• સોમવાર, 10 નવેમ્બર, 2025

સંઘની શતાબ્દીએ સર્વ સમાવેશી સંબોધન

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શતાબ્દી નિમિત્તે સરસંઘચાલક મોહન ભાગવતે હિંદુ સમાજને-દેશના લોકોને આપેલો સંદેશો સુચક અને સર્વ સમાવેશક છે. સશક્ત સંગઠિત હિંદુ સમાજ દેશની સુરક્ષાની ગેરંટી છે તેવું કહેવાની સાથે જ તેમણે સાંપ્રત સ્થિતિઓને કેન્દ્રમાં રાખીને કહ્યું કે, અન્ય અર્થવ્યવસ્થાઓ ઉપરની નિર્ભરતા આપણી મજબૂરી ન બને તે જોવું પડશે. દેશ જ્યારે આઝાદીની લડાઈની ચરમસીમાએ હતો ત્યારે જ હિંદુ સમાજને એક કરીને રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશથી સ્થપાયેલા સંગઠન આર.એસ.એસ.ને સો વર્ષ પૂર્ણ થયા છે, સમગ્ર દેશમાં સંઘની વિવિધ ભૂમિકા અંગે ચર્ચા ચાલી રહી છે, તે વેળાએ જ મોહન ભાગવતે સ્થાનિકથી લઈને વિશ્વ સ્તરના મુદ્દાઓને પોતાના વક્તવ્યમાં આવરી લીધા છે.

નાગપુર ખાતે સંઘ મુખ્યાલયે સંબોધન કરતા તેમણે કહ્યું કે, આપણા દેશની સુરક્ષા અને અખંડતા સંગઠિત અને સશક્ત હિંદુ સમાજ ઉપર આધારિત છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અનેક વખત તેઓ એવું બોલી ચુક્યા છે કે, અમે આ દેશના દરેક નાગરિકને હિંદુ માનીએ છીએ. ભારતના એક હિસ્સામાં અને આસપાસના દેશોમાં થયેલા જેન-ઝી આંદોલનનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, આપણા પડોશી દેશોનો આ અનુભવ થયો છે. શાસન લોકોની નજીક ન હોય કે સંવેદનશીલ ન હોય અથવા તો પ્રજાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવવામાં આવતી ન હોય ત્યારે અસંતોષ ઉત્પન્ન થાય પરંતુ તેના વિરોધની આવી અભિવ્યક્તિ ફાયદાકારક નથી.

41 મિનિટના વક્તવ્યમાં સામાજિક પરિવર્તન, સરકારના અભિગમ ઉપરાંત અમેરિકાએ લાદેલા ટેરિફથી વિશ્વ સ્તરે ઉભી થયેલી આર્થિક સ્થિતિનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે જે દર્શાવે છે કે સંઘ સ્થાનિકથી લઈને વૈશ્વિક પ્રવાહો અને પ્રભાવો માટે પણ ચિંતન કરે છે. તેમણે આશાવાદ દર્શાવ્યો અને કહ્યું કે, વૈશ્વિક ચિંતાઓના ઉકેલ માટે સમસ્ત વિશ્વની નજર ભારત તરફ છે. યુવા પેઢી અને બુદ્ધિજીવીઓમાં ભારતના હિતનું ચિંતન વધ્યું છે. તે સારી વાત છે સાથે જ વધી રહેલી કુદરતી આફતો અંગે તેમણે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે હિમાલયની વર્તમાન સ્થિતિ આપણા માટે લાલબત્તી છે. વિકાસની દિશા સુનિશ્ચિત કરવી તે આપણું કર્તવ્ય છે. રાષ્ટ્રીય પ્રશ્નોથી લઈને કુદરતી હોનારતો સમયમાં લોકોની વચ્ચે રહેલો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે 100 વર્ષે કદાચ પહેલી વાર આટલી હદે ખુલીને, પોતાની વાત જન સમુદાય વચ્ચે લઈને આવી રહ્યો છે. રાષ્ટ્ર સંઘની વર્તમાન સમસ્યાઓના ઉકેલ માટે સંઘનું આ ચિંતન કામ આવી શકે તેવી આશા રાખી શકાય.

ઉલ્લેખનીય છે કે, 15 ઓગષ્ટે લાલ કિલ્લાની રાંગ પરથી અને ત્યાર બાદ તાજેતરમાં મન કી બાત પ્રસારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંઘના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. મોહન ભાગવતે કહ્યું કે, વિશ્વ રાષ્ટ્ર તરફ જોઈ રહ્યું છે તેમ અનેક દૃષ્ટિએ રાષ્ટ્ર આજે સંઘ તરફ જોઈ રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025