• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

સાયબર છેતરાપિંડી

સાયબર છેતરાપિંડીમાં છેલ્લાં થોડાં વર્ષોમાં જોરદાર ઉછાળો થયો છે, એમાંય હાલમાં જ ડિજિટલ એરેસ્ટમાં તો એક જ કિસ્સામાં રૂા. 58 કરોડની સૌથી મોટી છેતરાપિંડી થયાનું સામે આવ્યું છે. એક અહેવાલ મુજબ, કોરોના કાળથી અત્યાર સુધીમાં એકલા મુંબઈ શહેરના લોકોએ જ રૂા. બે હજાર કરોડથી વધુની રકમ ઓનલાઈન ફ્રોડને કારણે ગુમાવી છે. દેશની આર્થિક રાજધાની અને શિક્ષિતોની સંખ્યા જ્યાં ખાસ્સી ઊંચી છે, એવા મુંબઈ શહેરમાં જો આ પરિસ્થિતિ હોય તો નાનાં શહેરો કે કસબાઓમાં તો કેવી હાલત હશે, એનો માત્ર અંદાજ જ લગાડવો રહ્યો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, પોલીસ તથા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓનલાઈન ફ્રોડ, સાયબર છેતરાપિંડી અને ડિજિટલ એરેસ્ટ વિશે જાગરૂકતા માટે સતત પ્રયત્નશીલ છે છતાં આ સ્થિતિ છે. નિષ્ણાતોનું માનવું છે કે, સમસ્યા ટેક્નોલોજી કે માનવીય વર્તણૂક ઉપરાંત નબળી બેન્કિંગ સિસ્ટમની પણ છે. તેઓ ઉમેરે છે કે, બૅન્કો ધારે તો કેટલીક મૂળભૂત ચકાસણીઓ દ્વારા આવી છેતરાપિંડીને ઉઘાડી પાડી શકે છે, પણ આ બાબતમાં તેમનું ઉદાસીન વલણ ચિંતા વધારનારું છે. હાલનાં વર્ષોમાં મુંબઈમાં સાયબર છેતરાપિંડીએ મુંબઈમાં માઝા મૂકી છે. કોરોના કાળમાં વર્ષે દહાડે મુંબઈમાં લોકોએ રૂા. 81.7 કરોડ ઓનલાઈન છેતરાપિંડીમાં ગુમાવ્યા હતા. 2024માં આ આંકડો રૂા. 888.3 કરોડ પર પહોંચ્યો હતો અને ચાલુ વર્ષના જુલાઈ સુધીમાં આ જુમલો રૂા. 530 કરોડને વટાવી ગયો હતો. આ સમયગાળા દરમિયાન માંડ રૂા. 82 કરોડ જેટલી રકમ જ પાછી મળી શકી છે. વારંવારની ચેતવણી છતાં લોકોની બેદરકારી સાથે જાગરૂકતાનો અભાવ છેતરાપિંડીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં આ સ્થિતિ બહુ સારી હોય એવું નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી સાયબર છેતરપિંડીના તાર સુરત સાથે જોડાયા હતા. દેશના વિવિધ રાજ્યોમાં થયેલી રૂા.43.60 કરોડની ઠગાઈના કેસનો પર્દાફાશ સૌરાષ્ટ્રના બોટાદમાંથી થયો છે. આર્થિક ગોટાળા મોટા શહેરમાં જ થાય એવું હવે નથી. ટેક્નોલોજીને લીધે મધ્યમ કક્ષાના નગરો-શહેરોમાં પણ હવે છેતરપિંડી થાય છે.

સાયબર ક્રાઈમના ઉકેલ માટે પોલીસ સતત પ્રજાને જાગૃત કરે છે. આપણે મોબાઈલ ફોનના ઉપયોગમાં ઘણા આગળ વધી ગયા પરંતુ જેને ‘િડજીટલ લીટરસી’ એટલે કે આવા સાધનોના ઉપયોગનું જ્ઞાન કે તેની વિવેક બુદ્ધિ હોવી જોઈએ તેનું પ્રમાણ ઓછું છે. આધાર કાર્ડનો નંબર, ઓ.ટી.પી. કોઈને આપી ન દેવા, કોઈ લીંક ઉપર ક્લીક ન કરવું આવું બધું જોવાની, અમલ કરવાની આપણને દરકાર ઓછી છે. સાયબર ક્રાઈમ અટકાવવામાં લોક જાગૃતિ સૌથી મોટી બાબત છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક