• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

રૂ.7.91 કરોડના ખર્ચે ચાર કિ.મી.ની કેબલ લાઈન નખાઈ ગિરનાર પર નવરાત્રીના આરંભે અંધારા ઉલેચાશે

જૂનાગઢ, તા. 30 : ગિરનાર પર્વત ઉપર કાયમી અંધારા ઉલેચવા માટે રૂ.7 કરોડ 91 લાખના ખર્ચે ચાર કિ.મી. વીજકેબલ પાથરવામાં આવ્યો છે. આ 11 કે.વી. વીજલાઈનનું આગામી તા.3ના નવરાત્રીના આરંભે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાશે.

ગિરનાર પર્વતોના પિતામહ છે. અહીંયા 33 કોટિ દેવતાઓનો વાસ છે. તેમાં રોપવેની સુવિધા શરૂ થતા દર વર્ષે ર0 લાખથી વધુ પ્રવાસીઓ, યાત્રાળુઓ આવે છે પણ પર્વત ઉપર પુરાણી પોલવાળી વીજલાઈન હોવાથી વારંવાર ફોલ્ટ થતા ગિરનાર ઉપર અંધારાની કાયમી ફરિયાદ હતી.

આ સમસ્યા ઉકેલવા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ સરકારમાં રજૂઆત કરતા રાજ્યના મુખ્યમંત્રીએ આ યોજનાનો સ્વીકાર કરી રૂ.7 કરોડ 91 લાખ મંજૂર કરાયા હતા. ત્યાર બાદ જૂનાગઢ પી.જી.વી.સી.એલ. દ્વારા ગિરનાર ઉપર 11 કે.વી. વીજકેબલ પાથરવાની કામગીરી હાથ ધરી હતી.

આ વીજલાઈન નાખવાનું કામ સંપન્ન થયા બાદ રાજ્યના પુરાતત્ત્વ વિભાગ તથા વન વિભાગની એન.ઓ.સી. મેળવવા તજવીજ હાથ ધરી હતી અને નવરાત્રી પહેલા એન.ઓ.સી. મળવાની આશા ફળીભૂત થઈ છે. બન્ને વિભાગોની એન.ઓ.સી.મળી જતા હવે નવરાત્રીના પ્રારંભે 11 કે.વી. વીજલાઈનનું લોકાર્પણ કરાશે.

ભવનાથમાં ભારતી આશ્રમ પાસે હોટલમાં તા.3ના લોકાર્પણ

કાર્યક્રમ યોજાનાર છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ 11 કે.વી. વીજલાઈનનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે જૂનાગઢ અને ગીર સોમનાથ જિ.પં.ના પ્રમુખો તથા સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઉપરાંત ધારાસભ્યો સંજયભાઈ કોરડિયા, ભગાભાઈ બારડ ઉપસ્થિત રહેશે.

નવરાત્રીના પ્રારંભે ગિરનાર પર્વત ઉપર 11 કે.વી.વીજકેબલ લાઈન શરૂ થતા, ગિરનાર પર્વત ઉપર કાયમી અંધારા ઉલેચાશે. આ કાર્યક્રમ અંગે અધિક્ષક ઈજનેર શરદભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ વીજ અધિકારીઓ, કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક