• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

દુર્ઘટનાની શક્યતા નિવારી શકાય

આંધ્ર પ્રદેશના શ્રીકાલુલમ જિલ્લાના વ્યંક્ટેશ્વર સ્વામીમંદિરમાં અગિયારસના દિવસે થયેલી ભાગદોડની ઘટના એ વાતની કરુણ સાક્ષી પૂરે છે કે આપણે ભૂતકાળમાંથી કશું શીખતા નથી. ન તો પ્રશાસન કંઈ સમજે છે કે ન તો પ્રજા. દસ વ્યક્તિના આમ થોડી જ ક્ષણોમાં મૃત્યુ. એ વાત પણ પુન: પુન: કહેવી પડે કે મૃત્યુ નિવારી શકાતું નથી પરંતુ અપમૃત્યુથી કદાચ બચી શકાય. ભાગદોડની ઘટનાથી મૃત્યુના બનાવ આ વર્ષમાં જ અને છેલ્લા કેટલાક અરસામાં જ ઘણા બન્યા. ક્યાંક ક્રિકેટ પાછળની ઘેલછા, ક્યાંક ફિલ્મસ્ટારમાંથી પ્રજાના નેતા બનેલા વ્યક્તિને જોવાનો ઉત્સાહ. ધાર્મિક સ્થળોની દીવાલો તો આવી ઘટનાની ગવાહી વર્ષોથી પૂરતી આવી છે.

કોઈ દુર્ઘટના, અકસ્માત થઈ ગયા પછી તેનું પૃથક્કરણ કરવું, તેના વિશે ટેલિવિઝનના સ્ટુડિયોમાંથી ચર્ચા કરવી કે ઘટના સ્થળેથી જીવંત રિપોર્ટીંગ કરવું કે પછી તંત્રવાહક તરીકે સ્થિતિ નિયંત્રણમાં છે તેમ કહેવું તે અલગ છે અને દુર્ઘટના કેમ ન બને? તેની વિચારણા થઈ શકે. ધર્મસ્થળે તિથિવિશેષ હોય ત્યારે ભક્તો-ભાવિકોની ભીડ સદા રહે છે. તેને ભલે નિયંત્રિત ન કરી શકાય કારણ કે ભક્તિ કે શ્રદ્ધા નિયંત્રણથી ઉપર છે. આ સ્થિતિમાં તેનું નિયમન કરી શકાય. લઘુ તિરુપતિ કહેવાતા  વ્યંક્ટેશ્વર સ્વામી મંદિરમાં આ અંધાધૂંધી એટલે ફેલાઈ કે મંદિરમાં આવવા-જવાનો એક જ માર્ગ હતો.  ‘ભીડ’ ભાંગવા આવેલા ભક્તોની ‘ભીડ’ વધી. પગથિયાં ઉપરની રાલિંગ તૂટી અને લોકો એક-બીજા ઉપર પડયા. થવાનું હતું તે થયું અને જે દર વખતે થાય છે તે સંવેદનાની અભિવ્યક્તિ, શોક સંદેશા, રાહતની જાહેરાત બધું શરૂ થયું. પરંતુ આગોતરું શું, મોબ મેનેજમેન્ટ- ભીડ પ્રબંધન માટે કંઈ થયું નહીં. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના છે તેવી જાણ હોય ત્યાં અગાઉથી વ્યવસ્થા થવી જોઈએ. પ્રશાસન સાથે આવા ધાર્મિક સ્થળોના સંચાલકોએ પણ સંકલન સાધવું જરૂરી છે. આંધ્ર પ્રદેશમાં આ વર્ષે મંદિરોમાં ભાગદોડની આવી ઘટના બન્યા પછી પણ તંત્રે ધડો લીધો નહીં. ભલે કોઈ ધાર્મિક સ્થળનું સંચાલન પ્રાઈવેટ ટ્રસ્ટ કે સંસ્થા કરતાં હોય, તંત્ર જવાબદારીમાંથી છટકી શકે નહીં. પોલીસ કે વ્યવસ્થા હોવા છતાં આવી દુર્ઘટનાઓ બની છે.

આ કરુણાંતિકાની સ્થિતિ વચ્ચે જૂનાગઢના સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકારે ગિરનારની પરિક્રમા સંદર્ભે યોગ્ય નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રને કમોસમી વરસાદે મુશ્કેલીમાં મૂક્યું. દર વર્ષે કારતક સુદ અગિયારસથી યોજાતી ગિરનારની પરિક્રમાનો 36 કિલોમીટરનો રુટ પાણી, કાદવવાળો થઈ ગયો છે. અંદર માણસ ફસાઈ શકે અને તેમાં પણ વરસાદ આવે તો તો સ્થિતિ વધારે ખરાબ થાય. જિલ્લા કલેક્ટરે સતત સ્થિતિ ઉપર નજર રાખી. સ્થાનિક ધારાસભ્ય, વિવિધ અખાડાના સાધુ-સંતોએ સ્થળની મુલાકાત લીધી, થોડું તેઓ તે માર્ગ ઉપર ચાલ્યા. નિર્ણય થયો કે આ વખતે પરિક્રમા નહીં થાય. આ સુચારુ અને પ્રજાલક્ષી નિર્ણય છે. કોરોના સમયે પણ પરિક્રમા અને શિવરાત્રિનો મેળો બંધ રખાયો હતો. શ્રદ્ધા, શ્રદ્ધા છે પરંતુ સ્થિતિ પણ જોવી પડે. પ્રશાસને આ નિર્ણય લીધો તો ભવનાથ પહોંચેલા યાત્રીઓ પરિક્રમાને બદલી ગિરનાર આરોહણ કરવા પહોંચી ગયા. થોડો સમય તંત્રવાહકોના શ્વાસ અદ્ધર થયા કારણ કે ગિરનારની સીડી ઉપર ભીડ વધારે સંખ્યામાં ન થવી જોઈએ. જો કે જેટલા લોકો ચાલી શકે તેટલા ચડી ન શકે તેથી બહુ વાંધો આવ્યો નથી. તંત્ર અને લોકો તથા સંબંધિત સંપ્રદાય કે સંઘ જે હોય તે સમજીને-મળીને કામ કરે તો દુર્ઘટનાની શક્યતા ઓછી કરી શકાય તેનું ઉદાહરણ આ જૂનાગઢની પરિક્રમા છે અને અગાઉ બન્યું હતું તે પછી પણ તેમાંથી કંઈ ન શીખવું તેનું દૃષ્ટાંત આ આંધ્ર પ્રદેશની ઘટના છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક