પોરબંદરમાં મુખ્યમંત્રીને આવકારવા
માટે રંગરોગાન સહિતની કામગીરી હાથ ધરાઈ : કાર્યક્રમના આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને
યોજાઇ બેઠક
પોરબંદર, તા.30 : રાષ્ટ્રપિતા
મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે બીજી ઓક્ટોબરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ
સાથે આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
પોરબંદરમાં જન્મ લઇને સત્ય અને
આહિંસાના હથિયાર વડે સમગ્ર વિશ્વને રાહ ચીંધનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી
આવી રહી છે ત્યારે બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે રાજનેતાઓ પોરબંદરમાં અચૂકપણે
બીજી ઓક્ટોબરે હાજર હોય છે. મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલ પણ બાપુની સ્મૃતિમાં યોજાનારી
સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપવા આવવાના છે. તેથી કીર્તિ મંદિરમાં કલરકામની કામગીરી
શરૂ કરવામાં આવી છે. સાથે પ્રાર્થના સભાના સુવ્યવસ્થિત આયોજન માટે કીર્તિ મંદિર સંચાલન
સમિતિ દ્વારા ડોમ બનાવવા અને અન્ય માળખાકીય સુવિધાઓ ઉભી કરવાની કામગીરી ધમધમી રહી છે.
આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલના તા.2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિનની ઉજવણી પ્રસંગેનાં પ્રવાસ કાર્યક્રમનાં
આયોજન અંતર્ગત જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પોરબંદર
ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે મુખ્યમંત્રીનાં કાર્યક્રમ અનુસંધાને વિવિધ વ્યવસ્થાઓ
તેમજ કાર્યક્રમના સુચારૂ આયોજન અંતર્ગત સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા
હતા.અધિક નિવાસી કલેકટર આર. એમ. રાયજાદાએ મુખ્યમંત્રીના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત માહિતી
આપી હતી.