મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી સાથે મનોજ જરાંગે પાટીલે મુંબઈમાં શરૂ કરેલું આંદોલન મંગળવારે મોટા ભાગની માગણી રાજ્ય સરકારે સ્વીકારી લેતાં સમેટાયું છે. પાંચ દિવસ પહેલાં શાંતિથી શરૂ થયેલા આંદોલનના ચોથા દિવસે મરાઠા આંદોલકો પોતાની મરજી મુજબ વર્તવા લાગતાં મુંબઈને રીતસરનું બાનમાં લીધું હતું. બીજી તરફ મરાઠા સમાજને ઓબીસીના ક્વોટામાંથી આરક્ષણ અપાશે તો લાખો ઓબીસી મુંબઈ પહોંચશે એવી ધમકીથી રાજ્ય સરકાર પર ભીંસ વધી હતી. વીસ હજારથી વધુ મરાઠાઓ દક્ષિણ મુંબઈમાં મનફાવે એમ વર્તન કરતા હોવા છતાં પોલીસ કે સરકારે તેમની સામે કોઈ સખત પગલાં લીધાં નહીં તેથી વિરોધી પક્ષોને સરકારની ટીકા કરવાનું બહાનું મળ્યું, પણ રાજ્ય સરકારે વિરોધીઓની ઉશ્કેરણીને અવગણી આંદોલકો સામે કાર્યવાહી કરવાને બદલે સંયમ રાખી કોર્ટનો રસ્તો અપનાવ્યો. સોમવારે બૉમ્બે હાઈ કોર્ટના માધ્યમથી ગેરકાયદે આંદોલન કરી રહેલા મરાઠાઓ સામે રાજ્ય સરકારને નિર્દેશ અપાયા હતા. કોર્ટે આઝાદ મેદાનમાં જ પાંચ હજાર લોકોને અનશન આંદોલન કરવાનું કહ્યું. બાકીના રસ્તા અને રેલ બ્લૉક કરી રહેલા મરાઠાઓને હટાવી મુંબઈની સ્થિતિ સામાન્ય કરવાનો આદેશ આપ્યો. કોર્ટે મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધી આઝાદ મેદાન ખાલી કરવાનો આદેશ મનોજ જરાંગે પાટીલને આપ્યો હતો ત્યારે એમણે મુંબઈ નહીં છેડવાનો નિર્ધાર જાહેર કર્યો હતો.
એક
તરફ કોર્ટના આદેશથી મુંબઈને મરાઠાઓથી મુક્ત કરવાની પોલીસે કાર્યવાહી શરૂ કરી તો બીજી
તરફ મરાઠા સમાજને કેવી રીતે આરક્ષણ આપી શકાય એ વિશે ગઠિત કરેલી કમિટીના અધ્યક્ષ રાધાકૃષ્ણ
વીખે-પાટીલે હૈદરાબાદ અને સાતારા ગેજેટનો રસ્તો શોધ્યો. બપોર બાદ આ સંબંધી ડ્રાફટ સાથે
પ્રતિનિધિઓની ટીમે અનશન સ્થળે જઈ મનોજ જરાંગે પાટીલને સોંપ્યો. ડ્રાફ્ટ વાંચ્યા બાદ
તાત્કાલિક આ સંબંધે નોટિફિકેશન જારી કરવાની માગણી જરાંગેએ કરતાં સરકારે એક કલાકમાં
રાજ્યપાલની સહી સાથેનું નોટિફિકેશન જરાંગેને સોંપ્યું હતું.
મરાઠા
સમાજને આરક્ષણ આપવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંયમ રાખી મહત્ત્વનો નિર્ણય
લીધો હોવાથી મુંબઈમાં સ્થિતિ નિયંત્રિત કરવામાં અને મરાઠા સમાજને આરક્ષણ આપવાનું શ્રેય
તેમને જાય છે.
સોમવારે
મનફાવે તેમ મરાઠા આંદોલકોએ વર્તન કરતાં મુંબઈગરાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. મહિલા
પત્રકાર, અભિનેત્રી સહિત મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવાની સાથે ઉશ્કેરાયેલા મરાઠાઓએ બસમાં
મુસાફરોની મારપીટ કરવાની સાથે લોકલ ટ્રેન રોકી મુંબઈમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો
હતો એટલે લોકો ભયભીત હતા. એમાં આરક્ષણ નહીં અપાય તો અઠવાડિયામાં પાંચ કરોડ મરાઠા મુંબઈ
આવશેની ચીમકી મનોજ જરાંગેએ આપી હતી. જોકે, સરકારે આંદોલન શાંતિથી સમેટાઈ જાય એ માટેનાં
પગલાં લેતાં આંદોલનનો અંત આવ્યો છે.