ભાવનગર, તા.29 : શહેરના લોખંડ
બજાર વિસ્તારમાં આવેલી પ્લાયવૂડની દુકાનમાં અચાનક આગ લાગી હતી. ભીષણ આગ લાગતા દુકાનમાં
રહેલો સામાન બળીને ખાક થઈ ગયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી 25,000 લીટર પાણીનો
મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આજે સવારે શહેરના લોખંડ બજાર
સ્વામીનારાયણ મંદિર લાતી બજાર પાસે આવેલી ઠક્કર ટ્રેડર્સ નામની દુકાનમાં એકાએક આગ લાગી
હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે લોકોનાં ટોળાં ઉમટી
પડયા હતા. આ અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો અને આગ પર
કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે નાની-મોટી ચાર
જેટલી ગાડીઓથી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં પ્લાયવૂડનો બધો સામાન
બળીને ખાક થઈ ગયો હતો.