• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

આજે લાભપાંચમ: વેપાર-ઘંઘા અને માર્કેટ યાર્ડો ધમધમશે

દિવાળીનું મિનિ વેકેશન પૂર્ણ, વેપારીઓ પૂજન સાથે નવા વર્ષની બોણી કરશે

કપાસ-મગફળીની ધૂમ આવકથી યાર્ડો છલકાયા

રાજકોટ, તા.5 : દિવાળીના તહેવારોની પૂર્ણાહુતિ સાથે આવતી કાલે લાભપાંચમના શુકનવંતા મુહૂર્તમાં સૌરાષ્ટ્રમાં વેપાર-ધંધા અને માર્કેટ યાર્ડો પુન: ધમધમતા થશે. દિવાળીના મિની વેકેશન બાદ બજારોમાં ફરી ખરીદીનો ધમધમાટ જોવા મળશે. માર્કેટ યાર્ડો, દાણા બજાર, કરિયાણા બજાર, ઓફિસો અને પેઢીઓ આવતીકાલથી આરંભ કરવામાં આવશે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી રહે તેવી પ્રાર્થના સાથે વેપારીઓ કામધંધાના શ્રીગણેશ કરશે.

દિવાળીના તહેવાર નિમિતે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં એક સપ્તાહની રજા હતી.ખેડૂતો અને વેપારીઓ તહેવારની ઉજવણીમાં મશગુલ હતા ત્યારે લાભ પાંચમથી યાર્ડો પૂર્વવત થવાના છે એ પૂર્વે મંગળવારથી જ રાજકોટ, ગોંડલ, બોટાદ, જસદણ સહિતના યાર્ડોમાં વિવિધ જણસીઓની આવક શરૂ કરવામાં આવી હતી. કપાસ અને મગફળીની સીઝન ચાલી રહી છે. દિવાળી પૂર્વે જ કપાસ અને મગફળીની બમ્પર આવક થવા લાગી હતી. જોકે એક સપ્તાહની રજા બાદ આવતી કાલે આવક બમણા જોરથી વધે તેવી શક્યતા છે. મંગળવારે આવક શરૂ કરવામાં આવતા સૌરાષ્ટ્રના હળવદ, મહુવા સહિતના અનેક યાર્ડોમાં કપાસ અને મગફળીની બમ્પર આવક થતાં નવી આવક બંધ કરવામાં આવી હતી.

શહેરની વિવિધ બજારો પણ દિવાળીની રાતથી બંધ થઈ ગઈ હતી.એજ રીતે ઉદ્યોગો અને કારખાનાઓમાં પણ એક સપ્તાહની રજા હતી.જે તમામ બજારોમાં વેપારીઓ દ્વારા આવતી કાલે લાભપાંચમથી મુહૂર્ત કરી  વેપાર-ધંધા શરૂ કરવામાં આવશે.જોકે ઉદ્યોગો અને કારખાનામાં આવતી કાલે બુધવાર હોવાથી માત્ર મુહૂર્ત કરવામાં આવશે.કારીગરોને રજા રહેશે અને ગુરૂવારથી કારખાનાઓ ફરી ધમધમશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ એ સતત ધમધમતું શહેર છે.દિવાળીના તહેવારોમાં બજારો બંધ હોવાથી અને બહાર ફરવા જવાનો ક્રેઝ વધ્યો હોવાથી મોટાભાગના પરિવારો બહાર ફરવા જતા રહ્યા હોવાથી શહેરના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા હતા.બુધવારથી તમામ ઓફિસો અને બજારો શરૂ થતી હોવાથી બહાર ફરવા ગયેલા લોકો મંગળવારે મોડી રાત સુધીમાં પરત રાજકોટ પહોંચી ગયા હતા.જેના લીધે મંગળવારથી જ શહેરના રસ્તાઓ પર ફરી ચહલ-પહલ વધી હતી.આવતી કાલથી રંગીલા રાજકોટના રસ્તાઓ પર ફરી રોનક જામવા લાગશે.

ઇ-પેપરના નવા શુલ્ક