• ગુરુવાર, 18 જૂન, 2026

આતંકવાદ મુદ્દે અમેરિકાનું વલણ

અમેરિકા તેના સ્વાર્થને સાધવા વિશ્વની સલામતીને પણ હોડમાં મુકતા ખચકાતું નથી. આ હકીકત સંખ્યાબંધ વખત દુનિયાની સામે આવતી રહી છે. આતંકવાદના મામલે કોઈ બાંધછોડ ન કરવા અને આંતકવાદી સંગઠનો સાથે કોઈ સંવાદ ન કરવાની પોતાની નીતિમાં અમેરિકાએ વધુ એક વખત પોતાની સગવડ માટે બાંધછોડ કરીને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસની સાથે ઊંડાણપૂર્વકની વાતચીત હાથ ધરી હોવાનો સ્વીકાર કર્યો છે. આમ આતંકના મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બેવડા ધોરણ છતા કર્યાં છે. 

ઈઝરાયલે હમાસના કબજામાં બાન રહેલા પોતાના નાગરિકોની મુક્તિ કરાવે એવો આગ્રહ કર્યા બાદ ટ્રમ્પે આવું નિવદેન કર્યું છે.  જો કે, આતંકવાદના મામલે ઝીરો ટોલરન્સ નીતિના હિમાયતી અમેરિકાએ આતંકવાદીઓની સાથે કોઈ વાતચીત કે સમજૂતી ન કરવાની સતત હિમાયત કરી છે.  હમાસ સાથેના સંપર્કનો સ્વીકાર કરીને ટ્રમ્પે પોતાના દેશની નીતિને છોડી છે તે વાત અમેરિકા માટે નવી નથી.  અગાઉ પણ અમેરિકાએ પોતાના સ્વાર્થ કે સગવડ માટે આ નીતિને અભેરાઈએ ચડાવી છે. 

સૌ કોઈ જાણે અને સમજે છે કે, અમેરિકાના વિશ્વના દરેક ખૂણે સક્રિય શક્તિશાળી આતંકી જૂથોની સાથે સંબંધ રહ્યા છે. 2021માં ટ્રમ્પના શાસનકાળમાં અમેરિકાએ તાલીબાનની સાથે સમજૂતી કરીને અફઘાનિસ્તાનમાંથી  પોતાના દળોને પાછા ખેંચી લીધા એ વાત સાવ તાજી છે. આજે અફઘાનિસ્તાન પર તાલીબાનનું શાસન છે, તે અમેરિકાની આ સમજૂતીને આભારી છે.  આ ઉપરાંત અમેરિકાના લેબેનોનના હિઝબુલ્લા, અલકાયદા, લશ્કરે તોઈબા અને જૈશે મહોમ્મદ જેવા આતંકી સંગઠનો સાથે સીધા સંપર્ક રહ્યા છે. અમેરિકા ઘણી વખત આતંકી સંગઠનોની સાથે કદાચ સીધો સંપર્ક ન ધરાવતું હોય, પણ તેની ગુપ્તચર સંસ્થા સીઆઈએએ આવા સંગઠનોની સાથે જીવંત સંપર્ક રાખીને તેમને મદદ પણ કરી છે. હાલત એવી છે કે, અમેરિકા અને સીઆઈએ આવા આતંકી સંગઠનોની મદદથી દુનિયાના દેશોમાં બળાવાથી માંડીને અરાજકતા ફેલાવવાના પોતાના એજન્ડાનો અમલ કરાવતા રહે છે. 

આતંકવાદનો પર્યાય બની ચૂકેલા પાકિસ્તાન સાથેના અમેરિકાના સંબંધો પરથી પણ તેના બેવડા ધોરણો સ્પષ્ટ રીતે છતાં થાય છે.  ભારતમાં અને દુનિયામાં આતંકી સંગઠનો સાથે સીધી સાઠગાંઠ ધરાવવા કુખ્યાત પાકિસ્તાનને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ગણતું આવ્યું છે.  પાકિસ્તાનને આઈએમએફની લોન અપાવવામાં પણ અમેરિકાનો સીધો દોરીસંચાર રહ્યો છે. 

ખરેખર તો હવે દુનિયાએ અમેરિકાના આ બેવડા વલણની સામે અવાજ ઉઠાવવાની ખાસ જરૂરત છે. દુનિયાના વગદાર દેશોએ અમેરિકા અને તેના રાષ્ટ્રપતિને ગળે ઉતારવા પર ધ્યાન આપવું જોઈએ કે, આંતકવાદનો વ્યૂહાત્મક ફાયદા માટે ઉપયોગ કરવાની સ્વાર્થી નીતિને ત્યજીને માનવતાને જીવંત રાખવાનો સંકલ્પ ખરા અર્થમાં સિદ્ધ કરવો જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક