઘાટ કર્યા પછી જે નિવેદન બહાર પડયાં છે તે મહત્ત્વનાં છે. આપણા બન્ને દેશો એકબીજાના હરીફ નથી પણ ભાગીદાર છે. ઉપરાંત બન્ને દેશ પોતપોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતાને મહત્ત્વ આપે છે અને કોઈ ત્રીજા દેશ (અર્થાત્ અમેરિકા)ની નજરે જોવાની જરૂર નથી એમ કહેવાયું છે. વાસ્તવમાં અમેરિકાએ ચીનને નિયંત્રણમાં રાખવા માટે ભારતનો ‘ઉપયોગ’ કરવાનો વ્યૂહ રાખ્યો હતો પણ હવે ભારત-ચીનના દ્વિપક્ષી સંબંધમાં કોઈ ત્રીજા પક્ષની વગને સ્થાન નથી. ભારતના નિવેદનમાં બન્ને દેશોની વ્યૂહાત્મક સ્વાયત્તતા ઉપર ભાર મુકાયો છે : દ્વિપક્ષી, પ્રાદેશિક અને વિશ્વના પ્રશ્નોમાં અને પડકારોમાં શક્ય ત્યાં સુધી સમાન ભૂમિકા હશે - આતંકવાદ અને વ્યાપાર સંબંધોને આ મુદ્દો લાગુ પડે છે અને આમાં ભારતના અર્થતંત્ર અને સલામતીનો સમાવેશ થાય છે.

ભારત અને ચીનના મળીને 2.8 બિલિયન લોકોનાં અરસપરસનાં માન-સમ્માન, હિત જાળવવા -  ભારત પણ સમકક્ષ હોવા ઉપર ભાર મૂક્યો છે જેનો સ્વીકાર થયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક