બિહાર
વિધાનસભાની ચૂંટણી ઉપર સૌની નજર છે અને વિપક્ષો એકતા બતાવીને મોદી - નીતિશ કુમારને
હટાવવા માગે છે તેથી જ મતદારોની યાદીની ચકાસણી સામે જબરદસ્ત વિરોધ ઉઠાવાયો અને વડા
પ્રધાન મોદી ઉપર ‘વોટ-ચોરી’નો આક્ષેપ થયો. લોકસભામાં વિપક્ષી નેતા - કૉંગ્રેસના રાહુલ
ગાંધીએ બિહારના મતદારોને સાવધાન કરવાના બહાને ભડકાવવાના પ્રયાસ કર્યા. ચૂંટણી પંચ ઉપર
પણ નિશાન સાધવામાં આવ્યા. ઍટમ બૉમ્બ જેવો ધડાકો કરવાની જાહેરાત કરી પણ તે હવાઈ ગયેલો
ફટાકડો નીકળ્યો. હવે પરમાણુ બૉમ્બની ધમકી આપી છે.
મૂળ
વાંધો - વિરોધ મતદાર યાદીની ચકાસણી સામે હતો અને રહ્યો છે જ્યારે ચૂંટણી પંચનું કામ
અને જવાબદારી મતદારોની યાદી ચકાસવાનું છે જેથી લોકતંત્રમાં ચૂંટણી શુદ્ધ રહે. બોગસ
- નકલી મતદારોની ‘ઘૂસણખોરી’ લોકતંત્રને અભડાવે નહીં તે માટે આવી તકેદારી, ચકાસણી અનિવાર્ય
છે. ચૂંટણી પંચની કામગીરીને સમર્થન આપતાં સરકાર - શાસક પક્ષ કહે છે કે વોટ બૅન્ક ઊભી
કરવા માટે બોગસ પ્રમાણપત્રો અપાય છે. વિશેષ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોનાં નામ યાદીમાંથી
બાદ કરવાં જોઈએ.
શરૂઆતમાં
આધાર કાર્ડ - મતદાર બનવા માટે ચાલી શકે નહીં - એવી દલીલ પંચની હતી - જે યોગ્ય છે. રૅશન
કાર્ડ અને આધાર કાર્ડ પણ નકલી મળે છે અથવા લાગવગ - લાંચ રુશવતથી મેળવી શકાય છે એવી
ટીકા, ફરિયાદ ખોટી નથી. વળી, આધાર કાર્ડ નાગરિકત્વનો પુરાવો નથી. મતાધિકાર માત્ર નાગરિકોને
જ છે. આખરે સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરીથી આધાર કાર્ડનો સ્વીકાર થયો.
વિપક્ષોની
ફરિયાદ હતી કે વિધાનસભાની ચૂંટણી માથા ઉપર છે ત્યારે ચકાસણી સમયસર પૂરી નહીં થાય પણ
ચૂંટણી પંચે પૂરતા અધિકારીઓ અને કાર્યકરોને બિહારના ખૂણેખૂણે મોકલીને સમયસર યાદીની
તપાસ પૂરી કરી છે અને રાજકીય પક્ષોના નેતાઓને સમય પણ આપ્યો છે જેથી તેઓ કાચી યાદી તપાસીને
ભૂલચૂક હોય તો પંચનું ધ્યાન આકર્ષિત કરી શકે. પ્રામાણિક મતદારો એમના મતાધિકારથી વંચિત
રહી જાય નહીં તેની તકેદારી માટે 2003ની મતદાર યાદીના આધારે - મતદાતાઓની ‘વંશાવળી’ પણ
ચેક કરવામાં આવી છે.
આટલી
સાવધાની સાથે પ્રક્રિયા પૂરી કરીને 7.42 કરોડ મતદારોની યાદી તૈયાર થઈ છે. 68.6 લાખ
નામ રદ કરવામાં આવ્યાં છે જેમાં મૃત્યુ પામેલાં, સ્થળાંતર કરેલાં અથવા ડબલ વખત નોંધાયેલાં
અને બોગસ નામોનો સમાવેશ થાય છે.
વિશાળ
ભારતમાં ચૂંટણી યોજવી ભગીરથ કાર્ય છે. વિરોધ અને આક્ષેપો વચ્ચે ચૂંટણી પંચે કાર્ય પાર
પાડયું છે તે બદલ અભિનંદન આપવા જોઈએ. હવે પછી દેશભરમાં મતદાર યાદીઓની ફેરતપાસ થાય તેમાં
બિહારના અનુભવ અને સફળતાનું યોગદાન હશે.