રાજકોટ, તા.23 (ફૂલછાબ ન્યૂઝ)
: ડુંગળીની બેશૂમાર આવકથી સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ છલકાઈ રહ્યા છે. રોજબરોજ સવા
બેથી અઢી લાખ ગુણી કરતા વધારે પુરવઠો આવે છે છતાં કિસાનોને ઠીક ઠીક સારો ભાવ મળતા કચવાટ
નથી. જોકે સૌથી મોટી મુશ્કેલી નિકાસની છે. 20 ટકા જકાત નિકાસ પર લાગે છે અને બાંગ્લાદેશે
આયાત જકાત 10 ટકા નાખી છે. આવી સ્થિતિમાં સરકાર 20 ટકા જકાત ઉઠાવી લે તો ડુંગળીના ભાવ
તૂટે નહીં ને મક્કમ થઈ જાય એમ છે. રિટેઇલ બજારમાં ડુંગળીના ભાવ સૌરાષ્ટ્રમાં રૂ.
15થી 40 વચ્ચે ચાલે છે. મહ્નવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની રોજ આશરે 60 હજાર ગુણી,
ભાવનગરમાં 70 હજાર ગુણી, ગોંડલમાં 30 હજાર ગુણી, જળાજામાં 15 હજાર ગુણી, ધોરાજીમાં
4 હજાર ગુણી અને રાજકોટમાં 30 હજાર ગુણીની આવક થઈ હતી. સફેદ ડુંગળીની આવક મહુવામાં
આશરે 30 હજાર ગુણી અને ગોંડલમાં 5 હજાર ગુણીની આવક થાય છે. લાલ ડુંગળીનો ભાવ છેલ્લા
પંદરેક દિવસથી રૂ. 160-490 વચ્ચેના ભાવ જળવાયેલા છે. મણે રૂ. 50ની વધઘટ થાય છે. સફેદ
ડુંગળીનો ભાવ રૂ. 250-411 ચાલે છે. ડુંગળીની આવક ચિક્કાર છે છતાં ભાવ મક્કમ છે. આ સ્થિતિમાં
ખેડૂતોને વળતર સારાં છે. ડુંગળીના મહુવા ખાતેના એક વેપારી કહે છે કે, ડુંગળી રૂ.
400 કે તેની ઉપર વેચાય એવો જથ્થો આશરે 25 ટકા જેટલો હશે. 75 ટકા પુરવઠો એનાથી નીચેના
ભાવથી વેચાય છે. કિસાનોને હાલના ભાવથી ઠીક ઠીક વળતર છે પણ ભાવ તૂટે તો નુકસાની જશે
એટલે સરકારે નિકાસ પર જકાત છે તે દૂર કરવી જોઈએ.
ભારતમાંથી ક્યાંય પણ નિકાસ કરવામાં
આવે તો 20 ટકા જકાત કેન્દ્ર સરકારે લગાવી રાખી છે. ડુંગળીનો પુરવઠો હવે નવો પાક આવતા
વધવા લાગ્યો છે, ભાવ ઘટયા છે છતાં નિકાસ મુક્ત રીતે થઈ શકતી નથી એટલે વેપારીઓ અને ખેડૂતોએ
જકાત દૂર કરવા માગણી કરી છે. ભારતમાંથી સૌથી વધારે નિકાસ બાંગ્લાદેશમાં થાય છે. જ્યાં
આયાતને રોકવા 10 ટકા જકાત લગાવાઈ છે. આમ આપણા નિકાસકારો બાંગ્લાદેશ મોકલે તો 30 ટકા
મોંઘું પડે છે છતાં અત્યારે નિકાસનાં ધીમાં ધીમાં કામકાજ થાય છે. સૌરાષ્ટ્રમાં ચોમાસા
દરમિયાન ખૂબ સારા વાવેતર થયાં હતા. અત્યારે આવક પણ ખૂબ સારી છે. આમ છતાં કિસાનોને સારો
ભાવ મળી રહ્યો છે. તે અંગે એક નિકાસકાર કહે છે, રાજસ્થાનમાં આવક સુકાઈ ગઈ છે બીજી તરફ
મહારાષ્ટ્રમાં નાસિક અને લાસલગાંવમાં આવક અપૂરતી છે એટલે સૌરાષ્ટ્રની ડુંગળીની માગ
દેશાવરમાં સારી છે.
સૌરાષ્ટ્રની ડુંગળી દિલ્હી, પંજાબ
અને હરિયાણા તરફ જાય છે. આસામ તરફ પણ ખૂબ માલ જતો હતો પણ હવે ત્યાં સોદા મંદ પડી ગયા
છે.
દરમિયાન આગામી પંદરેક દિવસમાં
શિયાળુ રોપલીની આવક શરૂ થઈ જવાની છે ત્યારે આવકનો પ્રવાહ હજુ વધશે. જોકે સરકાર નિકાસ
જકાત ઓછી ન કરે તો ભાવ તૂટશે.