• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

બચતોત્સવ સરકારને ફળ્યો

જી.એસ.ટી.ના દર માળખાંમાં ધરખમ સુધારા-ઘટાડા બાદ સરકારને ઘણી આવક થઈ છે. નવા દરનો જ્યારે અમલ શરૂ થયો ત્યારે સરકારે તેને બચતોત્સવ નામ આપ્યું હતું. ખરીદનારની બચત તો તેની ખરીદીની માત્રા, સંબંધિત વસ્તુની કિંમત ઉપર આધારિત છે. એક તો ભાવમાં થયેલો ઘટાડો અને વળી દિવાળી અગાઉના દિવસોને લીધે બજારમાં સારા પ્રમાણમાં ખરીદારી થઈ, જેને લીધે ઓક્ટોબર માસમાં જનરલ એન્ડ ગુડ્સ ટેક્સની કુલ આવક રૂ. 1.96 લાખ કરોડ થઈ. જીએસટીની નોંધણીની જટિલતા દૂર થઈ છે તે પણ અગત્યનું છે. દિવાળી દરમિયાન થયેલા પ્રવાસ તથા શાપિંગની અસર તિજોરી ઉપર પડી છે.

અમેરિકાએ મિત્રતાની વાતો કરતાં કરતાં જે આકરા ટેરિફ ભારત ઉપર અમલી બનાવ્યા તે પછી અર્થતંત્રનું શું થશે તેવા પ્રશ્નો દેશના સામાજિક-રાજકીય-આર્થિક હવામાનમાં હતા. પંદરમી ઓગસ્ટે ધ્વજ ફરકાવીને લાલ કિલ્લાની રાંગ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકેત આપ્યો હતો કે દિવાળી પહેલાં જીએસટીના દરમાં આમૂલ પરિવર્તન આવશે. પ્રથમ નોરતાંથી તેનો અમલ પણ થયો અને ગૃહઉપયોગની વસ્તુથી લઈને મોટરકાર-સ્કુટર સહિતની વસ્તુઓ, વિવિધ ઉપકરણ સસ્તાં પણ થયા. રાજ્ય સરકારે તેને બચતોત્સવ નામ આપ્યું હતું. પ્રજાએ તો પોતાની ક્ષમતા અને જરૂરત અનુસાર જે કંઈ ખરીદ્યું હોય તે પરંતુ તેનો આ બચતોત્સવ સરકારનો આવકોત્સવ થયો. ઓક્ટોબર 2025ના અંતે જીએસટીની આવક રૂ. 1.96 લાખ કરોડ રૂપિયા થઈ. આ આંકડો ઓક્ટોબર 2024માં 1.86 લાખ કરોડ હતો. આ વર્ષની આવક 4.6 ટકા વધારે છે. આ ટેક્સ તેની શરુઆતથી સતત ચર્ચાનો વિષય રહ્યો. 2017માં જ્યારે તેનો અમલ થયો ત્યારે પણ તેની આલોચના થઈ હતી. હવે જ્યારે તેમાં સુધારા થયા ત્યારે વિપક્ષોએ કહ્યું કે તો પછી શા માટે આઠ વર્ષ આ કર્યું. રાહુલ ગાંધીએ તેને ગબ્બરાસિંઘ ટેક્સ ગણાવ્યો હતો પરંતુ કોઈ પણ ટેક્સની આવકથી આખરે ફાયદો તો પ્રજાની તિજોરીને જ થતો હોય છે. 2025માં આ કરમાળખાંમાં ફેરફાર થયા ત્યારે સોશિયલ મીડિયા ઉપર ટીકા થઈ કે પહેલાં અમલના ફાયદા ગણાવ્યા, હવે ફેરફારના ફાયદા ગણાવાઈ રહ્યા છે. જો કે જીએસટી દરમાં ઘટાડો થયો તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ રિફોર્મ્સનો અર્થ એ જ છે કે સમયને અનુરુપ તેમાં પરિવર્તન પણ આવી શકે. જરૂર હતી ત્યારે જીએસટીનો અમલ થયો, જરૂર છે ત્યારે બદલાવ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે જીએસટીના માળખાંમાં ફેરફાર કરવાનો હેતુ સ્થાનિક વેપારીઓને રાહત મળે, ટેરિફની વિપરિત અસર ન થાય તે હતો. સ્વદેશી અપનાવવાના નારા સાથે, આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આ પરિવર્તનનો અમલ થયો છે. આરંભે જ સારાં પરિણામ દેખાઈ રહ્યાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક