પોરબંદર, તા.29(ફૂલછાબ ન્યૂઝ)
: શિયાળાની ઠંડીનું હજુ દબાતા પગલે આગમન થયું છે ત્યાં પોરબંદરમાં ઉતાવળે આંબા પાકવા
લાગ્યા છે. પોરબંદર નજીક બિલેશ્વરના ફાર્મ ખાતેથી કેરીનું આગમન યાર્ડમાં થયું અને વેચાણનો
સોદો પણ શુક્રવારે કરવામાં આવ્યો હતો. પાછલા વર્ષે પણ શિયાળામાં કેરીનું આગમન થઇ ગયું
હતું.
પોરબંદર નજીકના બિલેશ્વર ગામેથી
પોરબંદરના કેસર કેરીના 10 કિલોના એક બોકસની હરાજી થઇ હતી. જેમાં રૂ. 851 પ્રતિ કિલો
લેખે 8500 રૂપિયામાં આ બોક્સનું વેચાણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદરમાં
કેરીનું આગમન ખૂબજ વહેલુ થઇ જાય છે. આ વર્ષે પણ હજુ શિયાળાની શરૂઆત થઇ રહી છે ત્યાંજ
માર્કેટિંગ યાર્ડમાં કેરીનું વેચાણ થયું હતું.
બિલેશ્વરના ખેડૂત નિલેષ મોરીને ત્યાં પાંચ જેટલા આંબામાં કેરીઓ પાકવા
માંડી છે. તેમણે એમ કહ્યું કે, વાતાવરણ અનુકુળ છે અને વરસાદ પણ ખૂબજ વધુ માત્રામાં
થયો છે. આંબાવાડિયામાં દેશી ખાતરનો વધુ ઉપયોગ કરે છે તેથી સપ્ટેમ્બર મહિનામાં જ ફાલ
આવી ગયા હતા અને હાલમાં કેસર કેરી પાકી જતા પ્રથમ બોકસની હરાજી પોરબંદરના માર્કેટિંગ
યાર્ડ ખાતે સુદામા ફૂટ કંપનીના નીતિનભાઈ દાસાણીને ત્યાં થઇ હતી. સારું વાતાવરણ રહેશે
તો આ વર્ષે કેરીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે.
સુદામા ફૂટના નીતિન દાસાણી કહે છે, ગત વર્ષે શિયાળા દરમિયાન કેરીની
હરાજી શરૂ થઇ હતી આ વખતે પુનરાવર્તન થયું છે. શુક્રવારે દસ કિલો કેસર કેરીની આવક થઇ
હતી. કેરીનું બોક્સ લાવવામાં આવતા ગુલાબની પાંદડીઓ વડે સ્વાગત કરીને આવકાર અપાયો હતો.