લખતર, તા.1: સુરેન્દ્રનગર જિલ્લામાં
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છેલ્લા થોડા સમયથી કથળી રહી હોય તેવો અહેસાસ જિલ્લાના
લોકો કરી રહ્યા છે. હમણાં હમણાં જિલ્લામાં ફાયરીંગ, મર્ડર, મારામારી જેવી ઘટનાઓ નિયમિત
રીતે બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના લખતર તાલુકાના ઢાંકી ગામેથી સામે આવી છે. જ્યાં
બે ઈસમ બોલાચાલી બાદ ફાયરીંગ થતા શેરીમાં રમતા નાના માસુમનું મૃત્યુ નીપજ્યું છે. બનાવની
જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે અને લખતર દવાખાને દોડી ગયો હતો.
આ અંગે મળતી વિગત અનુસાર ઢાંકી
ગામે ઈંગરોડી જવાના માર્ગે આવેલી પ્રાથમિક શાળા નજીક ચોકમાં મોડી રાત્રે બે ઈસમ ચાલી
નથુ ડફેર અને બાબુ નારાણ ઓળકીયા વચ્ચે જૂના મનદુ:ખ બાબતે બોલાચાલી થઈ હતી. આ સમયે ત્યાં
નાના બાળકો પણ રમી રહ્યા હતા. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અલી નથુ ડફેરે 3 રાઉન્ડ
ફાયરીંગ કર્યું હતું. શેરીમાં રમતા બાળક નિકુંજ સંજયભાઈ ડુંગરાણીને છાતીમાં ગોળી વાગતા
મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાબુને ઈજા પહોંચતા લખતર સરકારી દવાખાને પ્રાથમિક સારવાર
આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા જ ઢાંકી
સરપંચ પ્રભુભાઈ મકવાણા લખતર દોડી આવ્યા હતા. ડીવાયએસપી આર.બી.જાડેજા, પીએસઆઈ જે.જે.જાડેજા,
લખતર પીઆઈ યોગેશ પટેલ સહિતની ટીમો લખતર દવાખાને અને ઢાંકી ગામે ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયરીંગ કરનાર આરોપી અલી નથુ ડફેર ગુજસીટોકના ગુનામાં પેરોલ જંપ ઉપર છે.