• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

જાફરાબાદનાં ખાલસા કંથારિયા ગામે સિંહણે બાળકીને ફાડી ખાધી

માતા સાથે રહેલી બાળકીને ખેંચી સિંહણ ખેતરમાં લઈ ગઈ

અમરેલી, તા.પ: (ફૂલછાબ ન્યુઝ) ગઈકાલે જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારિયા ગામમાં એક સિંહણે 7 વર્ષની એક બાળકીનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ વનવિભાગે આ સિંહણને પાંજરે પૂરવા માટે ગઈકાલ રાતથી જ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત આખી મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ આજે વહેલી સવારે સિંહણને પાંજરે પૂરવામાં વનવિભાગને સફળતા મળી હતી.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારિયા ગામમાં ગઈકાલ સાંજે સિંહણ વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની સાત વર્ષની કીર્તિ મનોજભાઈ ધાપા નામની બાળકી પોતાની માતા સાથે હતી ત્યારે તેને જડબામાં પકડી અને વાડી ખેતરમાં દૂર સુધી ઢસડીને લઈ ગઈ હતી. જેની જાણ પરિવારજનોએ વન વિભાગને કરતાં વન વિભાગની ટીમ સાથે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અનિરુદ્ધ વાળા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં આ વિસ્તારમાં બાળકીની શોધખોળ હાથ ધરતાં બાળકીનાં શરીરના કેટલાક અંગો મળી આવ્યાં હતાં. વન વિભાગની ટીમ સાથે ગામના સ્થાનિકો દ્વારા બાળકીની શોધખોળ  કરવામાં આવી હતી. જેમાં બાળકીનાં શરીરનાં કેટલાંક અંગો મળી આવ્યા છે. જો કે, બાળકીનાં ઘણાં અંગો હજી મળ્યાં નથી. હાલ વન વિભાગ બાળકીના અંગોની શોધખોળ કરી રહ્યું છે. વનવિભાગે સિંહણને પાંજરે પૂરવા માટે રાતથી જ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત આખી મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ વહેલી સવારે સિંહણને પાંજરે પૂરવામાં વનવિભાગને સફળતા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાફરાબાદ પંથકમાં સિંહણે બાળકનો શિકાર કરવાની ઘટના હજી 1પ દિવસ પહેલા જ સામે આવી હતી. 1પ દિવસ અગાઉ પણ જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં સિંહણે પાંચ વર્ષનાં બાળકનો શિકાર કર્યો હતો. જેમાં વનવિભાગની ટીમે ર4 કલાક બાદ ખાંભાના બારમણ સીમ વિસ્તારમાંથી સિંહણને પાંજરે પૂરી હતી ત્યારે પણ સિંહણે પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. આ દુ:ખદ ઘટનાને લઈને વન વિભાગ ગ્રામજનોમાં નારાજગીનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે હવે તો ઘરની બહાર નીકળતા પણ બીક લાગે છે. કામ પર કઈ રીતે જવું ? જંગલ કરતાં તો ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે. અમારે સિંહ નથી જોઈતા, વન વિભાગ સિંહોને અહીંથી લઈ જાય તેમ રોષપૂર્વક જણાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક