• સોમવાર, 10 નવેમ્બર, 2025

બ્રિક્સનાં માધ્યમથી ભારતનો અમેરિકાને આડકતરો સંદેશ

આજે વિશ્વમાં વેપાર કે સંરક્ષણ જેવા મુદ્દે અલગ-અલગ દેશો વિવિધ જૂથો રચીને તેમના થકી વેપારી અને વ્યૂહાત્મક હિતોને મજબૂત કરવા સક્રિય બન્યા છે.  આ વૈશ્વિક વ્યવસ્થામાં સમયની સાથે નવાં સંગઠનો રચાતાં જાય છે.  નવા સમીકરણોને અંકિત કરતાં આવાં સંગઠનોમાં આજકાલ બ્રિક્સ દેશોના સમૂહનું મહત્ત્વ વધી રહ્યંy છે.  બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના સભ્યપદ ધરાવતાં આ સંગઠનનો મુખ્ય હેતુ તો પરસ્પરના વેપારને વધારવાનો રહ્યો છે,  પણ અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિક્સને પોતાની બાદશાહત સામે પડકાર સમાન ગણી રહ્યા છે.  આ સંદર્ભમાં તાજેતરમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સમાન્ય સભા માટે એકઠા થયેલા બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની એક બેઠક યોજીને અમેરિકાએ શરૂ  કરેલા   ટેરિફ  આક્રમણની  સામે  મોરચો  ખોલ્યો છે. 

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે તેમના સંબોધનમાં અમેરિકા કે ટ્રમ્પનું નામ લીધા વગર આડકતરી રીતે ટેરિફ અને વેપારી સંરક્ષણવાદના પડકારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બ્રિક્સ દેશોને વૈશ્વિક વેપારની વ્યવવસ્થામાં આંતરરાષ્ટ્રીય નિયમોના પાલન કરવાનું આહ્વાન કર્યું હતું. હાલે બ્રિક્સનું અધ્યક્ષપદ બ્રાઝિલ પાસે છે અને આવતા વર્ષે ભારત અધ્યક્ષ બનવાનું છે. હાલે અમેરિકાની પ0 ટકા ટેરિફનો સૌથી વધુ ભોગ ભારત અને બ્રાઝિલ બની રહ્યા છે. બ્રાઝિલે તેના માજી રાષ્ટ્રપતિ બોલ્સોનારોને સજા કરી તેનાથી ટ્રમ્પ નારાજ છે, તો ભારત રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરે એવો તેમનો હઠાગ્રહ છે. 

વિશ્વમંચ પર બ્રિક્સનું મહત્ત્વ એટલા માટે છે કે, આ સમૂહના દેશો દુનિયાની કુલ્લ જીડીપીનો 40 ટકા હિસ્સો ધરાવે છે.  વળી દુનિયાની અડધી વસ્તી આ દેશોમાં વસે છે. આમ આ સમૂહે વિકાસના મામલે જી-સાતના શક્તિશાળી જૂથને પાછળ ધકેલી દીધું છે. બ્રિક્સની આ તાકાતને લીધે ટ્રમ્પ તેને પસંદ કરતા નથી.  વળી આગળ  જતાં આ સમૂહ તેમના પરસ્પરના વેપારમાં પોતપોતાના ચલણને ઉપયોગ કરે છે.  આનાથી ડોલરના આધિપત્ય સામે જોખમ ઊભું થઈ રહ્યંy છે.  જો કે, ભારત એવો સ્પષ્ટ મત ધરાવે છે કે, બ્રિક્સ સમૂહ પશ્ચિમના દેશોની સામે નથી અને તેનો ડોલરના વિકલ્પમાં કોઈ નવું ચલણ ઊભું કરવાનો પણ કોઈ ઈરાદો નથી. 

ભારતે યોજેલી બ્રિક્સના વિદેશમંત્રીઓની બેઠકની પાછળનો મુખ્ય ઈરાદો અમેરિકાએ લાદેલા ટેરિફ અને વિઝાના નિયમોને કડક બનાવ્યા હોવાને લીધે ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરવાનો અને બ્રિક્સનો સહયોગ મેળવવાનો હતો.  રશિયાના ક્રૂડ તેલની ભારત દ્વારા ખરીદીના મુદ્દે અમેરિકા નવી દિલ્હી સાથેના વેપાર કરારમાં આગળ વધતું નથી.  હવે ભારતે અમેરિકાના વલણની સામે વળતો મત ઊભો કરવા અને વિકલ્પ શોધવામાં પોતાની સક્રિયતા

બતાવવી શરૂ કરી છે. આ સંદર્ભમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠક ભારે મહત્ત્વની બની રહી હતી. આવનારા દિવસમાં ભારત વેપારી અને રાજદ્વારી મંચો પર પોતાના હિતોનાં જતન માટે વધુ નિર્ણાયક પહેલ કરશે એવી અપેક્ષા દુનિયાના દેશોને છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025