• સોમવાર, 10 નવેમ્બર, 2025

નવા પ્રમુખ : પ્રશ્નો, પડકારો, પરિસ્થિતિ

ગુજરાત પ્રદેશના 14મા પ્રમુખ તરીકે જગદીશ પંચાલે ઉત્તરદાયિત્વ સંભાળતાં કેસરિયા ખેસ અને ભાજપના કાર્યકર્તાને જ પોતાની ઓળખાણ ગણાવ્યાં. એક વાત સ્પષ્ટ છે કે ભાજપમાં આટલી મોટી નિયુક્તિ થઈ છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પુખ્ત વિચારણા, પરિપક્વ દૃષ્ટિકોણ અને દૂરંદેશીનું જ પરિણામ હોય. નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો સમય, તેના માટે વ્યક્તિની પસંદગી સહિતની બાબતો અનેક ગરણે ગળાઈને નીકળી હોય.જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ભાજપના કોઈ પ્રાંત પ્રમુખ કે મુખ્યમંત્રી માટે કોઈ જોખમ નથી પરંતુ જગદીશભાઈએ કેટલીક બાબતો તરફ ધ્યાન તો રાખવું પડશે.

ગુજરાત ભાજપ અત્યારે સુરક્ષિત છે તેના સ્પષ્ટ કારણો છે એક તો નરેન્દ્રભાઈનું અહીં સતત ધ્યાન છે. બીજું કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષ અહીં સક્રિય નથી. તેમના મુદ્દા સાચા હોય તો પણ પ્રજા તેને ગંભીરતાથી નથી લેતી. તૂટેલા રસ્તા, ટ્રાફિક, મોંઘું શિક્ષણ જેવી સમસ્યાઓ હોવા છતાં પ્રજા હજી ભાજપથી નારાજ નથી એટલે આંતરિક વિખવાદ મોટું સ્વરુપ નથી લેતો પરંતુ આ સ્થિતિ જાળવી રાખવી તે પણ અગત્યનું છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વર્તન અને વલણની સૌરાષ્ટ્રના રાજકારણ ઉપર અસર પડી હતી. જો કે મુખ્યમંત્રી તરીકે વિજય રુપાણી રહ્યા નહીં તેમ છતાં તેઓ ચૂંટણી વખતે પક્ષની સાથે રહ્યા.  સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓ પરિસ્થિતિ જોઈને વર્ત્યા તેથી અહીં 2022 અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ધાર્યાં પરિણામ મેળવી શક્યો.  નવા પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી હશે તેવી સતત અટકળો પછી જગદીશભાઈ પ્રમુખ બન્યા છે. હવે તેમના માટે અને ભાજપ માટે સૌરાષ્ટ્ર તથા અન્ય વિસ્તારોનું સંતુલન જાળવવું અગત્યનું રહેશે. હવે સૌરાષ્ટ્ર ભાજપ મંત્રી મંડળના વિસ્તરણ કે ફેરફાર ઉપર ધ્યાન રાખીને બેઠું છે. સૌરાષ્ટ્રે મુખ્યમંત્રી, નાણામંત્રી સહિતના નેતાઓ આપ્યા છે. વિજય રુપાણીના જવાથી સૌરાષ્ટ્રમાં નેતૃત્વનો શૂન્યાવકાશ સર્જાયો છે. વર્તમાન ધારાસભ્યો કે હોદ્દેદારોમાંથી કોઈ મંત્રી બને તો પણ વિજયભાઈ જેવું નેતૃત્વ પાકતાં સમય લાગશે.

એક તરફ કોંગ્રેસ છોડીને આવેલા વરિષ્ટ નેતાઓને આપેલા વચન પાળવાનો પડકાર છે બીજી તરફ ભાજપના જ નેતાઓની સિનીયોરિટીને પણ ધ્યાને રાખવાની છે. નજીકના ભવિષ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી છે. ભાજપની સફળતાના મુખ્યક્ષેત્ર આ શહેરી મતવિસ્તાર છે. આ વખતે ચોમાસાંમાં તૂટેલા રસ્તા, પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત હતા. ચૂંટણીમાં જો કે તે રોષ બરકરાર રહેશે કે નહીં તેની ધારણા કરી શકાય નહીં પરંતુ ભાજપે આ તરફ ધ્યાન તો આપવું જ રહ્યું.

પ્રજામાં ભાજપ પ્રત્યે કોઈ મોટો કે ખુલ્લો વિરોધ નથી. પરંતુ કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવેલા લોકો સામે વિરોધ તો છે જ. આ વિરોધ વકરે નહીં તે જગદીશભાઈએ જોવું પડશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025