પાંચમી
ડિસેમ્બરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ભારતની મુલાકાતે આવે એવી શક્યતા છે.
જે રીતે યુક્રેનમાં રશિયાની યુદ્ધ યંત્રણામાં ઈંધણ પૂરવાનો આક્ષેપ ડૉનાલ્ડ ટ્રમ્પે
નવી દિલ્હી પર નાખી રશિયન ક્રૂડતેલ ખરીદવા બદલ કચકચાવીને ટેરિફ ફટકાર્યો છે, એ પછી
આ મુલાકાતની મહત્તા વધી જાય છે. ભારત-રશિયા વચ્ચે આ 23મી વાર્ષિક દ્વિ-પક્ષી શિખર મંત્રણા
છે અને તેમાં વ્યાપક ઍજેન્ડા પર ચર્ચા થવાની શક્યતા છે.
યુનાઈટેડ
નેશન્સ જનરલ ઍસેમ્બલીનાં 80મા સત્રમાં તાજેતરમાં જ રશિયાના વિદેશપ્રધાન સર્ગી લાવરોવે
જાહેરાત કરી હતી કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે જશે. એ
પહેલાં લાવરોવ પણ નવેમ્બરમાં ભારત મુલાકાતે આવવાના છે. એ પહેલાં રશિયાના સંરક્ષણ પ્રધાન
ઍન્ડ્રેય બેલોઉસોવ અૉક્ટોબરમાં ઈન્ટર-ગવર્નમેન્ટલ કમિશન અૉન મિલિટરી ટેક્નિકલ કો-અૉપેશનમાં
ભાગ લેવા આવવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે રશિયાની મુલાકાતે ગયા હતા,
આ ઉપરાંત આ બંને નેતાઓ એકમેકના નિયમિત સંપર્કમાં છે. હાલમાં જ અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન
વચ્ચેની બેઠક પછી પણ પુતિને મોદીનો ફોન પર સંપર્ક કર્યો હતો. તો, એ પછી સપ્ટેમ્બરમાં
બંને શીર્ષ નેતા શાંઘાઈ કો-અૉપરેશન અૉર્ગેનાઈઝેશન સમિટમાં પણ મળ્યા હતા. ભારત પુતિનની
મહેમાનગતિ નવી દિલ્હી બહારના કોઈ શહેરમાં કરશે જેમાં જયપુર, આગ્રા અને ગોવાનાં નામ
ચર્ચામાં છે. છેલ્લે 2021માં પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા.
પુતિને
ગત 27મી સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સાધેલી આર્થિક વૃદ્ધિની
પ્રશંસા કરતાં કહ્યું હતું કે, વડા પ્રધાન મોદીના વડપણ હેઠળ ભારત સંપૂર્ણપણે સ્વતંત્ર
અને સાર્વભૌમ નીતિ અખત્યાર કરી રહ્યું છે, સૌથી મહત્ત્વનું એટલે આર્થિક ક્ષેત્રમાં
પણ ભારત સારાં પરિણામો હાંસલ કરી રહ્યું છે અને વિશ્વનાં મુખ્ય અર્થતંત્રોમાં સર્વોચ્ચ
આર્થિક વિકાસનો દર પ્રદર્શિત કરી રહ્યું છે. યોગાનુયોગે આજે ત્રીજી અૉક્ટોબરે ભારત-રશિયા
વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાતની પચીસમી વર્ષગાંઠ છે અને એ પૂર્વે પુતિનની મુલાકાતના
સમાચાર વિશ્વને આ ભાગીદારીનું રશિયા માટે કેટલું મહત્ત્વ છે, એવો સંદેશ આપવાનો પ્રયાસ
છે.
અમેરિકા-ટ્રમ્પના
ટેરિફ ટેરર ઉપરાંત રશિયન બજારમાં ભારતની પહોંચ વધારવા તથા દ્વિ-પક્ષી વેપારમાં ખોરવાઈ
રહેલા સંતુલન જેવા મુદ્દા આ મંત્રણા દરમિયાન ચર્ચાવાની શક્યતા છે. 2024-25માં દ્વિ-પક્ષી
કરાર વિક્રમી સર્વોચ્ચ સપાટી 68.7 બિલિયન ડૉલરને સ્પર્શ્યો છે, જેમાં રશિયાના ક્રૂડતેલની
ભારત દ્વારા થઈ રહેલી ડિસ્કાઉન્ટ દરે ખરીદી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, ભારતની
રશિયા નિકાસ માત્ર 4.88 બિલિયન ડૉલર છે, જેના પગલે બેલેન્સ અૉફ ટ્રેડનું પલડું રશિયા
તરફ ઢળે છે. ટ્રમ્પની ગણતરી ભારતને રશિયન ક્રૂડતેલ ખરીદતું અટકાવી રશિયાને યુક્રેન
યુદ્ધ રોકવા ફરજ પાડવાની છે. મૂળ તો સાત યુદ્ધો રોકવાનો દાવો કરી રહેલા ટ્રમ્પની નજર
શાંતિના નોબેલ પ્રાઈઝ પર છે, જેની જાહેરાત આગામી દિવસોમાં થવાની છે. જોકે, મુત્સદ્દી
પુતિને અમેરિકાની મધ્યસ્થીને ગણકારી નથી અને ભારતે પણ પાકિસ્તાન મુદ્દે એકથી વધુ વાર
ટ્રમ્પના હસ્તક્ષેપના પ્રયાસોને દાદ આપી નથી. આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં આવી
રહેલા તાનપલટા જોતાં ભારત-રશિયા સંબંધોની દૃષ્ટિએ પુતિનની મુલાકાત એક મહત્ત્વનું પગલું
છે.