• સોમવાર, 10 નવેમ્બર, 2025

બિહારમાં રણશિંગું

આખરે બિહાર વિધાનસભાની ચૂંટણીની રાજકીય શતરંજની બાજી ગોઠવાઈ ગઈ છે. છઠ્ઠી અને અગિયારમી નવેમ્બર એમ બે તબક્કામાં યોજાનાર મતદાનની ગણતરી 14મીના યોજાવાની છે. આમ આગામી દિવસોમાં આ સંવેદનશીલ રાજ્યમાં રાજકીય દાવપેચ ચરમસીમાએ પહોંચી જશે. એક તરફ એનડીએના ચહેરા અને હાલના મુખ્યમંત્રી નીતિશકુમારના સુશાસનની છબીની સામે વિપક્ષ પડકાર ઊભો કરવા મથી રહ્યો છે, તો બીજી તરફ મતદારયાદીની ખાસ સમીક્ષા અને રાજકીય ગુરુ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીના રાજ્યમાં પ્રવેશના સમીકરણો કેવી અસર ઊભી કરશે એ પરિણામો પરથી સ્પષ્ટ થઈ શકશે.

સમાન્ય રીતે બિહારના નક્સલવાદગ્રસ્ત વિસ્તારોની સલામતી જરૂરતોને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચ બેથી વધુ તબક્કામાં મતદાનનું સમયપત્રક જાહેર કરતું રહ્યંy છે. એક તરફ નક્સલવાદમાં ઓટ આવી છે અને બીજું, રાજકીય પક્ષોની ઈચ્છા એવી હતી કે, વિધાનસભાની ચૂંટણીઓને લાંબી ખેંચવામાં આવે નહીં. પંચે તેમની ઈચ્છાને માન આપ્યું છે. તેમ છતાં રાજ્યની રાજકીય સંવેદનશીલતાને જોતાં મતદાન સુધી ઘણા બધા રાજકીય સમીકરણો ઉપર નીચે થઈ શકે તેની પૂરી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે, આ વખતે રાજ્યમાં ચૂંટણીપંચે મતદારયાદીની ખાસ ઘનિષ્ઠ ચકાસણી હાથ ધરી હતી. ઉતાવળે કરાયેલી આ કાર્યવાહીની સામે વિરોધપક્ષોએ ભારે ઉહાપોહ સાથે વાંધો ઉઠાવીને રાજકીય વિવાદ સર્જ્યો હતો.  અદાલતી દખલગીરી બાદ વિવાદ શાંત થયો હતો, પણ તે દરમ્યાન ચૂંટણીપંચને વારંવાર સ્પષ્ટતા કરવી પડી હતી. નવી સુધારેલી મતદારયાદીનો પરિણામ પર કેવો પ્રભાવ રહેશે, એ તો આવનારાં પરિણામોમાં સ્પષ્ટ થઈ જશે. અત્યાર સુધી વિવિધ ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના માર્ગદર્શક રહેલા પ્રશાંત કિશોરે તેમના જન સુરાજ પક્ષની સાથે બિહારનાં રાજકીય ચિત્રમાં ઝપલાવ્યું છે. તેઓ ભ્રષ્ટાચાર અને હિજરતને મુદ્દા બનાવીને પદયાત્રા કરી ચૂક્યા છે. આજકાલ ટીવી પર મુલાકાતો આપીને તેઓ પોતાના રાજકીય મહત્ત્વને પ્રસ્થાપિત કરવા મથી રહ્યા છે, પણ તેઓ ત્રીજા વિકલ્પ તરીકે કઈ છાવણીના મત તોડશે તેની અટકળો રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે. બાકી મુખ્ય જંગ તો સત્તાધારી એનડીએ અને વિપક્ષના મહાગઠબંધન વચ્ચે રહેશે એ વાત હાલતો નક્કી મનાઈ રહી છે.

આ બધા વચ્ચે બિહારનો ચહેરો બની રહેલા મુખ્યમંત્રી નીતિશકુમારના સુશાસનની કસોટી પણ આ વખતે છે. મે-2014થી ફેબ્રુઆરી-201પ વચ્ચેના સમયગાળાને બાદ કરતાં છેક 200પથી મુખ્યમંત્રીપદ જાળવી રહેલા નીતિશે આ સમયગાળા દરમ્યાન સંખ્યાબંધ વખત સાથીદારો અને જોડાણ બદલીને નવ વખત તો શપથ લીધા હતા. હવે તેઓ 10મી વખતે શપથ લેશે કે કેમ એ 14નાં પરિણામો પરથી સ્પષ્ટ બની શકશે.  આ વખતે રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગુનાખોરી વધવાનો મુદ્દો મતદારોને પ્રભાવિત કરી શકે છે, તો નીતિશકુમારના વડપણ હેઠળ  સત્તાધારી એનડીએ દ્વારા વિકાસ અને સુશાસનની સાથોસાથ મહિલાઓ, દિવ્યાંગો અને વૃદ્ધો માટે ખાસ યોજનાઓની મોટાપાયે જાહેરાતો પણ કરાઈ છે. આવનારા દિવસોમાં આ મુદ્દાની સાથોસાથ બિહારમાં ચાવીરૂપ જાતિવાદી સમીકરણો પણ પડદા પાછળ પોતાનો ખેલ કરશે એ વાત પણ નક્કી મનાઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025