• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

યાર્નની નિકાસ હળવી થઇ જતાં સ્પિનિંગ મિલો પર સંકટ

ચીનમાં માગ નથી અને બાંગ્લાદેશમાં સોદા કરાય એવી સ્થિતિ નથી : ઘરઆંગણે ઉત્પાદન પડતર ઉંચી

 નિલય ઉપાધ્યાય

રાજકોટ, તા.29 : કપાસની ભરસીઝને યાર્ન ઉત્પાદકોની હાલત કથળેલી છે. કપાસના ઉંચા ભાવને લીધે યાર્નની પડતર વિશ્વ બજારમાં લાગતી નથી અને નિકાસ સોદા ઠપ થઇ ચૂક્યાં છે. બીજી તરફ બાંગ્લાદેશની રાજકિય-આર્થિક સ્થિતિ પણ ડામાડોળ હોવાને લીધે ભારે સમસ્યાઓનો સામનો યાર્ન ઉત્પાદકો કરી રહ્યા છે. પરિસ્થિતિમાં સુધારો ન થાય તો એકાદ મહિનામાં યાર્નના ઉત્પાદન ઘટાડવાની નોબત આવે તેમ છે.

સ્પિનિંગ મિલોમાં યાર્ન બનાવવાની શરૂઆત તો દોઢ મહિનાથી થઇ ગઇ છે પણ અત્યારે મુશ્કેલી નિકાસને લઇને છે. ગુજરાત સ્પિનીંગ મિલ્સ એસોસિયેશનના ઉપપ્રમુખ જયેશ પટેલે કહ્યું કે, ગુજરાતમાં નીટીંગ યાર્નનું ઉત્પાદન થાય છે, જે નિકાસ બજારમાં ચાલે છે. સ્થાનિક વપરાશમાં વીવિંગ યાર્ન ચાલે છે. ગુજરાતમાંથી નિકાસની ભારેખમ મુશ્કેલી છે. ગુજરાતમાં બનતા યાર્નના ભાવ ઉંચા છે અને વિદેશમાંથી સસ્તાં ભાવની માગ આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, ચીનની ખરીદી સાવ બંધ છે. બાંગ્લાદેશમાં પેમેન્ટ ફસાઇ જવાનો ડર આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાને લીધે છે. એ ઉપરાંત ભાડાં ઉંચા છે અને ત્યાં બેંકો ય બ્લેક લિસ્ટ થઇ છે પરિણામે ત્યાં યાર્ન મોકલવા માટે કોઇ તૈયાર નથી. સોદા ઠપ છે. નવેમ્બર સુધી ઉત્પાદકો પાસે બાકિંગ હતા પણ આવતા મહિનાથી સમસ્યા શરૂ થવાની છે.

ગુજરાતમાં આશરે સવા સો જેટલી યાર્ન બનાવતી ફેક્ટરીઓ છે. બધી જ ફેક્ટરીઓમાં અત્યારે ધમધમાટ છે પણ ભવિષ્ય અંગે ચિંતા છે. યાર્નના એક ઉત્પાદક કહે છેકે, વિદેશી બજારમાં માગની હેરહાજરી જેવી કોઇ પરિસ્થિતિ નથી પણ આપણો ઓફર ભાવ ઉંચો પડે છે. ગુજરાતનું નીટીંગ યાર્ન 30 કાઉન્ટમાં 3.10 સેન્ટમાં પડતર થાય છે. એની સામે ખરીદનારાની માગ 2.85-2.90 સેન્ટની છે. સ્થાનિક બજારોમાં 30 કાઉન્ટનો ભાવ રૂ. 241-242 ચાલી રહ્યો છે.

યાર્ન મિલો માટે કપાસના ભાવ મોટું સંકટ છે. કપાસનો ભાવ ખૂલ્લા બજારમાં રૂ. 1500 આસપાસ ચાલે છે. એની સામે ગાંસડી રૂ. 55000માં વેચાય છે. કપાસમાં સીસીઆઇની ટેકાના ભાવથી ખરીદી છે એટલે ભાવ નીચે આવતો નથી. વિશ્વ બજાર સસ્તી છે એટલે ભારતીય કપાસ, યાર્ન અને ગાંસડી મોંઘા લાગે છે. જોકે કપાસ સસ્તો થાય તો ખેડૂતોને પરેશાની થાય એમ છે. ખેડૂતો પણ અત્યારે મુશ્કેલીમાં છે.

દેશભરમાં રૂની આવક રોજ 2.10 લાખ ગાંસડી આસપાસ થાય છે. એમાંથી અર્ધો કપાસ સીસીઆઇ દ્વારા ટેકાના ભાવથી ખરીદી લેવામાં આવે છે. પરિણામે ખૂલ્લા બજારમાં માલની અછત દેખાય છે. યાર્ન મિલોને પૂરતો જથ્થો મળતો નથી. કપાસમાં ખેડૂતો પરેશાન છે. જિનોને ડિસ્પેરિટી છે. ફેબ્રિક, પ્રોસેસિંગ અને ગારમેન્ટ બધે જ માગ હળવી છે એટલે મુશ્કેલી પડી રહી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક