• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

નેપાળની આગની ચિનગારી ક્યાં ?

વિશ્વનું એક માત્ર હિન્દુ રાષ્ટ્ર નેપાળ મોટી રાજકીય કટોકટીમાં ફસાઈ ગયું છે. રાતોરાત ત્યાં વડાપ્રધાન અને રાજ્યપાલે રાજીનામાં ધરી દીધાં છે. સપાટી ઉપર દેખાતું કારણ તો છે જેન ઝેડ આંદોલન. સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકાવાથી યુવાનો રોષે ભરાયા. સંસદ સુધીની કૂચ કરી એટલું જ નહીં, ત્યાં આગ લગાડી. 24 યુવાનોના મૃત્યુ થયાં, 500થી વધારે આંદોલનકર્મીઓ ઘાયલ થયા. ગઈકાલ રાત સુધી તો વડાપ્રધાન આપાતકાલીન કેબિનેટ બેઠકમાં વ્યસ્ત હતા અને આજે તેમણે સત્તા છોડવી પડી છે. આટલું ઉગ્ર આંદોલન અને આવી પડકારજનક સ્થિતિમાં નેપાળની સરકાર કેવી રીતે સપડાઈ તે સંશોધનનો વિષય છે.

નેપાળમાં ઊભી થયેલી સ્થિતિ વિકટ, વિચિત્ર છે. આખરે તેની પાછળ કોઈ વિરાટ આંતરરાષ્ટ્રીય તાકાત તો નથી ને? તેવો સવાલ અસ્થાને નથી. સાથે જ ભારત માટે ચિંતા અને ચિંતનનો વિષય એ છે કે ભારતની આસપાસના ઉપમહાદ્વીપમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા પછી આ ત્રીજો એવો દેશ છે જ્યાં આવી રીતે સત્તાપલટો થયો છે. બે બાબતો અત્યંત સ્પષ્ટ રીતે જોવી જોઈએ એક તો જેને યુવાનોનું- જેન-ઝેડનું આંદોલન ગણાવાઈ રહ્યું છે તે ખરેખર તેમનો જ રોષ છે કે નહીં, બીજું વડાપ્રધાન કે.પી.ઓલી શર્મા અને સત્તાની સાથે દેશ પણ છોડીને જતા રહેલા તેમના કેટલાક મંત્રીઓ ચીનના શાસકોના ઈશારે નાચતા હતા. શું તેમને ચીન સાથેના અનુસંધાનનું પરિણામ ભોગવવું પડયું છે?

પાકિસ્તાનમાં ઈમરાનખાને પણ જેલમાં જવું પડયું હતું. બાંગ્લાદેશમાં માર્ટિન આઈલેન્ડનો મુદ્દો ઉછળ્યો અને સરકાર બદલાઈ હવે પ્રજા આકાશમાંથી પડીને ખજૂરમાં અટક્યાનો અહેસાસ કરી રહી છે. જો ખરેખર યુવાનો ભ્રષ્ટાચાર સામે મેદાને પડયા હોય, ત્યાંથી પહેલાં જે અહેવાલ હતા તે અનુસાર સોશિયલ મીડિયા સાઈટ્સ ઉપર પ્રતિબંધ એટલા માટે મૂકાયો હતો કે તેના ઉપર સરકારની વિરુદ્ધ, મંત્રીઓના ભ્રષ્ટાચાર વિશે વિગતો વાયરલ થતી હતી. પ્રજા ભ્રષ્ટાચારની વિરુદ્ધ આટલી સક્રિય હોય તો તે સારો સંકેત કહેવાય પરંતુ અહીં તેવું છે કે નહીં તે સવાલ છે. નેપાળ એક સમયે આઈએસઆઈ માટે પણ પોતિકી ભૂમી રહ્યું હતું. ચીન તો તેનો ઉપયોગ કરે છે જે ભારત માટે પણ જોખમ ઊભું કરી શકે છે.

અમેરિકા અત્યારે જે રીતે વર્તી રહ્યું છે તે જોતાં નેપાળની ભૂમિ ઉપર જો તે વર્ચસ સ્થાપવામાં સફળ થાય તો ભારત, પાકિસ્તાન, પરોક્ષ રીતે અફઘાનિસ્તાનને પણ મુઠ્ઠીમાં રાખવાનો પ્રયાસ કરી શકે. બીજું એ કે ભારતમાં પણ ક્યાંક ક્યાંક કોઈને કોઈ મુદ્દે આંદોલનો થતાં રહે છે, આપણે સરહદો સંભાળતાં આ અંદરની વ્યવસ્થાને પણ સતત જોતાં રહેવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. નેપાળમાં લાગેલી આ આગની ચિનગારી ક્યાં તે અગત્યનું છે અને બીજી વાત એ છે કે આ સોશિયલ મીડિયા આવી સ્થિતિમાં રાક્ષસનું રુપ લઈ શકે તે વધુ એકવાર સાબિત થઈ ગયું છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક