• મંગળવાર, 12 મે, 2026

હોકીમાં ગૌરવપૂર્ણ જીત

એશિયા કપ  ક્રિકેટ સ્પર્ધાનો યુએઈમાં પ્રારંભ થાય એ પહેલાં         હોકી છાવણી તરફથી દેશને ગૌરવ થાય એવા સમાચાર આવ્યા. બિહારના રાજગીર ખાતે આયોજિત એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઈનલમાં ભારત દક્ષિણ કોરિયાને શિકસ્ત આપીને ચેમ્પિયન બન્યું. ટીમ ઈન્ડિયાએ તેની શાનદાર જીતથી ન માત્ર એશિયામાં ડંકો વગાડયો છે બલ્કે વિશ્વ હોકીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, ગુમાવેલ ગૌરવ અંકે કરીને તે આંતરરાષ્ટ્રીય તખતે ભારતીય હોકીનો સુવર્ણ સમય પાછો લાવવા સજ્જ છે.

રાજગીર (બિહાર) ખાતેની સ્પર્ધામાં ભવ્ય જીતથી ભારતને 2026માં રમાનારા હોકી વિશ્વ કપમાં સીધો પ્રવેશ મળી ગયો છે. એથીય વધુ મહત્ત્વનું છે ખેલાડીઓ અને સમગ્ર  ટીમનો આત્મવિશ્વાસ હવે આસમાને પહોંચી ગયો છે. ભારતની હોકી ટીમ અને તેના ખેલાડીઓનું ભવિષ્ય મજબૂત છે. મેદાની રમત કે સ્પર્ધા સંઘબળથી જ જીતાતી હોય છે. કોઈ એકનું યોગદાન ન આવે તોય એ અધૂરપ હાર માટે નિમિત્ત બની શકે છે. એશિયા કપ જીતનું  શ્રેય ભારતના ખેલાડીઓ, પૂર્વ મુખ્ય કોચ અને સહયોગી સ્ટાફને મળવું જોઈએ. કડક નિયમ પાલન, સફળ રણનીતિ અને યુવા ખેલાડીઓ પર ભરોસો મૂકવાનો નિર્ણય ફળ્યો એમ કહી શકાય. મેદાની રમતમાં અનુભવ અને યુવા તાજગીનું સંયોજન જરૂરી હોય છે. કટોકટીના સમયે અનુભવી દિમાગ પરિપક્વતાભર્યો નિર્ણય લે છે અને જે દિશા પકડવાની છે એ તરફ જોમ-જુસ્સા સાથે ધસી જવાનું કામ યુવાઓનું છે. આ વખતની હોકી ટીમનું આ બંધારણ પ્રતિસ્પર્ધી ટીમો માટે ઘાતક પુરવાર થયું.

એશિયા કપની શરૂઆતમાં ભારતની રમત એટલી ધારદાર નહોતી. જો કે, મહત્ત્વપૂર્ણ ક્ષણોએ માનસિક મજબૂતી અને સામૂહિક તાલમેલને લીધે બાજી આપણી તરફેણમાં ફેરવાઈ ગઈ. જે દર્શાવે છે કે, ભારતીય હોકી હવે દબાણનો સામનો કરવામાં સક્ષમ બની રહી છે. એશિયા કપ વિજય પછી હોકી ટીમ સમક્ષ અપેક્ષાઓ વધી ગઈ છે. એશિયા કપ ભારતે ચોથી વખત જીત્યો છે.

પાકિસ્તાન અને દક્ષિણ કોરિયા જેવી ટીમનો વધુ દબદબો જોવા મળ્યો છે. ભારતની હોકી ટીમે વૈશ્વિક સ્તરે ધારદાર રમતનું પ્રદર્શન કરવું જરૂરી છે. નીતનવી ટેકનિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના પ્રવેશ પછી રમતની દુનિયા ખૂબ સ્પર્ધાત્મક અને વ્યાવસાયિક થઈ ગઈ છે. હકીકત એ છે કે, વૈશ્વિક સ્તરે નેધરલેન્ડ, જર્મની, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ જેવી ટીમ ટેકનિકલ કૌશલ્ય, ફિટનેસ, રમતની ગતિમાં  ભારતથી ઘણા આગળ છે. આ ઉણપ દૂર કરવાની જરૂર છે. ક્રિકેટ ખેલાડીઓ તરફ બીસીસીઆઈ જે રીતનું ધ્યાન દઈ રહ્યું છે એમાંથી હોકી સંઘે સબક લેવાની જરૂર છે. માળખાંકીય સુવિધા વિશ્વસ્તરીય જોઈએ, સાથે લાંબા ગાળા માટે કુશળ કોચિંગ સ્ટાફ, ખેલાડીઓને ઉજ્જ્વળ આર્થિક ભવિષ્યની ખાતરી મળવી ખૂબ જરૂરી છે. કોર્પોરેટ જગતને હોકીના સર્વાંગી વિકાસમાં જોડી શકાય. ગ્રામીણ સ્તરેથી કિશોર - યુવાઓને વધુ ખડતલ બનાવીને આ રમત પ્રત્યે આકર્ષિત  કરવાથી ભવિષ્યમાં તેનાં ખૂબ સારાં પરિણામ મળશે. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે, તેને એ પ્રમાણેનું મહત્ત્વ - ફોકસ મળવું જ જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક