• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

જન્માષ્ટમીમાં મુશળધાર વરસેલા મેઘરાજાને લીધે ખાનાખરાબી રાજકોટના 35 કિ.મી. રસ્તાઓનું

ધોવાણ : 988 ખાડા પડયાં !

કરોડોનું નુકસાન થયાનો અંદાજ જો કે, મ્યુનિ.તંત્રએ આંકડો જાહેર ન કર્યો : સરકારમાંથી મળનારી ગ્રાન્ટ થકી રિપેરિંગ હાથ ધરાશે

રાજકોટ, તા.3 : રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારો આસપાસ પાંચ દિવસમાં મુશળાધાર પડેલા 30 ઈંચથી વધુ વરસાદે મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ તો ખોલી નાખી હતી પરંતુ રોડ-રસ્તાના કામોમાં થતાં ભ્રષ્ટાચારને પણ ઉજાગર કર્યો હોય તેમ આ વરસાદમાં અંદાજે 35 કિ.મીના રસ્તાઓને નુકસાન તેમજ 988 આસપાસ મસમોટા ખાડા પડી ગયા હોવાનો રિપોર્ટ તંત્ર સરકારમાં પણ મોકલી દેવામાં આવ્યો છે અલબત આ ખાનાખરાબીમાં કેટલા કરોડનું નુકસાન થયું છે તે અંગેનો ફોડ હજુ સુધી મ્યુનિ.તંત્ર બહાર પાડવામાં આવ્યો નથી.  વરસાદને લીધે હાલ શહેરના મોટાભાગના માર્ગો ઉપર ખાડાઓ પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આ રસ્તાઓ શહેરીજનોની કમર તો ભાંગી રહ્યાં છે સાથોસાથ અવારનવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જી રહ્યાં છે. અમૂક સોસાયટીમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિક રહેવાસીઓ હાલાકી વેઠી રહ્યાં છે. વરસાદે વિરામ લેતા મુખ્યમાર્ગોને થયેલા નુકસાનનો મનપાએ સર્વે કર્યો હતો જેમાં 35 કિ.મી.ના રસ્તાઓ તૂટી ગયા હોવાનું અને તેમાં 988 આસપાસ ખાડા પડયા હોવાનું બહાર આવતાં આ અંગેનો રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવ્યો છે.

અલબત કોર્પોરેશનના ઈજનેરોના જણાવ્યાનુસાર 35 કિ.મીના રસ્તાઓમાં શહેરના વિવિધ વોર્ડના ચાલતા ડીઆઈપાઈપ લાઈનના ખોદકામને પણ આવરી લેવામાં આવ્યું છે. શહેરની જમીન ‘સ્ટેટા’ (ખડકાળ) હોવાથી અમદાવાદ જેવા શહેરોમાં પડતા મસમોટા ભૂવા પણ પડયાં નથી અને વધુમાં વધુ ડામરરોડનું 3થી 6 ઈંચનું લેયર ખરાબ થયું છે. જો કે, વરસાદને લીધે થયેલા રસ્તાઓનું ધોવાણ અને ખાડાઓના કારણે તંત્રની તિજોરીને કેટલા કરોડનું નુકસાન થયું છે ? તે અંગેનો સર્વે હજુ સુધી મ્યુનિ.તંત્ર કરી શક્યું નથી. સર્વેના આધારે ખર્ચ નક્કી થયા બાદ સરકારમાંથી ગ્રાન્ટ મંજૂર થશે અને સંભવત: નવરાત્રિ આસપાસ નવા ડામર રોડ સહિતનું કામ શરૂ કરાશે તેવું સુત્રો જણાવી રહ્યાં છે. એક અંદાજ મુજબ આ ખાનાખરાબીના કારણે મનપાની તિજોરીને કરોડોનું નુકસાન ગયું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક