• શનિવાર, 13 જૂન, 2026

ફટાકડા પર પ્રતિબંધ : દિવાળી ટાણે વિવાદની હોળી

દેશમાં પ્રદૂષણની સમસ્યા રાજાની કુંવરીની જેમ દિવસે ન વધે તેટલી રાત્રે, રાત્રે ન વધે તેટલી દિવસે વધી રહી છે. દિલ્હી, નોઈડા, હરિયાણાની સ્થિતિ તો સૌથી ખરાબ છે. અન્ય રાજ્યોમાં પણ સંતોષકારક તો હાલત નથી છતાં પ્રદૂષણની વાત આવે ત્યારે લોકોત્સવની ઉજવણી ઉપર નિયંત્રણ મૂકવાની વાત આવે ત્યારે જનમાનસ ઉપર તેની અસર થાય છે. સરકાર કે ન્યાયપાલિકાની આવી કોઈ પણ વાત ચર્ચાસ્પદ અને ક્યારેક વિવાદાસ્પદ બને છે. સર્વોચ્ચ અદાલતે બે દિવસ પુર્વે ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવાનો ઉલ્લેખ કર્યો તેની સતત-સખત ચર્ચા શરૂ થઈ છે. લોકો ઉત્સવોથી લઈને ધાર્મિક લાગણી સુધી પહોંચી જાય છે.

શુક્રવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી.આર. ગવઈએ કહ્યું કે દિલ્હી અને નોઈડાના નાગરિકો જો સ્વચ્છ હવા મેળવવા હકદાર છે તો અન્ય પ્રાંતો-શહેરોના લોકોનો વાંક શું? તેમણે એવો નિર્દેશ આપ્યો કે ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવો હોય તો આખા દેશમાં મૂકવો જોઈએ. પ્રદૂષણ નિયંત્રણની નીતિ આખા દેશ માટે હોવી જોઈએ, કોઈ એક શહેર-વિસ્તાર પૂરતી નહીં. ન્યાયમૂર્તિની વાત તો સાચી જ હોય છતાં સામાન્ય જનતા આ બાબતે પોતાના મંતવ્યો પણ આપી રહી છે. એક તો દિવાળી દેશભરમાં એકસરખા ઉત્સાહથી ઉજવાતું પર્વ છે. ફટાકડા આ પર્વની ઉજવણીનું મોટું અને મુખ્ય માધ્યમ છે. આબાલવૃદ્ધ આ ઉત્સવમાં ફટાકડા ફોડે છે તો સામે કરોડો રૂપિયાનું તેનું બજાર છે. અનેક પરિવાર તેના ઉપર નભે છે. ફટાકડા ફોડવાનું બંધ થાય તો આ લોકોની રોજગારીનું શું?

પ્રદૂષણનો પ્રશ્ન ઘણો અગત્યનો છે, તેની અવગણના કરી શકાય નહીં. તેનો એક ઉપાય એ છે કે ફટાકડાના ઉત્પાદન માટે કડક નિયમો બનાવવા.હવાનું પ્રદૂષણ ન ફેલાય તેવા ફટાકડા જ વેચાય તેવા કાયદાનો કડક અમલ કરાવવો. જેમ ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકાયો છે તેમ અમુક પ્રકારના ફટાકડા પ્રતિબંધિત બનાવી શકાય. પ્રદૂષણના તદ્દન યોગ્ય મુદ્દા સામે જનસામાન્યની દલીલ એ છે કે વાહનો પ્રદૂષણ ફેલાવે છે, આરટીઓએ કરવાની કાર્યવાહી પૂરતા પ્રમાણમાં થતી નથી. ઔદ્યોગિક પ્રદૂષણ હવામાં, જળત્રોતોમાં સતત થાય છે. ફક્ત બે-ચાર દિવસના ઉત્સવથી જ થોડું વાતાવરણ પ્રદૂષિત થાય અલબત્ત ન્યાયપાલિકાનો મુદ્દો બહુજન હિતાય જ છે. જો અદાલત કહે તો ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવો પણ પડે તેમાં ન ચાલે પરંતુ દિવાળીના તહેવારે વિવાદ થયા વગર રહે નહીં તે પણ સત્ય છે. કોઈ મધ્યમ માર્ગ નીકળી શકે તે આવકાર્ય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક