• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

નવા વિષાણુના પડકાર સામે સાવચેતી જ કવચ

કોરોનાનાં સંક્રમણના સતત ઝળુંબતા ઓછાયા વચ્ચે આ વખતે ઋતુજન્ય રોગોનાં વધેલાં જોખમે લોકોમાં અને તબીબી જગતમાં ફડકો જગાવ્યો છે. સામાન્ય રીતે મોસમની તાસીર બદલાય ત્યારે તેની અસર તળે અમુક સામાન્ય બીમારીઓ દેખા દેતી હોય છે, પણ આ વખતની આ મોસમી બીમારીનું સ્વરૂપ ગંભીર હોવાનું સામે આવી રહ્યંy છે. દેશમાં ગુજરાત, કર્ણાટક અને પૂના સહિત કુલ મોતનો આંકડો સાતને આંબી ગયો છે, 1લી માર્ચે કર્ણાટકમાં પહેલું મોત થયું હતું, તો ગુજરાતમાં વડોદરાનાં 58 વર્ષીય મહિલાએ દમ તોડયો હતો. અલબત્ત, સત્તાવાર આંકડો હજી ત્રણ મોતનો જણાવાય છે, આ વખતે નવા પ્રકારના વાયરસની અસર તળે ખાંસી, તાવ, ગળાંમાં સોજા જેવી  તકલીફોમાં ઇન્ફ્લુએન્ઝાની ચેપી બીમારી લોકોને કનડી રહી છે.  રાહતની વાત એ છે કે, આ સંક્રમણ કોરોના જેવું જોખમી નથી, પણ તેની અસર લાંબા સમય સુધી બની રહેશે. તેમ છતાં દેશનું આરોગ્ય મંત્રાલય આ બાબતે સતર્ક છે અને કોરોનાની જેમ જ ગાઇડલાઇન બહાર પાડી છે, હોસ્પિટલોને સારવાર માટે સતર્ક રહેવા કહી દેવાયું છે. ઠંડીની મોસમમાં અચાનક ભારે ગરમી આવી પડતાં આ નવતર  વિષાણુઓ ઉદ્ભવ્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યંy છે. હવે આ વિષાણુ ઝડપભેર પ્રસરી રહ્યા છે. પરિણામે હોસ્પિટલોમાં દર્દીઓની કતાર લાગવા માંડી છે. અમુક હોસ્પિટલોને તો આ નવતર  વિષાણુઓનાં  સંક્રમણ સામે ખાસ વોર્ડ પણ ખડા કરવા  પડયા છે.  એવાં પ્રાથમિક તારણ પણ સામે આવ્યાં છે કે, આ નવતર વિષાણુની અસર તળે કોરોનાના કેસ પણ ઝડપભેર ફરી વધવા લાગ્યા છે. સ્વાભાવિક છે કે, આરોગ્ય વિભાગ અને તબીબો લોકોને વધુ સાવચેત રહેવા અપીલ કરી રહ્યા છે. જોકે, આ સંક્રમણનાં વધી રહેલાં જોખમ વચ્ચે ભારત માટે એક રાહતજનક બાબત એ છે કે, દેશમાં મોટાભાગની વસ્તીએ કોરોના સામેની રસી લઇ ચૂક્યા છે. આમ, દેશમાં વ્યાપક રીતે રોગપ્રતિકારક શક્તિ ઊભી થઇ ચૂકી છે, પણ કોઇ પણ વિષાણુ તેની અસર વધારતા હોય ત્યારે આદર્શ સ્થિતિ એ ગણી શકાય કે, આરોગ્ય અંગેની સાવચેતી જાળવવા પર ખાસ ધ્યાન અપાવું જોઇએ. આવા વિષાણુ ઝડપથી ફેલાય છે, એટલી જ ઝડપથી તેનાં સ્વરૂપ બદલતા રહેતા હોય છે. આ વખતે સામાન્ય જણાતી ખાંસી, તાવ કે ગળાંમાં સોજાની બીમારીની સાથે ઇન્ફ્લુએન્ઝાના વિષાણુ જોડાયા હોવાને લીધી સ્થિતિ જોખમી અને ચિંતાજનક બની છે. આવામાં ફરી એક વખત વ્યક્તિગત અને વ્યાપક સફાઇની, ભીડથી અળગા રહેવાની અને માસ્ક પહેરવા જેવી સાવચેતી અનિવાર્ય ગણાવાઇ રહી છે.  દેશના નિષ્ણાત તબીબો લોકોને કોરોના જેવી જ સાવચેતી જાળવવા આગ્રહ કરી રહ્યા છે. કોરોનાએ દેશ અને દુનિયાને શીખવ્યું છે કે, વાયરસ સાવચેતીના અભાવમાં વધુ જોખમી બની જાય છે. એટલે કોરોનાના સમયમાં શીખેલા સાવચેતીના પાઠનો ફરીવાર અમલ કરવા માટે દેશના લોકોએ કમર કસવી અનિવાર્ય જણાઇ રહી છે. ઇન્ફ્લુએન્ઝા વાયરસ ઘાતક નથી, પણ સંક્રમણની પૂરી શક્તિ ધરાવે છે. આમ, તેનાથી ભયભીત થયા વગર શારીરિક સ્વચ્છતાની જાળવણીની સાથોસાથ ખોરાક સંબંધી સાવચેતી દ્વારા તેનાં સંક્રમણનાં જોખમને પરાસ્ત કરી શકાય તેમ છે. પર્યાવરણની સામે વધી રહેલાં જોખમોને લીધે મોસમ સંબંધી પડકારો સતત વધી રહ્યા છે. આવામાં મોસમના ફેરફાર સાથે સંકળાયેલી સામાન્ય બીમારીઓ હવે અસામાન્ય સ્વરૂપ ધારણ કરી રહી છે. વધી રહેલાં જોખમની સામે સાવચેતી જ એકમાત્ર કવચ જણાય છે.