• મંગળવાર, 12 મે, 2026

7.8 ટકાનો વિકાસ દર : ભારતનો ટ્રમ્પને જવાબ

ભારતીય અર્થતંત્રની મજબૂતી સામે વિદેશ અને દેશમાં સવાલ ઉઠાવવાની કોઈ તક જતી ન કરનારાની સામે આર્થિક વિકાસદરનો તાજો આંકડો સણસણતા તમાચા સમાન આવ્યો છે.  ભારતનો ત્રિમાસિક  વિકાસદર 7.8 ટકાને આંબી ગયાનાં આ આર્થિક પરિણામથી ભલભલાનાં મોં બંધ થઈ જશે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન વચ્ચેના ગાળાના વિકાસનો આ આર્થિક આંકડો છેલ્લા પાંચ ત્રિમાસિક સમયગાળામાં સૌથી વધુ રહ્યો છે.  

ઉલ્લેખનીય છે કે, આર્થિક વિકાસનો આ ઊંચો દર આવશે એવો કોઈને અંદાજ સુદ્ધાં ન હતો. અર્થશાત્રીઓનું અનુમાન હતું કે, પ્રથમ ત્રિમાસિક ગાળા દરમ્યાન વિકાસ દર 6.3 ટકા અને સાત ટકાની વચ્ચે રહેશે, તો ભારતીય રિઝર્વ બેંકનો અંદાજ હતો કે, જીડીપી 6.પ ટકા રહેશે. આ તમામ અનુમાનો કરતાં વધુ વિકાસદર હાંસલ કરીને  ભારતીય અર્થતંત્રે પોતે સૌથી ઝડપથી વિકાસના પોતાના દરજ્જાને વધુ એક વખત સાબિત કરી આપ્યો છે. ભારતીય અર્થતંત્રને ડેડ કહેનારા વર્ગ અને તેમાં સૂર પુરાવતા દેશના વિપક્ષી ટીકાકારોને આ વિકાસદર એક મોટા પદાર્થ પાઠ સમાન છે. 

કેન્દ્ર સરકારે અમુક ચાવીરૂપ પગલાં લીધાં છે, જેને લીધે આર્થિક વિકાસ હવે વધુ મજબૂત બનશે એમાં કોઈ શંકા જણાતી નથી. સરકારે તેના ખર્ચમાં બાવન ટકાનો વધારો કર્યો છે.  હવે જીએસટીના દરને પણ વધુ ઘટાડીને તેને તર્કસંગત બનાવાઈ રહ્યો છે. સાથોસાથ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજના દરમાં ઘટાડો કર્યે છે. આગામી ત્રિમાસિક ગાળામાં ચોમાસાંની ઉપજ વધવાની સાથે ભાવો ઘટવાની સાથોસાથ બજારમાં માંગ વધવાથી અર્થતત્રમાં વિકાસનો દોર યથાવત્ રહેશે એવી પ્રતીતિ થઈ રહી છે.   નોંધપાત્ર બાબત એ છે કે, 201પથી 202પના સમયગાળા દરમ્યાન  ભારતીય અર્થતંત્રના કદમાં 10પ ટકાનો વધારો નોંધાયો છે.  આ દાયકા દરમ્યાન વિશ્વની સામે કોવિડ અને વિવિધ સંઘર્ષોના પડકાર વચ્ચે ભારતના અર્થતંત્રમાં છથી સાડા છ ટકાનો વધારો નોંધાયો હતો.  આ દરમ્યાન ચીનનો જીડીપી છ ટકાથી નીચે રહ્યો છે. વિશ્વના કુલ જીડીપીમાં ભારતનો એકલાનો હિસ્સો 17 ટકા રહ્યો છે, હવે વધીને 20 ટકા થાય એવો અંદાજ છે. ભારત ખરા અર્થમાં દુનિયાના વિકાસમાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. આર્થિક વિકાસના આ આંકડાને વધારવા ભારતના તમામ વર્ગો સાથે મળીને મહેનત કરી રહ્યા છે.  મજબૂત અને વિશાળ મધ્યમ વર્ગ ધરાવતો આ દેશ ભવિષ્યમાં વિશ્વને અર્થતંત્રના વિકાસમાં તમામ સ્તરે સહાયભૂત થશે એવું ભવિષ્ય અર્થશાત્રીઓ ભાંખી રહ્યા છે.

એક તરફ ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના બોજનો ઉકેલ શોધવા સક્રિય બન્યો છે, તો બીજી તરફ અર્થતંત્રના વિકાસના આ ઉત્સાહજનક આંકડા આ પ્રયાસોમાં નવી ઊર્જા પૂરી પાડશે એ વાત નક્કી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, ચીન અને રશિયા સાથેના સંપર્કોને વધુ જીવંત બનાવીને અમેરિકાના ટેરિફની ધારને બુઠ્ઠી કરવા પ્રયાસ હાથ ધરી રહ્યા છે, તેમની સામે સવાલ ઊભા કરતા રહેલા વિપક્ષી નેતાઓને આર્થિક વિકાસનો આ દર સજ્જડ જવાબ બની રહેશે.  હવે આ ટીકાકારો અને ખાસ તો ભારતીય અર્થતંત્રને મૃત ગણાવતા ટ્રમ્પ વાસ્તવિકતાને સ્વીકારીને ભારતની આર્થિક તાકાત સામે સવાલ ખડા કરવાનું બધ કરશે એવી અપેક્ષા રાખવી રહી.

ઇ-પેપરના નવા શુલ્ક