• સોમવાર, 18 મે, 2026

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એનડીએ અકબંધ : વિપક્ષમાં ગાબડાં

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ઉપર સૌની નજર હતી. કૉંગ્રેસના મોરચાને વિજયની આશા નહોતી અને ભાજપને વિશ્વાસ હતો. પણ એનડીએના સભ્યો ક્રોસ વોટિંગ કરે - અર્થાત્ વિપક્ષી ઉમેદવારને વોટ આપે તો પણ ઘણું - એવી આશા જરૂર હતી. એનડીએમાં સભ્યો નારાજ છે અને નારાજગી બતાવવાનો અવસર છે તેનો લાભ ઉઠાવશે એવી ગણતરી હતી પણ તે ઊંધી પડી છે. પરિણામ જોતાં વિપક્ષી મોરચામાં જ ભંગાણ પડયું છે - બન્ને ગૃહો મળીને કુલ 315 મતદારસભ્યો છે અને મતદાન થયા પછી કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે સો ટકા વોટિંગનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પણ એમના પંદર વોટ તૂટયા હોવાનું પરિણામ આવ્યાં પછી નિરાશા વ્યાપી છે. રાધાકૃષ્ણનને 452 વોટ મળ્યા અને સુદર્શન રેડ્ડીને 300 મળ્યા છે અને પંદર વોટ ‘રદ’ થયા છે.

વડા પ્રધાન મોદીએ રાધાકૃષ્ણનની પસંદગી સચોટ કરી છે. હવે રાજ્યસભામાં વિપક્ષી સભ્યો અને અધ્યક્ષ રાધાકૃષ્ણન વચ્ચે ‘સંઘર્ષ’ના સ્થાને સંવાદ હશે એમ મનાય છે. રાજ્યસભાથી બહાર-તામિલનાડુમાં પણ લાભ મળી શકે છે. રાધાકૃષ્ણન ભાજપ-આરએસએસના હોવા છતાં ડીએમકે અને અન્નાડીએમકે - બન્નેએ લોકસભાની ચૂંટણીમાં એમને ટેકો આપીને જિતાડયા હતા - તે એમની લોકપ્રિયતાનું પરિણામ હતું.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સી. પી. રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત હતો જ. છતાં વિપક્ષી મોરચાએ ‘રાજકીય લડાઈ’ને સૈદ્ધાંતિક બતાવવાનો પ્રયાસ કર્યો અને છેવટ સુધી શાસક પક્ષમાં ફૂટ પડશે અને ઘણા સભ્યો વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડીને વોટ આપીને જિતાડશે એવી આશા અને ‘દાવો’ કર્યો. રાધાકૃષ્ણને માત્ર રાષ્ટ્રવાદ -રાષ્ટ્રહિતની વાત કરી અને વડા પ્રધાનની પ્રતિષ્ઠાનો લાભ મળ્યો. શાસકપક્ષ અને વિપક્ષે મતદાનની ‘મૉક ડ્રીલ’ રિહર્સલ પણ કરીને સભ્યોને પૂરી જાણકારી આપી. આમ છતાં પંદર વોટ ‘રદ’ થયા છે. જાણી કરીને વોટ - પત્રમાં ભૂલ કરી હોય જેથી વોટ રદ થાય એવી શક્યતા છે. આટલા વોટ વિપક્ષના ઉમેદવારે ગુમાવ્યા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પક્ષનો ‘વ્હીપ’ આદેશ અપાય નહીં તેથી આ સભ્યો ઓળખાય તો પણ એમના સામે શિસ્ત ભંગના પગલાં લઈ શકાય નહીં.

અત્યારે થયેલી ચૂંટણીમાં કોણે કોને વોટ આપ્યા અને કોના વોટ રદ થયા એ પણ જાણી શકાય નહીં - પણ વિપક્ષી મોરચાના સભ્યોની સંખ્યામાં ગાબડું પડયું છે તે નક્કી છે. જો શાસક - એનડીએ મોરચામાં આવું ગાબડું પડયું હોત તો વિરોધ પક્ષોએ બિહારના ચૂંટણી પ્રચારમાં જરૂર પ્રચાર કર્યો હોત કે એનડીએ-મોદી - ‘નબળા’ પડયા છે! હવે એનડીએ કહી શકે છે કે, ‘અમે અકબંધ છીએ’.

વડા પ્રધાન મોદીએ તામિલનાડુના ઓબીસી નેતાની પસંદગી કરીને રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. બિહાર અને તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં પણ એનડીએને લાભ થશે. રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિ પણ ઓબીસી છે - આ સંદેશ બિહાર-તામિલનાડુ ઉપરાંત મહારાષ્ટ્ર માટે પણ છે.

ઇ-પેપરના નવા શુલ્ક