• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

ડુંગળીની ચિક્કાર આવક : હવે સસ્તી થશે

ગોંડલમાં 1 લાખ ગુણીની આવક થઇ ગઇ, મહુવામાં 41 હજાર ગુણીની જોરદાર આવક

રાજકોટ, તા.27(ફૂલછાબ ન્યૂઝ) : સૌરાષ્ટ્રમાં ડુંગળીની સીઝન જામી છે. મહુવાની માફક ગોંડલ યાર્ડમાં પણ ચિક્કાર આવક થાય છે. હજુ તો સીઝનના આરંભનો તબક્કો છે ત્યારે અલગ અલગ વિસ્તારોની ડુંગળી નીકળવા લાગશે ત્યારે યાર્ડમાં આવક એકદમ વધી જવાની ગણતરી છે. જોકે જંગી આવક છતાં રિટેઇલ બજારમાં ડુંગળી બહુ સસ્તી નથી થઇ. રિટેઇલમાં ડુંગળી એક કિલોએ 25થી 50ના ભાવથી વેચાય છે. પંદર-વીસ દિવસમાં ભાવ તૂટવાની ગણતરી છે.

સૌરાષ્ટ્રભરમાં ડુંગળીની આવક બુધવારે પોણા બે લાખ ગુણી જેટલી થઇ હતી. મહુવામાં 48 હજાર ગુણી આવી હતી. બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં બંધ પડેલી આવકને પ્રવેશ અપાતા 1 લાખ ગુણીની આવક હતી. ગોંડલમાં રોજ પંદરેક હજાર ગુણીનો વેપાર થાય છે એ જોતા પાંચથી સાત દિવસ પુરવઠો ચાલશે. ડુંગળીના ભાવ માર્કેટ યાર્ડમાં સરેરાશ મણ દીઠ રૂ. 150-750 સુધી ચાલે છે. જોકે સરેરાશ ભાવ રૂ. 200-600 વચ્ચેના છે.

વેપારીઓ કહે છેકે, ડુંગળીના ભાવ ઉંચા છે એટલે કિસાનો માલ તૈયાર થતાવેંત બજારમાં ઠાલવવા લાગ્યા છે. ખરીફ વાવેતર પણ સારું છે એટલે પાક ઉત્પાદન વધીને આવશે. આમ ડિસેમ્બરમાં આવક મોટાંપાયે થશે. તેજીને લીધે શિયાળુ રોપલીનું વાવેતર પણ

ખૂબ સારું રહ્યું છે. ગોંડલમાં મમોડી સાંજે 1 લાખ ગુણીની આવક હતી. જોકે યાર્ડમાં 14590ની હરાજી બપોર સુધીમાં થઇ ગઇ હતી અને ભાવ રૂ. 151-871 હતો. રાજકોટમાં આવક બંધ છે. ભાવ રૂ. 130-670, મોરબીમાં 350 ગુણી રૂ. 200-600નો ભાવ હતો. ધોરાજીમાં 500 ગુણી આવકે રૂ. 100-701, વિસાવદરમાં 25 ગુણી આવકે રૂ. 1550-331, જેતપુરમાં 680 ગુણી આવકે રૂ. 121-671 હતા. ભાવનગરમાં ચાર હજાર ગુણી આવકે રૂ. 180-652 રહ્યા હતા. મહુવામાં લાલની 41 હજાર ગુણીનો વેપાર રૂ. 151-952માં અને સફેદનો વેપાર રૂ. 300-866માં થયો હતો. સફેદની આવક 6 હજાર ગુણીની હતી.

ડુંગળીના વેપારીઓનું કહેવુ છેકે, આવક સુધરવાને પગલે ભાવ થોડાં દબાણ હેઠળ આવ્યા છે પણ તત્કાળ મોટી મંદી નથી. ઉંચા ભાવમાં પણ અત્યારે લોકલ તથા વિયેટનામમાં નિકાસની માગ છે. નિકાસ સારી રહેતો બજાર ટકી રહેશે. જોકે ડિસેમ્બરમાં આવક થતાં થોડું દબાણ ભાવ પર જોવા મળશે. બીજી તરફ શિયાળુ વાવેતર સારાં થાય છે એટલે તેની આવક પણ જાન્યુઆરીમાં શરૂ થઇ જશે.

સૌરાષ્ટ્રની લાલ ડુંગળી દક્ષિણ ભારતમાં મોકલવામાં આવે છે. સફેદના ભાવ ઉંચા છે એટલે ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં પડતર નથી. જોકે સફેદ પણ હોટેલ રેસ્ટોરેન્ટમાં જાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક