ઉપસરપંચ
અને તલાટીએ કરેલી ઉચાપત સંદર્ભે રજૂઆત કરવા છતાં કાર્યવાહી નહીં કરતા પગલું ભર્યુ
સરપંચ
સામે પણ ગૌચરની જમીન સહિતના મામલે આક્ષેપો
જૂનાગઢ,
તા.રર : રુપાવટી ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચની પત્નિ અને માતાએ ઉપસરપંચ અને તલાટીએ
કરેલી ઉચાપત સંદર્ભે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા જુનાગઢમાં
ડીડીઓની ઓફિસમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના
પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
આ અંગેની
વિગત એવી છે કે, રુપાવટી ગામના સરપંચ જીજ્ઞેશ પુરુષોત્તમ હીરપરાની પત્ની સરોજબેન અને
માતા પ્રભાબેન ગ્રામ પંચાયતના સભ્ય છે. સરપંચ જીજ્ઞેશ હીરપરા તથા સરોજબેન અને માતા
પ્રભાબેન દ્વારા ઉપસરપંચ હાસમ જુસબ, તલાટી મહેશ કેશવ સહિતાનાઓ સામે નાણા પંચની ગ્રાન્ટની
ઉચાપત કરી ખોટી સહી કરી હોવાની ડીડીઓને રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા
નહોતા.
બાદમાં
ગઈકાલે ત્રણેય ડીડીઓને રજૂઆત કરવા ગયા હતા પરંતુ ડીડીઓ મિટિંગમાં હોવાથી મળ્યા નહોતા.
બાદમાં આજે બપોરના રુપાવટી ગ્રામપંચાયતના સભ્ય સરોજબેન અને પ્રભાબેન ડીડીઓની ઓફિસમાં
ગયા હતા અને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તાકીદે બન્ને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ મામલે સરપંચ જીજ્ઞેશ હીરપરાએ જણાવ્યું હતું કે પોલીસ અને જિલ્લા પંચાયતને અનેક વખત
આ મામલે રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે તેની પત્ની
અને માતાએ આ પગલું ભર્યું હતું અને જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવા માગણી કરી હતી
તેમજ સરપંચ જીજ્ઞેશ સામે પણ ગૌચરની જમીન દબાણ અને બીજાને નોટિસ આપતા હોવાના આક્ષેપો
કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.