• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

સૌરાષ્ટ્રની 50થી વધુ શાળાની ફી વધારાઈ : વાલીઓને ડામ

રપ શાળાએ માગ્યો હતો 50 હજાર સુધીનો ફી વધારો : 7 શાળાની ફી ઘટી, 58નાં ફીનાં ધોરણો યથાવત્

રાજકોટ, તા. 9 : બોર્ડની પરીક્ષાઓ નજીક છે અને શાળાઓનું બીજું સત્ર સમાપ્ત થવાને આરે છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતિ દ્વારા શાળાઓની ફી મામલે મિશ્ર વલણ અપનાવતા નિર્ણયો લેવામાં આવ્યા છે. તદ્અનુસાર સૌરાષ્ટ્ર ઝોનની 50થી વધુ શાળાઓની ફીમાં વધારો કરાતા આ શાળાના વાલીઓને આર્થિક ડામ ભોગવવો પડશે જ્યારે સાત શાળાની ફી ઘટાડીને વાલીઓને રાહત પહોંચાડવામાં આવી છે તેમજ 58 શાળાની ફીનાં ધોરણો વર્તમાન મુજબ યથાવત્ રાખવામાં આવ્યા છે.

થોડા વખત પહેલાં જ સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતિ સામે રાજકોટ - સૌરાષ્ટ્રના શાળા સંચાલકોમાંથી વિરોધના સૂર વહ્યા હતા. એફઆરસીએ મોટાભાગની શાળાઓની ફી ઘટાડી હોવાની રજૂઆત સાથે સંચાલક મંડળે નારાજગી વ્યક્ત કરી હતી. તેના થોડા સમયબાદ તૂર્ત જ નવી વિગતો આવી છે. તદ્અનુસાર સૌરાષ્ટ્ર ઝોનની 50થી વધુ શાળાની ફીમાં વધારો કરાયો છે.

સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી સમક્ષ 1200 જેટલી શાળાએ એફિડેવિટ કરી હતી. એટલે કે તેઓએ ફીનાં ધોરણો સરકારે જાહેર કરેલાં માપદંડ અનુસાર જ રાખ્યા હોવાની બાંયધરી આપી હતી જ્યારે 115 જેટલી શાળાએ એફઆરસી સમક્ષ ફી વધારવા દરખાસ્ત કરી હતી. જેમાંથી રપ શાળાએ વાર્ષિક 50 હજાર જેટલો ફી વધારો માગ્યો હતો. એફઆરસી દ્વારા નિયત કરાયેલા નવા ફીનાં ધોરણ આગામી ત્રણ વર્ષ માટે રહેશે. બીજી તરફ જે શાળાનો ફી વધારો મંજૂર કરાયો છે તેના મોંઘવારીથી ભીંસાતા વાલીઓને વધારાનું આર્થિક ભારણ આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક